Junagadh: “ગરવો ગઢ ગિરનાર, વાદળો સાથે વાતું કરે” ઉક્તિને સાર્થક કરતા દૃશ્યો જુનાગઢથી આવ્યા સામે- જુઓ Video
Junagadh: હાલ જુનાગઢમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ગીરનાર પર્વતના અદ્દભૂત, મનમોહક દૃશ્યો સામે આવ્યા છે. વાદળ સાથે વાતો કરે ઉંચો ગઢ ગિરનાર ઉક્તિને બરાબર આ દૃશ્યો સાર્થક કરી રહ્યા છે ત્યારે મેઘરાજા મહેરબાન થતા ગીરનાર પર્વત પર પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે.

આખરે કાગડોળે રાહ જોયા બાદ મેઘરાજાની સવારી સૌરાષ્ટ્રમાં આવી પહોંચી છે અને મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી ગરમીથી ત્રાહિમામ લોકો મેઘરાજા સૌરાષ્ટ્ર પર મહેરબાન થાય અને તેમની કૃપાદૃશ્ટિ વરસાવે તેવી આજીજી કરી રહ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ધોરાજી, જેતપુર અને જુનાગઢ સહિતના પંથકમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે અને મેઘો મન મુકીને વરસી રહ્યો છે. જુનાગઢમાં એકસાથે 4 ઈંચ વરસાદ ખાબકી જતા ગીરનાર પર્વત પરનો મનમોહક નજારો જોવા મળ્યો છે. પગથિયા પરથી ઝરણા વહેતા હોય તેવા નયનરમ્ય દૃશ્યો સામે આવ્યા છે.
ગીરનારમાં સોળે કળાએ ખીલી ઉઠી કુદરત
આ તરફ ગીરનારના જંગલમાં 6 ઈંચ વરસાદ વરસી જતા ગીરનાર પર્વત પર વનરાજી છવાઈ ગઈ છે. ગીરનાર પર્વત જાણે વાદળો સાથે વાતો કરી રહ્યો હોય તેવા નયનરમ્ય દૃશ્યો જોવા મળી રહ્યા છે. હાલ સમગ્ર જુનાગઢ પંથકમાં સાર્વત્રિક વરસાદ થતા દામોદર કુંડમાં પણ નવા નીરની આવક થઈ છે. ત્યારે ભાવિકો પણ નવા નીરના વધામણા કરવા આવી રહ્યા છે. જ્યારે જ્યારે ગિરનાર જંગલમાં વરસાદ વરસે છે ત્યારે દામોદર કુંડ નવા નીરથી ભરાઈ જાય છે. હાલ ગિરનાર પર્વત પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને પ્રકૃતિએ જાણે લીલી ઓઢણી ઓઢી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. પ્રકૃતિપ્રેમીઓ ગીરનાર પર્વતનો આ નજારો જોઈને ઝુમી ઉઠ્યા છે.
ધરતીપુત્રોની ચિંતા દૂર થઈ
આ વર્ષે અલ નીનોને કારણે ચોમાસાની મોડી શરૂઆત થઈ છે ત્યારે મોડે મોડે પણ મેઘરાજાએ તેની અમીદૃષ્ટિ સૌરાષ્ટ્ર પર વરસાવી છે અને ધરતીપુત્રોની ચિંતા દૂર થઈ છે. હાલ ખેડૂતોએ ખેતરોમાં ખેડ કરીને વાવેતર કરી દીધુ છે ત્યારે પિયતનો સૌથી મોટો પ્રશ્ન હલ થયો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને જગતના તાતના માથેની ચિંતાના વાદળો હવે હટ્યા છે. તો દામોદર કુંડમાં નવા નીરની આવક થતા સોરઠ પંથકના લોકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
