
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતમાં આગામી પાંચ વર્ષમાં ₹7 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી છે. રાજકોટ ખાતે રવિવારે (11 જાન્યુઆરી, 2026) યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રિલાયન્સ માટે માત્ર એક રાજ્ય નહીં પરંતુ તેની ઓળખ, આત્મા અને આધાર છે. “રિલાયન્સ માટે ગુજરાત એટલે અમારું શરીર, હૃદય અને આત્મા. અમે એક ગુજરાતી કંપની છીએ,” એમ તેમણે કહ્યું.
મુકેશ અંબાણીએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં રિલાયન્સે ગુજરાતમાં ₹3.5 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે અને તે રાજ્યનો સૌથી મોટો રોકાણકાર છે. હવે આગામી પાંચ વર્ષમાં આ રોકાણને બમણું કરીને ₹7 લાખ કરોડ સુધી લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ રોકાણથી રોજગાર, જીવનોપાર્જન અને સમૃદ્ધિના નવા અવસર ઊભા થશે, જેનાથી દરેક ગુજરાતી અને દરેક ભારતીયને લાભ મળશે.
મુકેશ અંબાણીએ ગુજરાત માટે પાંચ મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતાઓ જાહેર કરી. બીજી મોટી પ્રતિબદ્ધતા તરીકે તેમણે ક્લીન એનર્જી અને ગ્રીન મટિરિયલ્સ ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વ સ્થાપિત કરવાની વાત કરી. જામનગરમાં રિલાયન્સ વિશ્વનું સૌથી મોટું ઈન્ટિગ્રેટેડ ક્લીન એનર્જી ઇકોસિસ્ટમ ઊભું કરી રહી છે, જેમાં સોલાર પાવર, બેટરી એનર્જી સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન ખાતર, સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ, મેરિટાઇમ ફ્યુઅલ અને એડવાન્સ્ડ મટિરિયલ્સનો સમાવેશ થાય છે.
Rajkot, Gujarat | At the Vibrant Gujarat Regional Conference, Chairman & Managing Director of Reliance Industries Limited, Mukesh Ambani says, “Jai Somnath! The positive vibrations from our Prime Minister’s prayers at Somnath are resonating across Gujarat and India… Prime… pic.twitter.com/ZDuPuE2Ap6
— Tv9 Gujarati (@tv9gujarati) January 11, 2026
મુકેશ અંબાણીએ જણાવ્યું કે એક સમયનું વિશ્વનું સૌથી મોટું હાઇડ્રોકાર્બન ફ્યુઅલ એક્સપોર્ટિંગ હબ રહેલું જામનગર હવે આગામી વર્ષોમાં ભારતનું સૌથી મોટું ગ્રીન એનર્જી અને ગ્રીન મટિરિયલ્સ એક્સપોર્ટિંગ સેન્ટર બનશે. તેમણે કહ્યું કે રિલાયન્સનો મલ્ટી-ગિગાવોટ યુટિલિટી-સ્કેલ સોલાર પ્રોજેક્ટ, જે વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંનો એક છે, એડવાન્સ્ડ સ્ટોરેજ અને આધુનિક ગ્રિડ ઇન્ટિગ્રેશન દ્વારા 24 કલાક સ્વચ્છ ઊર્જા પૂરી પાડશે અને ભારતના વિકાસને નવી ગતિ આપશે.
ચોથી પ્રતિબદ્ધતા તરીકે મુકેશ અંબાણીએ ગુજરાતને ભારતનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હબ બનાવવાની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે જિયો જામનગરમાં ભારતનું સૌથી મોટું AI-રેડી ડેટા સેન્ટર બનાવી રહ્યું છે, જેનો ઉદ્દેશ AIને દરેક ભારતીય માટે સસ્તું અને સુલભ બનાવવાનો છે. જિયો ભારતનું પ્રથમ “પીપલ-સેન્ટ્રિક AI પ્લેટફોર્મ” લોન્ચ કરશે, જે ભારત માટે, ભારત દ્વારા અને વિશ્વ માટે બનાવવામાં આવશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે આ AI પ્લેટફોર્મ દ્વારા ગુજરાતથી શરૂઆત કરીને દરેક નાગરિક પોતાની ભાષામાં, પોતાના ડિવાઇસ પર રોજિંદા જીવનમાં AI સેવાઓનો ઉપયોગ કરી શકશે, જેથી લોકો વધુ કાર્યક્ષમ અને ઉત્પાદનક્ષમ બનશે.
પાંચમી પ્રતિબદ્ધતા તરીકે મુકેશ અંબાણીએ ગુજરાત સરકારના ઓલિમ્પિક સપનાઓ અને સામાજિક પહેલોમાં સહભાગી બનવાની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદમાં 2036 ઓલિમ્પિક ગેમ્સ યોજવાના વિઝનને સંપૂર્ણ સમર્થન આપે છે. આ અંતર્ગત રિલાયન્સ ગુજરાત સરકાર સાથે મળીને નારણપુરા ખાતે આવેલા વીર સાવરકર મલ્ટીસ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન કરશે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોત્સવો તેમજ ભવિષ્યના ખેલાડીઓના તાલીમ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે.
આ ઉપરાંત મુકેશ અંબાણીએ સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વસ્તરીય હોસ્પિટલ સ્થાપવાની અને રિલાયન્સની શૈક્ષણિક સંસ્થાઓનું વિસ્તરણ કરવાની પણ જાહેરાત કરી. “ગુજરાતનો વિકાસ એ અમે જે કંઈ કરીએ છીએ તેનું કેન્દ્રબિંદુ છે,” એમ તેમણે જણાવ્યું.
મુકેશ અંબાણીએ વૈશ્વિક ભૂ-રાજકીય પરિસ્થિતિ અને વધતી અનિશ્ચિતતાઓ અંગે વાત કરતાં જણાવ્યું કે ભલે દુનિયા ઝડપથી બદલાઈ રહી હોય, પરંતુ ભારત મજબૂત અને સ્થિર છે. “આ પડકારો આપણા દેશ કે આપણા લોકોને ડગમગાવી શકતા નથી. આજે ભારત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ એક અદમ્ય સુરક્ષા કવચ હેઠળ છે,” એમ તેમણે કહ્યું.
આ જ કાર્યક્રમમાં અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે અદાણી ગ્રુપ માટે ગુજરાત માત્ર રોકાણનું રાજ્ય નથી પરંતુ તેની પાયાની જમીન છે. “અમે જ્યાંથી શરૂઆત કરી તે ગુજરાત છે અને જ્યાં અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા સ્થિર છે તે પણ ગુજરાત જ છે,” એમ તેમણે કહ્યું.
કરણ અદાણીએ જણાવ્યું કે અદાણી ગ્રુપ આગામી પાંચ વર્ષમાં કચ્છ વિસ્તારમાં ₹1.5 લાખ કરોડનું રોકાણ કરશે. ખાવડા પ્રોજેક્ટ પૂર્ણ કરીને 2030 સુધીમાં સંપૂર્ણ 37 ગીગાવોટ ક્ષમતા કાર્યરત કરવામાં આવશે. સાથે જ આગામી દસ વર્ષમાં મુન્દ્રા પોર્ટની ક્ષમતાને બમણી કરવાની પ્રતિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી.