JAMNAGAR : વેશભુષા સાથે પ્રાચીન ગરબામાં છેલ્લા 61 વર્ષથી પ્રખ્યાત શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ
આજના યુગની જરા પણ હવા લાગ્યા વિના ગુજરાતની પ્રણાલિકા મુજબ જ શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે જે ખરેખર પ્રસશનીય છે અભિનંદનીય છે.
JAMNAGAR : ગુજરાતમાં નવરાત્રી પર્વ પર ખુણેખુણે વિવિધ પ્રકારે નવરાત્રીની ઉવજણી અને ગરબાનું આયોજન થતુ હોય છે. ગરબા રમવા ખુદ દેવદેવતા આવે, પ્રાચીન ગરબા રમતા હોય તેવુ જામનગરના લીમડાલેન શેરી નંબર ત્રણમાં આવેલી શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ માં જોવા મળે છે. જયાં છ દાયકાથી આ પ્રકારે અનોખા પ્રાચીન ગરબા જોવા મળે છે. જયા વેશભુષા સાથે રાસ ગરબા રમવામાં આવે છે. શ્રી ભારતમાતા ગરબી મંડળની સ્થાપના વર્ષ 1960માં થઇ હતી અને હાલ ઝળહળતુ 61મું વર્ષ શરૂ છે.
છેલ્લા 61 વર્ષથી સતત કાર્યરત વિતેલા આ છ દાયકાના સમયગાળામાં આ ગરબી તેમના વિરાટ આયોજન, પરંપરાગત રાસ – ગરબાની રજુઆત, બાળાઓ અને યુવકો દ્વારા લેવાતા અભૂતપૂર્વ દાંડિયા રાસ, પ્રાચીનતમ ગરબા-દૂહા-છંદની ગાયકી દ્વારા પ્રગટ થતો ભક્તિભાવ, શિસ્તબદ્ધ કાર્યકરો, સુઘડ વ્યવસ્થાપનના કારણે જેટલી વિખ્યાત છે, તેટલી જ ધાર્મિક અને ઐતિહાસિક મહાનુભાવોના પાત્રોની વેશભૂષા દ્વારા રમાતી ગરબીના કારણે પણ તેટલી જ ખ્યાતિ પામી છે.
આ ગરબીનું સંચાલન આ જ વિસ્તારમાં વસવાટ કરતા વિશાળ રામાણી પરિવારના બંધુઓ તથા લીંબાસીયા પરિવાર, ગજેરા પરિવાર દ્વારા કરવામાં આવે છે. જયારે ભારતના ભાગલા પડયા નહોતા ત્યારે આ પરિવાર હાલના પાકિસ્તાનના શહેર કરાંચીમાં વસવાટ કરતા હતા અને ઇ.સ. 1942 માં પણ સ્વ. શ્રી ભાણજીભાઈ સંઘરાજભાઇ પટેલ અને તેમના બંધુઓ પટેલ યુવક મંડળના નેજા હેઠળ નવરાત્રીની પરંપરાગત અને હોંશભેર ઉજવણી કરતા હતા.
સ્વતંત્રતા પ્રાપ્તિના વર્ષમાં તેઓ જામનગર સ્થળાંતર થયા. જામનગરના વસવાટની સાથે જ આ પરિવારે ઇ.સ. 1947થી શહેરમાં નવરાત્રીની ઉજવણી અને ગરબીનું આયોજન આરંભ્યું. જામનગરમાં સર્વપ્રથમ રામજી લક્ષ્મણના ડેલામાં, ત્યારપછી આણદાબાવા આશ્રમવાળી જગ્યામાં, પંચેશ્વર ટાવર વિસ્તારમાં નવરાત્રીની ઉજવણી કરી હતી. પરંતુ ત્યારપછી લીમડા લેન વિસ્તારમાં સ્થાયી વસવાટની સાથોસાથ આ જ વિસ્તારના પટેલ ચોકમાંસ્થાનિકોના સહકારથી શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળની રાહબરી હેઠળ ગરબીનો પ્રારંભ કર્યો.તેમજ વર્ષ 2010 માં 50માં વર્ષે સુવર્ણ જયંતીની ઉજવણી કરી આ વર્ષે પણ ભારે લોકચાહના સાથે કાર્યરત છે.
આ ગરબી અનેક પ્રકારે વિશિષ્ટતા ધરાવે છે. જેમાં સૌથી ધ્યાનાકર્ષક બાબત એ છે કે, આ વિસ્તારમાં વસતા મુસ્લિમ, શિખ, ખ્રિસ્તી પરિવારો પણ આ ગરબી મંડળના સમગ્ર આયોજનમાં સક્રિયપણે જોડાઇને સેવા આપી રહ્યા છે અને ગરબી મંડળના નામ “શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ”ને યથાર્થ ઠરાવી અનેકતામાં એકતાનો ભાવ પ્રદર્શિત કરી રહ્યા છે. તેમજ આઠમના દિવસે આર્ય સમાજ દ્વારા વૈદિક યજ્ઞ કરી વૈદિક પ્રચાર પ્રસારનું પણ માધ્યમ જાળવી રાખેલ છે.
સૌથી મહત્ત્વની બાબતએ છે કે, અહી નવરાત્રીના દિવસો દરમિયાન દરરોજ ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોની વેશભૂષા પરિધાન કરીને યુવકો દાંડિયા રાસ રમતા જોવા મળે છે. વર્ષોની પરંપરા મુજબ ગરબીમાં રામ, લક્ષ્મણ, સીતાજી, કૃષ્ણ, રાધાજી, શંકર ભગવાન, ગણેશજી, હનુમાનજી, રાવણ, છત્રપતિ શિવાજી, ટીપુ સુલતાન, સિકંદર, ઋષિમુનિ, જટાયુ, અસૂર જેવા અનેકવિધ પાત્રોની આહેબખૂબ વેશભૂષા પહેરી, શણગાર – સુશોભન કરીને એક જ મંચ પર એકી સાથે ભાતીગળ રાસ રમતા હોય તેવું દ્રશ્ય ગરબી નિહાળનારાઓના મન મોહી લે છે.
ખરેખર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અને આજના યુગની જરા પણ હવા લાગ્યા વિના ગુજરાતની પ્રણાલિકા મુજબ જ શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે જે ખરેખર પ્રસશનીય છે અભિનંદનીય છે.
આ પણ વાંચો : કાળજું કંપાવી દે તેવી માહિતી આવી સામે : શિવાંશની માતા મહેંદીની સચિને કેમ કરી હત્યા? બાદમાં મૃતદેહનું શું કર્યું?
આ પણ વાંચો : VADODARA : ગાંધીનગર SOG અને LCB પોલીસની ટીમ મહેંદી પેથાણીની હત્યાના સ્થળે પહોંચી