Jamnagar: ખાનગી શાળા છોડીને 400 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં મેળવ્યો પ્રવેશ
આ વર્ષે શરૂ થયેલી સરકારી શાળામાં (Government School) પ્રવેશ મેળવવા વાલીઓમાં ધસારો જોવા મળ્યો. ગત 28 એપ્રિલથી શાળામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. જેમાં અત્યાર સુધીમાં કુલ 619 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
સરકારી શાળા છોડીને વાલી પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલતા હોવાના અનેક કિસ્સાઓ બને છે. પરંતુ જો સરકારી શાળાઓ પણ સારી બને તો વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળા છોડીને સરકારી પ્રવેશ અપાવે છે. જામનગરની (Jamnagar Latest News) મહાનગર પાલિકાની શાળાના નંબર 1માં 400 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો. જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત શાળા નંબર 1 લાલવાડી વિસ્તારમાં આવેલી છે.
આ વર્ષે શરૂ થયેલી સરકારી શાળામાં પ્રવેશ મેળવવા વાલીઓમાં ધસારો જોવા મળ્યો. ગત 28 એપ્રિલથી શાળામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. જેમાં અત્યાર સુધીમાં કુલ 619 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જે પૈકી ધોરણ 1માં 219 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. જ્યારે ધોરણ 2થી 8માં 400 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જે મોટાભાગના વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. સરકારી શાળામાં 27 વિદ્યાર્થીઓએ અંગ્રેજી માધ્યમ છોડીને ગુજરાતી માધ્યમાં પ્રવેશ મેળવ્યો છે. અન્ય ખાનગી શાળાના શિક્ષકોના બાળકો, વકીલના બાળકો, રેલ્વે કર્મચારીના બાળકોએ આ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
નવી બનેલી શાળામાં છે આ સુવિધા
સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ આવતા હોવાના અનેક કારણો છે. જેમાં ખાનગી શાળાને હરીફાઈમાં સરકારી શાળા ટકી શકે તેવી સુવિધા બિલ્ડીંગ અને સ્ટાફ સહિતની સવલતો આ સરકારી શાળામાં છે. શાળામાં નવુ બિલ્ડીંગ, વિશાળ મેદાન, પીવાના પાણી માટે આરઓ સિસ્ટમ, પ્રયોગશાળા, સંગીતના સાધનો, રમત-ગમતના સાધનો, 14 વર્ગ ખંડ, સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા છે. દિવાલો પર બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા ચિત્રો સાથે વિષયોને મુકવામાં આવ્યા છે. 8 અનુભવી કાયમી શિક્ષકો અને 6 પ્રવાસી શિક્ષકોનો સ્ટાફ આ શાળામાં છે. અનેક વિષેશતાના કારણે વાલીઓ બાળકોના શિક્ષણ માટે ખાનગી શાળાઓમાં મોટી ફી આપવાનું છોડીને નિશુલ્ક સરકારી શાળામાં ભણવવા માટે સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
અગાઉ ખાનગી શાળામાં તગડી ફી ભરવા છતાં જે શિક્ષણ અને અન્ય પ્રવૃતિ વિદ્યાર્થીઓને ન મળતુ હોય તે અહીંની સરકારી શાળામાં મળતુ હોવાનું વાલીઓ જણાવે છે. જેથી ખાનગી શાળાઓ છોડવાનો નિર્ણય કર્યો છે. વાલીઓએ શાળાની સુવિધા અને શિક્ષણ પધ્ધતિથી ખુશી વ્યકત કરી. સરકારી શાળામાં પુરતા પ્રમાણમાં સુવિધાઓ આપવામાં આવે તો બાળકોને વિનામુલ્યે ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી શકે તેમ છે. લાલવાડીમાં આવેલી સરકારી શાળાઓ જેવી અન્ય શાળાઓ બને તો વાલીઓ ખાનગી શાળાઓ છોડીને પણ સરકારી શાળામાં અભ્યાસ કરવા દોડ મુકે છે.