Jamnagar: ઐતિહાસિક ભુજીયા કોઠાના મુળ સ્વરૂપનું રીનોવેશન કરી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની પહેલ
કુલ 27 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ કરી મહાનગર પાલિકા દ્રારા ભુજીયા કોઠાની ઐતિહાસિક ઈમારતને રીનોવેશનની કામગીરી શરૂ કરાઇ જેમાં ટુંક સમયમાં મુલાકાતીઓ માટે ભુજીયા કોઠાને ખુલ્લો મુકાશે. તેમજ ઐતિહાસિક ઈમરાતનો વારસા વિશેની માહિતી લોકો મેળવી શકશે.
જામનગર શહેરની મધ્યમાં આવેલા ભુજીયા કોઠાને રીનોવેશન કરવાની કામગીરી પુર્ણતાની આરે છે. સૌરાષ્ટ્રની પેરીસને ઓળખ ફરી પાછી મળે તે માટે ઐતિહાસિક ઈમારતને રીનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઐતિહાસિક ભુજીયા કાઠાને ત્રણ માળની ઈમારતને ફરી તે આકારમાં નવા રંગ સાથે સજાવવા માટેની કામગીરી કરવામાં આવી છે.
રાજય સરકારની કુલ 27 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ કરી મહાનગર પાલિકા દ્રારા કામગીરી કરવામાં આવી છે. ભુજીયા કોઠાના સાથે તેને ખંભાળીયા ગેઈટથી લાખોટા કોઠા સુધી જોડતો માર્ગ પણ તૈયાર કરાશે. તેમજ ખંભાળીયા ગેઈટ ત્યાંથી ભુજીયો કોઠો અને લાખોટા કોઠા સુધી જઈ શકાય તે પ્રકારે પુલ આગામી વર્ષોમાં તૈયાર કરાશે અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસાવવામાં આવશે.
જામરણમલજી દ્વિતીયના સમયમાં 1815, 1820 દરમિયાન આવેલ દુકાળ રાહત અર્થે તેઓ દ્વારા લોકોને રોજી રોટી મળી રહે તે હેતુસર ઘણા બાંધકામો કરવામાં આવેલ હતા. જે પૈકી રણમલ તળાવ, લાખોટા કોઠો અને ભૂજિયો કોઠો ખુબજ જાણીતા સ્થાપત્યો છે. 1839 -1852 સુધીમાં ગુજરાતનો સૌથી ઊંચો કહી શકાય એવો ભૂજિયો કોઠો બંધાયેલ હતો.
ઊંચી ટેકરી પર બંધાયેલ કિલ્લા જેવું આ સ્થાપત્ય પણ રણમલ તળાવની દક્ષીણે થોડી ઊંચાઈ વાળી જગ્યા (ટેકરી) પર બાંધવામાં આવેલ હતું. ગોળ પ્લિન્થ પર બનાવેલ આ કોઠો આશરે 32 મીટર ઊંચાઈ ધરાવે છે. આસપાસ ના વિસ્તારોમાં મળતા ચુના પથ્થર માથી સમગ્ર કોઠાનું બાંધકામ કરવામાં આવેલ છે. સુંદર નકશીયુક્ત ઝરોખાઓ, ફૂલપટટાઓની કોતરણી વાળા કંદોરાઓ, આર્કેડ ગેલેરી પ્રકારના વિસ્તારો ભુજીયા કોઠાની બેજોડ બાંધકામ શૈલીની ઓળખ આપે છે. કહેવાય છે કે એ જમાનામાં અભેધ્ય બાંધકામ શૈલી ધરાવતો આ કોઠો શસ્ત્રાગાર તરીકે વાપરવામાં આવતો.
આ પણ વાંચો : જામનગરમાં પોસ્ટ વિભાગના અધિકાર પર મિલિભગતનો આક્ષેપ, પોસ્ટ વિભાગે શરુ કરી ખાતાકીય તપાસ
વર્ષો બાદ રાજાશાહી પૂર્ણ થતાં 1965માં આ કોઠાને રાજ્યના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવેલ હતો. 2001ના વિનાશક ભૂકંપથી આ કોઠાને ઘણું નુકશાન થયેલ હતું. 2012માં જામનગર મહાનગર પાલિકાએ રાજ્યના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ સાથે એમ.ઓ. યુ કરી અને ઐતિહાસિક ઈમારતોના પુન:રોધ્ધારના કાર્યનું બીડું ઝડપ્યું. 2019 માં રાજ્ય સરકાર દ્વારા આ કામગીરીને મંજૂર કરી અને જુલાઈ 2020 માં આ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. કોઠાની પાસે આવેલી દુકાનોના મુદે કાયદાકીય લડત થતા તેના રીનોવેશનની કામગીરીમાં સમય લાગ્યો. જે વિવાદ દુર થતા કામગીરી શરૂ કરાઇ હતી. ટુંક સમયમાં મુલાકાતીઓ માટે ભુજીયા કોઠાને ખુલ્લો મુકાશે. તેમજ ઐતિહાસિક ઈમરાતનો વારસા વિશેની માહિતી લોકો મેળવી શકશે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો