
ક્રિકેટ વિશ્વમાં સૌથી મોટા સ્ટેડિયમ ગણાતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 8મી માર્ચના રોજ જાણીતા ગાયક અરિજીત સિંહ, ગુજરાતની લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની પાઠક અને આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિકી માર્ટિન પરફોર્મન્સ આપશે. દેશ-વિદેશના જાણીતા ગાયકો 1.25 લાખથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમને યાદગાર બનાવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, ભવ્ય કાર્યક્રમ માટે હાલમાં સંગીત, લાઈટિંગ અને ભવ્ય સ્ટેજ શો માટેની આખરી તૈયારીઓ ચાલી રહી છે.
ટી20 ક્રિકેટ વિશ્વકપની ફાઈનલ મેચને ધ્યાનમાં રાખીને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્ટેડિયમમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને દર્શકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે સ્ટેડિયમના પોડિયમ વિસ્તારમાં વધારાના 30 પાણીના કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં દર્શકોને પાણી અને અન્ય સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
તબીબી સુવિધાઓને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સ્ટેડિયમના પોડિયમ વિસ્તારમાં 6 મેડિકલ સ્ટોલ બનાવવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો અને તબીબી સ્ટાફ સતત હાજર રહેશે. ઉપરાંત, આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે 2 ટેમ્પરરી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. સ્ટેડિયમમાં 2 ICU સુવિધાવાળી એમ્બ્યુલન્સ પોડિયમ વિસ્તારમાં તૈયાર રાખવામાં આવશે, જ્યારે સમગ્ર સ્ટેડિયમમાં કુલ 6 ICU એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. આ તમામ વ્યવસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ 1.25 લાખથી વધુ દર્શકોની સુરક્ષા અને આરોગ્ય સુનિશ્ચિત કરવાનો છે. સુરક્ષા, તબીબી વ્યવસ્થા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગો દ્વારા સંકલન સાથે કામગીરી ચાલી રહી છે.
Published On - 6:10 pm, Fri, 6 March 26