રાજ્યમાં હવે ‘તક’ પર ‘તકરાર’, સરકારનાં જ બે નવા-જૂના પ્રધાનો વચ્ચે ટસલને લઈ વિપક્ષ ગેલમાં, શિર્ષસ્થ નેતાગીરીનું સબસલામત!
કેનેડા યુએસની બોર્ડર પર બરફમાં થીજી જવાથી ડિંગુચા ગામના 4ના મોત થવાની ઘટનાને પગલે નીતિન પટેલે કહ્યું હતું કે યુવાનોને અહીં પુરતી તકો મળતી નથી તેથી વિદેશમાં જાય છે, આનો જવાબ આપતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાત રોજગારીની સૌથી વધુ તકો આપે છે
રાજ્યમાં યુવાનો માટે પૂરતી તક છે. દેશભરના કોઇ પણ રાજયના યુવાઓને ધંધા રોજગાર માટે જેટલી તક નહી મળતી હોય એનાથી પણ વધુ તક ગુજરાતમાં છે. આ નિવેદન છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi)નુ. 73મા ગણતંત્ર દિવસમાં ગૃહમત્રી દ્વારા કહેવાયેલા આ શબ્દો ભલે સામાન્ય લાગતા હોય પરંતુ આ શબ્દોથી હવે જાણે ભાજપના વાકયુધ્ધની શરૂઆત થઇ ગઇ હોય એવુ લાગી રહયુ છે.
આજે ગૃહમંત્રી દ્વારા કરાયેલુ નિવેદન એ ગત સતાહ રાજયના પૂર્વ સીએમ નિતિન પટેલ દ્વારા કરાયેલા નિવેદનનો જવાબ છે જેમા નિતિન પટેલે રાજયમાં યુવાઓને પૂરતી તક ન મળવાના કારણે વિદેશના જઇ રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ, ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહ કેનેડા યુએસ બોર્ડર પર ગુજરાતી પરિવારના મૃત્યુની ચોકાવનારી ઘટના બની હતી. પોલીસ તપાસમાં નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
જોકે આ તમામ ઘટનાથી ગુજરાતમા રાજકારણ (Politics) ગરમાયુ છે. નવાઇની વાત એ છે કે આ વખતે આક્ષેપ, પ્રતિઆક્ષેપ પક્ષ વિપક્ષ વચ્ચે નહી પરંતુ વર્તમાન સરકારના મંત્રી હર્ષ સંઘવી અને ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે જોવા મળ્યુ છે. નવી સરકારને 3 મહિના જેટલો સમય થઇ ચૂકી છે ત્યારે પહેલી વાર સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન મંત્રી વચ્ચે જાણે વાકયુઘ્ય શરૂ થયુ હોય એવુ લાગી રહ્યુ છે.
ડિંગુચા ગામના 4 લોકોના પરિવારના કેનેડા યુએસ બોર્ડર પર મોતની ઘટના બાદ પૂર્વ ડેપ્યુટી સીએમ નિતિન પટેલે પ્રતિક્રિયા આપતા સમગ્ર ઘટના પર દુખ વ્યક્ત કર્યુ હતુ અને તેમણે ક્યાક સરકાર પર પણ આડકતરી રીતે નિશાન સાધતાં કહ્યું હતું કે આ પ્રકારની ઘટના પાછળનું કારણ રાજ્યમાં યુવાઓને યોગ્ય તકનો અભાવ હોવાનુ જણાવ્યુ હતું. સાથે જ નિતિન પટેલે એમ પણ કહ્યુ હતું કે મહેનત કરવા છતા સારુ પરિણામ નથી મળતું જેના કારણે યુવાઓને વિદેશ જવુ પડે છે.
નિતિન પટેલના આ નિવેદને માત્ર વર્તમાન સરકાર જ ને નહીં પરતુ ભાજપને પણ સવાલોના ઘેરામાં લાવી દીઘા હતા કારણ કે ગુજરાતમા બે દાયકાથી વધુ સમયથી ભાજપની સરકાર છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી યુવાઓ માટે મહત્વ પૂર્ણ કામગીરી કરાઈ હોવાનુ ખુદ ભાજપના નેતાઓ કહે છે. યુવા સ્વાવલંબન યોજના હોય કે યુવા રોજગાર (Employment) મેળા સરકાર દ્વારા દર વર્ષે આ અંગે બજેટ પારિત કરવમાં આવે છે સાથે ચૂંટણી પ્રચારના મહત્વના મુદ્દામાના એક છે.
નિતિન પટેલ ખુદ જ્યારે રાજ્યના ડેપ્યુટી સીએમ હતા ત્યારે યુવાઓ માટે સરકારની કામગીરી અંગે અવાર નવાર નિવેદન કર્યા છે જોકે નિતિન પટેલના વર્તમાન નિવેદને વિવાદોનો મધપૂડો છંછેડી દીધો હતો ત્યારે સમગ્ર મામલે આજે તેમની પાર્ટીના યુવા નેતા તથા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ વળતો જવાબ આપતા ગુજરાતના યુવાનો માટે ભરપૂર તકો હોવાનુ કહ્યુ છે.
સાથે જ ભારતના અન્ય રાજ્યમાં ન હોય એવી તકો ગુજરાતમા હોવાનુ જણાવયું છે. તેમજ યુવાનોને કોઇ રજૂઆત કે સુચન કરવું હોય તો સીધા સરકારનો સંપર્ક કરી શકે એમ પણ કહ્યુ છે. સાથે જ રાજ્યના પૂર્વ સીએમ અને વર્તમાન ગૃહમંત્રી વચ્ચે વાક યુધ્ધની શરૂઆત થઇ ગઇ છે. મહત્વનુ છે કે સત્તાના સુકાન બદલાયા બાદ વર્તમાન સરકાર તથા પૂર્વ સરકારમાં કેટલાક મંત્રીઓ વચ્ચે કોલ્ડ વોરની સ્થિતિ સર્જાઇ છે. જોકે અત્યાર સુધી એ ખુલીને બહાર આવી નથી પરંતુ આજથી શરૂ થયેલા વાકયુઘ્ઘને ખુબ સુચક માનવાના આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ મહેસાણા : સહકાર રાજ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના સહકારી આગેવાનો તથા ઉદ્યોગકારો સાથે બેઠક યોજી