ગુજરાતનું સહકારી મૉડલ મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ, દૂધ મંડળીઓમાં 21 %નો વધારા સાથે આવક પહોંચી 9,000 કરોડને પાર
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લાં 5 વર્ષમાં ( 2020થી 2025 સુધી ) મહિલાઓની આગેવાની હેઠળની દૂધ સહકારી મંડળીઓ 21 % વધીને 3,764થી 4,562 થઈ ગઈ છે. આ દર્શાવે છે કે રાજ્યમાં સહકારી સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.

મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બનાવીને જ ભારતને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો છે. તેમણ ગ્રામીણ અર્થતંત્રમાં મહિલા નેતૃત્વને સશક્ત બનાવવા માટે સહકારી મૉડલને પ્રાથમિકતા આપી છે. વડાપ્રધાન મોદીના ભારતને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવાના વિઝનને સહકારી મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવ્યું છે. જેના પગલે, ગુજરાતે સહકારી ક્ષેત્રના માધ્યમથી ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ કર્યું છે.
દૂધ મંડળીઓમાં 25 ટકા મહિલાઓ બોર્ડ સભ્ય
ગુજરાતના સહકારી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દૂધ મંડળીઓમાં પણ મહિલાઓની આગેવાનીમાં વધારો થયો છે. વર્ષ 2025માં દૂધ મંડળીઓમાંના બોર્ડમાં 82 ડિરેક્ટર્સ તરીકે 25% મહિલા સભ્યો છે, જે દૂધ મંડળીઓમાંની નીતિ ઘડવામાં તેમની સક્રિય ભાગીદારી દર્શાવે છે. ગુજરાતની દૂધ સહકારી મંડળીઓમાં પણ મહિલા સભ્યોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં લગભગ 36 લાખ દૂધ ઉત્પાદક સભ્યોમાંથી લગભગ 12 લાખ એટલે કે 32 % દૂધ ઉત્પાદક સભ્યો મહિલાઓ છે.
એટલું જ નહીં, આ જ સમયગાળા દરમ્યાન ગ્રામીણ સ્તરની સહકારી મંડળીઓની મૅનેજમેન્ટ સમિતિઓમાં પણ મહિલાઓની ભાગીદારી 14 % વધી છે. આ મૅનેજમેન્ટ સમિતિઓમાં મહિલાઓની સંખ્યા 70,200થી વધીને 80,000 થઈ ગઈ છે. આ મહિલાઓ હવે ગ્રામીણ સ્તરની સહકારી મંડળીઓમાં નીતિ નિર્માણ, સંચાલન અને દેખરેખ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહી છે.
મહિલા સંચાલિત દૂધ મંડળીઓનો દૂધ સંગ્રહ 39 % વધીને 57 લાખ LPD સુધી પહોંચ્યો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે ગુજરાત કોઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર, ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ સહકારી મંડળીઓ દ્વારા મિલ્ક પ્રોક્યોરમેન્ટ (ખરીદી) 2020માં 41 લાખ લિટર પ્રતિ દિવસ (LPD)થી 39% વધીને 2025માં 57 લાખ લિટર પ્રતિ દિવસ થઈ ગયું છે, જે હાલમાં રાજ્યના કુલ મિલ્ક પ્રોક્યોરમેન્ટના લગભગ 26% છે.
મહિલા દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં 43%નો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ મંડળીઓ આજે સામાજિક પરિવર્તનનું પ્રતીક બની છે, સાથે આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. વર્ષ 2020માં આ મંડળીઓની અંદાજિત દૈનિક આવક ₹17 કરોડ અને એ મુજબ વાર્ષિક આવક ₹6,310 કરોડ હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ આંકડો વધીને 2025માં ₹25 કરોડ પ્રતિ દિવસ થયો છે, જેના કારણે વાર્ષિક અંદાજિત આવક ₹9,000 કરોડને પાર થઈ ગઈ છે. એટલે કે, આ સમયગાળા દરમ્યાન મહિલા સંચાલિત મંડળીઓની આવકમાં ₹2,700 કરોડનો વધારો થયો છે, જે 43%ની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. આ સફળતા મહિલા સશક્તિકરણના સહકારી મૉડલની મજબૂતીનો પુરાવો છે.