21 મેના મોટા સમાચાર : મારી સાથે વિનેશ-પુનિયાનો પણ થાય નાર્કો ટેસ્ટ: બ્રિજભૂષણ સિંહ

|

May 21, 2023 | 11:49 PM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

21 મેના મોટા સમાચાર : મારી સાથે વિનેશ-પુનિયાનો પણ થાય નાર્કો ટેસ્ટ: બ્રિજભૂષણ સિંહ
Gujarat latest live news and samachar today 21th May 2023

Follow us on

આજે 21 મેને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 May 2023 11:46 PM (IST)

    Bhavnagar: ભરતનગર વિસ્તારમાં દુર્ઘટના, હાઉસિંગ બોર્ડના ત્રણ માળનું મકાન થયું ધરાશાયી

    ભાવનગર જીલ્લામાં ભરતનગર ખાતે હાઉસિંગ બોર્ડનું ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમુક લોકો દબાયા હોવાની શક્યતા સેવાઇ રહી છે. મળતી માહિતી મુજબ હાલ 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાઉસિંગ બોર્ડના મકાનો છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત બની ચુક્યા હોવાની પણ વાત સામે આવી છે. કાટમાળ હટાવી હાલ આગળની કામગીરી ફાયર વિભાગ દ્વારા હાથ ધરાઇ છે.

  • 21 May 2023 11:29 PM (IST)

    રાજ્યમાં આગામી 48 કલાક ગરમીનો પ્રકોપ રહેશે યથાવત, અમદાવાદમાં 4 દિવસ સુધી રહેશે યલો એલર્ટ

    રાજ્યમાં હજુ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. રાજ્યવાસીઓને હજુ કાળઝાળ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગ ( Meteorological Department )ની આગાહી મુજબ આગામી 4 દિવસ અમદાવાદમાં યલો એલર્ટ રહેશે. જ્યારે આગામી 48 કલાક સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. 24 મે બાદ તાપમાનમાં 1થી2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. ત્રણ દિવસ બાદ ગરમીમાંથી આંશિક રાહત રહેશે. આગામી 5 દિવસ સૂકા વાતાવરણ સાથે ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.


  • 21 May 2023 11:11 PM (IST)

    અજાણ્યા નંબરો પરથી કોલ ઉપાડશો નહીં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી પણ બચો: DRDO

    ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ તેના કર્મચારીઓને અજાણ્યા નંબરો પરથી કોલ ન લેવા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી દૂર રહેવાની કડક સલાહ આપી છે. DRDO સલાહ આપે છે અને સાયબર શિસ્ત જાળવવા નિષ્ણાતો દ્વારા પ્રવચનોનું આયોજન કરે છે.

  • 21 May 2023 10:46 PM (IST)

    દક્ષિણ આફ્રિકાના ડરબનમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ

    દક્ષિણ આફ્રિકાના ડરબનમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી. જો કે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

  • 21 May 2023 10:18 PM (IST)

    મારી સાથે વિનેશ-પુનિયાનો પણ થાય નાર્કો ટેસ્ટ: બ્રિજભૂષણ સિંહ

    બ્રિજભૂષણ સિંહે કહ્યું કે હું મારો નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફી ટેસ્ટ અને જૂઈ ડિટેક્ટર કરાવવા માટે તૈયાર છું, પરંતુ મારી એક શરત છે. મારી સાથે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ પણ આ ટેસ્ટમાંથી પસાર થવું જોઈએ. જો બંને કુસ્તીબાજો તેમનો ટેસ્ટ કરાવવા તૈયાર હોય તો પ્રેસને બોલાવીને તેની જાહેરાત કરો અને હું તમને વચન આપું છું કે હું પણ તેના માટે તૈયાર છું. હું હજુ પણ મારા વચન પર અડગ છું અને દેશવાસીઓને કાયમ અડગ રહેવાનું વચન આપું છું.

  • 21 May 2023 09:28 PM (IST)

    આવતીકાલે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ મલ્લિકાર્જૂન ખડગેને મળશે

    બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સોમવારે સાંજે 4:30 કલાકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષી એકતા અંગે મળશે. તાજેતરમાં અખિલેશ, મમતા, ઉદ્ધવ, કેજરીવાલ અને અન્ય નેતાઓ સાથે નીતીશની મુલાકાત અંગે ચર્ચા કરવામાં આવશે. પટનામાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની મોટી બેઠકની તારીખ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

  • 21 May 2023 08:47 PM (IST)

    Banaskantha: ગામડાઓની દયનીય સ્થિતિ, સરહદના ગામડાઓમાં હજી પણ ‘ટેન્કર રાજ’

    ઉનાળો વધુને વધુ આકરો બની રહ્યો છે. ગરમીમાં જનજીવન તપી રહ્યુ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પીવાના પાણીનો પોકાર વધુ પ્રબળ બની રહ્યો છે. જિલ્લાના વાવ પંથકના લુદ્રાણી,ચોથાર નેસડા, રાજસના સહિતના અનેક ગામો પાણી વગર તરસ્યા બન્યા છે. પીવાનું કે રોજિંદા વપરાશનું પાણી ન મળતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરઉનાળે ધગધગતા તાપમાં આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારવા મજબૂર છે. પાકિસ્તાન સરહદ નજીક આવેલા લોદ્રાણી ગામમાં સ્થિતિ વધુ વણસી છે.

    વાવ તાલુકાનું લુદ્રાણી ગામ 2 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ છે. ગામમાં માનવીઓ જ નહીં અબોલ પશુઓ પણ પીવાના પાણી માટે તરફડિયા મારવા મજબૂર છે. ગામમાં આજે પણ ટેન્કર રાજ ચાલે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા 2 ટેન્કર પાણી મોકલાય છે. પરંતુ ગામની વસ્તીને જોતા આટલુ પાણી પુરતુ નથી. ટેન્કર આવતા જ ગામમાં પીવાનું પાણી મેળવવા લોકોની પડાપડી થતી જોવા મળે છે.

  • 21 May 2023 08:19 PM (IST)

    Ahmedabad : અમૂલ દ્વારા નિર્મીત દેશની સૌપ્રથમ ઓર્ગેનિક લેબોરેટરીનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ ઉદ્દઘાટન

    અમૂલ દેવારા દેશની સૌપ્રથમ ઓર્ગેનિક લેબનું 10 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનુ લોકાર્પણ અમિત શાહે કર્યુ છે. આ લેબ થકી હવે ઓર્ગેનિક વસ્તુનું રિયાલિટી ચેક શક્ય બનશે. અનાજ કે ખેતીના કોઈપણ પાકના પરીક્ષણ માટે પણ ઉપયોગી બનશે.

  • 21 May 2023 07:23 PM (IST)

    Gujarat News Live : ગુજરાતમાં સૌથી વધુ ગરમી નોંધાઈ અમદાવાદમાં, રાજકોટમાં ગરમીનો પારો પહોચ્યો 41.1 ડીગ્રીએ

    ગુજરાતમાં સૌથી વધુ ગરમી અમદાવાદ શહેરમાં નોધાઈ છે. આજે રવિવારે અમદાવાદમાં 42.9 ડીગ્રી ગરમી નોંધાઈ છે. તો રાજકોટ રાજ્યનું બીજા નંબરનુ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. રાજકોટમાં ગરમીનો પારો 41.1 ડીગ્રીએ પહોચ્યો હતો. જ્યારે અમરેલીમાં 40.8, વડોદરામાં 40.6, ડીસામાં 40.2, ભુજમાં 38.2 ડીગ્રી, સુરતમાં 34.2 ડીગ્રી ગરમી નોંધાઈ હતી.

  • 21 May 2023 06:17 PM (IST)

    Gujarat News Live : ભારે પવન અને વરસાદ બાદ બેંગલુરુમાં ઘણી જગ્યાએ વૃક્ષો થયા ધરાશાયી

    કર્ણાટકમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બેંગલુરુમાં ભારે પવન અને વરસાદને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈપીએલની ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર બેગ્લોર વચ્ચેની મેચ બેગ્લોરમાં રમાવાની છે. વરસાદી વાતાવરણને લઈને મેચ માટે અનિશ્ચિતતા સર્જાઈ છે.

  • 21 May 2023 05:48 PM (IST)

    Gujarat News Live : પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા PM મોદી, FIPIC સમિટમાં ભાગ લેશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગીની (Papua New Guinea) પહોંચી ગયા છે. આ દેશની કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. FIPIC સમિટની છત્ર હેઠળ ભારત પેસિફિક દેશો સાથે સંપર્કો ધરાવે છે. આ સાથે, ઘણા કરારો પણ કરવામાં આવ્યા છે, જેમાં વિઝા મુક્તિ પર હસ્તાક્ષર શામેલ છે. PM મોદી અહીં FIPIC સમિટમાં ભાગ લેશે. આ બેઠકમાં 14 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. પીએમ મોદી પાપુઆ ન્યુ ગિની બાદ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.

  • 21 May 2023 05:29 PM (IST)

    Gujarat News Live : વટહુકમ સામે સમર્થન એકત્ર કરતા અરવિંદ કેજરીવાલ, 23 મેના રોજ મમતા બેનર્જીને મળશે તો 24મીએ જશે મુંબઈ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી 23 મે (મંગળવાર)ના રોજ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને મળશે. આ બેઠક કોલકાતામાં યોજાશે. આ પછી અકવિંદ કેજરીવાલ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને મળશે. આ માટે તેઓ 24મીએ મુંબઈ જવા રવાના થશે.

  • 21 May 2023 05:25 PM (IST)

    Gujarat News Live: જમ્મુ-કાશ્મીરમાં 26/11 જેવા આતંકી હુમલાનુ કાવત્રુ, G-20 મહેમાનોની ગુલમર્ગ મુલાકાત રદ

    જમ્મુ-કાશ્મીરમાં આવતીકાલ સોમવારથી શરૂ થઈ રહેલી G-20 સમિટની બેઠક પહેલા વહીવટીતંત્રે કાર્યક્રમમાં કેટલાક ફેરફારો કર્યા છે. સુરક્ષા કારણોસર G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપ (DWG)ની ગુલમર્ગની મુલાકાત હવે રદ કરવામાં આવી છે. વિદેશી મહેમાનોના પ્રવાસનું સમયપત્રક અગાઉ ઉત્તર કાશ્મીરમાં ગુલમર્ગના પ્રખ્યાત સ્કી રિસોર્ટ અને ડાચીગામ વન્યજીવ અભયારણ્યની મુલાકાત લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર 26/11 જેવા આતંકી હુમલાના ષડયંત્રનો ખુલાસો થયા બાદ આ મોટું પગલું લેવામાં આવ્યું છે.

  • 21 May 2023 04:58 PM (IST)

    Gujarat News Live: અમિત શાહે કહ્યુ- નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જોઈને અમેરિકાના બાઈડને પણ ઓટોગ્રાફ માગ્યો હતો

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આયોજિત મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. મોદી સમાજના સંમેલનમાં અમિત શાહે કહ્યુ કે, તમારે ગૌરવ લેવુ જોઈએ કે નરેન્દ્ર મોદી તમારા સમાજના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પણ પીએમ મોદીને કહે છે તમે અમેરિકામાં ઘણા લોકપ્રિય છો, મારે તમારો ઓટોગ્રાફ જોઈએ છે.

    આ સમાચાર વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો.

  • 21 May 2023 03:44 PM (IST)

    Gujarat News Live: J&Kના વૈષ્ણોદેવી નજીક રિયાસીમાં માર્ગ અકસ્માત, 1 શ્રદ્ધાળુનું મોત, 14 ઘાયલ

    જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. વૈષ્ણોદેવી જતા ભક્તોથી ભરેલું વાહન રિયાસીમાં પલટી ગયું, જેમાં 1 ભક્તનું ઘટનાસ્થળે મોત થયું. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે.

  • 21 May 2023 02:30 PM (IST)

    Gujarat News Live: જેના માથે 30 લાખનુ ઈનામ હતુ તે નક્સલવાદી કમાન્ડર દિનેશ ગોપે નેપાળમાંથી ઝડપાયો

    પોલીસે જણાવ્યું કે દિનેશ ગોપે દેશમાં પ્રતિબંધિત સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PLFI)નો વડા છે અને તે 15 વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખીને નક્સલવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો. દિનેશ ગોપે ઝારખંડમાં સૌથી વધુ સક્રિય રહ્યો છે. આવી સ્થિતિમાં ઝારખંડની પોલીસે તેની ધરપકડ કરવા અથવા તેના વિશે માહિતી આપનારને 25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. જ્યારે, રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને કારણે તેની શોધ કરી રહેલી NIAએ પણ ભૂતકાળમાં તેની સામે પાંચ લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

  • 21 May 2023 02:02 PM (IST)

    અલ સલ્વાડોર: ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગમાં 12ના મોત અને 500 ઘાયલ

    અલ સલ્વાડોરમાં ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગમાં ઓછામાં ઓછા 12 ફૂટબોલ ચાહકો માર્યા ગયા અને 500 અન્ય ઘાયલ થયા. સ્થાનિક ક્લબ આલિયાન્ઝા અને FAS વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ રાજધાની સાન સલ્વાડોરની ઉત્તર પૂર્વમાં લગભગ 25 માઈલ દૂર સ્ટેડિયમમાં રમાઈ રહી હતી.

  • 21 May 2023 01:46 PM (IST)

    Gujarat News Live: ગુજરાતમાં આતંકી હુમલાના IBના એલર્ટ બાદ ATSની મોટી કાર્યવાહી, 3 શંકાસ્પદ યુવકોની અટકાયત

    ગુજરાતમાં(Gujarat)  આતંકી હુમલાના(Terrorist Attack)  IBના એલર્ટ બાદ ATSની મોટી કાર્યવાહી કરી છે. જેમાં નારોલમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી છે. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં શકમંદો સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ આ લોકો ક્યા હેતુથી અને કેવી રીતે ગુજરાત આવ્યા તેને લઇને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 21 May 2023 01:04 PM (IST)

    Gujarat News Live: G-20 બેઠક વચ્ચે ખીણમાં આત્મઘાતી હુમલાની આશંકા, ભારતની છબી ખરડવાનો પ્રયાસ

    ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર કાશ્મીરમાં G-20 મીટિંગને લઈને ISIનું K2 ડેસ્ક સક્રિય છે. ઘાટીમાં આત્મઘાતી હુમલાનો ભય. જૈશના આતંકવાદીઓ ટેલિગ્રામ પર હાજર પીપલ ફ્રન્ટ ગ્રુપમાં રાજૌરી જેવી આતંકવાદી ઘટનાને અંજામ આપીને ઘાટીમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.

  • 21 May 2023 12:52 PM (IST)

    Delhi: દિલ્હીમાં વટહુકમ પર વિવાદ યથાવત, અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને જૂની ટ્વિટની યાદ અપાવી

    કેન્દ્ર સરકારે દિલ્હીમાં (Delhi) ટ્રાન્સફર પોસ્ટિંગના અધિકારને લઈને વટહુકમ બહાર પાડ્યો છે, જેના પર રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ વટહુકમને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે પીએમ મોદીનું 10 વર્ષ જૂનું ટ્વીટ શેર કર્યું છે અને પૂછ્યું છે કે તેઓ આ વટહુકમ કેમ લાવ્યા.

    દેશના પીએમ બંધારણનું પાલન કરતા નથી: અરવિંદ કેજરીવાલ

    દેશની રાજધાનીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુકાબલાની સ્થિતિ છે. દિલ્હીમાં ટ્રાન્સફર પોસ્ટિંગને લઈને કેન્દ્ર દ્વારા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી આ વટહુકમનો વિરોધ કરી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે ટ્રાન્સફર પોસ્ટિંગ પર પોતાનો ચુકાદો આપી દીધો છે તો પછી આ વટહુકમ કેમ લાવવામાં આવ્યો. પીએમ મોદી પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યું હતું કે દેશના પીએમ બંધારણનું પાલન કરતા નથી.

  • 21 May 2023 12:42 PM (IST)

    PM Modi Visit: PM મોદીના સ્વાગત માટે આ ખાસ પરંપરા બદલશે પાપુઆ ન્યુ ગિની

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 દિવસના વિદેશ પ્રવાસે છે. જાપાનના હિરોશિમામાં આજે તેમના પ્રવાસનો ત્રીજો અને છેલ્લો દિવસ છે. આ પછી તે અહીંથી પાપુઆ ન્યુ ગિની માટે રવાના થઈ ગયા છે. તેઓ રવિવારે જ પાપુઆ ન્યુ ગિની પહોંચી રહ્યા છે. અહીં વડાપ્રધાન James Marape પોતે તેમનું સ્વાગત કરશે. પીએમ મોદીની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદીની મુલાકાત માટે ત્યાં ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે.

    આ દરમિયાન એક ખૂબ જ રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, પાપુઆ ન્યુ ગિનીની ખાસ પરંપરા છે કે સૂર્યાસ્ત પછી અહીં આવનાર કોઈપણ નેતાનું ઔપચારિક સ્વાગત કરવામાં આવતું નથી. પરંતુ પીએમ મોદીની મુલાકાત માટે આ પરંપરા બદલી દેવામાં આવી છે.

  • 21 May 2023 12:12 PM (IST)

    America: મેક્સિકોમાં કાર રેસિંગ શોમાં તાબળતોડ ફાયરિંગ, ગોળીબારમાં 10 રેસર્સના મોત અને 9 ઘાયલ

    ઉત્તર અમેરિકાના મેક્સિકોમાં ગોળીબારની ઘટના સામે છે. જેમાં 10 રોડ રેસરના મોત થયા છે જ્યારે 9 ઘાયલ થયા છે. ઉત્તરી મેક્સિકોના બાજા કેલિફોર્નિયામાં શનિવારે એક કાર શોમાં ગોળીબાર થયો હતો. પ્રારંભિક માહિતીમાં એવું કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષો વચ્ચેના વિવાદ બાદ ગોળીબાર થયો હતો. આમાં 10 રોડ રેસરના મોત થયા છે.

    મેક્સિકોમાં ગોળીબાર

    અમેરિકા દાયકાઓથી આ સંકટનો સામનો કરી રહ્યું છે. ફાયરિંગની ઘટનાઓ અહીં સામાન્ય બની ગઈ છે. ઘણી વખત આ એક રાજકીય મુદ્દો પણ બની ગયો હતો, પરંતુ તેમ છતાં તેમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ નહોતો. અમેરિકામાં ગન કલ્ચર સાથે જોડાયેલી ઘટનાઓ સામે આવવા લાગી છે. ક્યારેક જાહેર સ્થળોએ તો ક્યારેક બાર, ક્લબ, રેસ્ટોરન્ટમાં અસામાજીક તત્વો ગોળીબાર કરે છે.

  • 21 May 2023 11:45 AM (IST)

    Gujarat News Live: રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ, વડાપ્રધાને નહીં: રાહુલ ગાંધી

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા નહીં પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઈએ.

  • 21 May 2023 11:26 AM (IST)

    Gujarat માં છેલ્લા દાયકામાં શહેરીકરણનું પ્રમાણ 10 ટકાના દરે વધ્યું, સરકાર સુવિધા પૂરી પાડવા કટિબદ્ધ

    ગુજરાત(Gujarat)  દેશના સૌથી વધુ શહેરીકૃત(Urbanization)  રાજ્યોમાંનું  એક છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ  ગુજરાત રાજ્યની વસ્તી 6,038 કરોડ છે. જેમાંથી 2.571 કરોડ લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. ગુજરાતની લગભગ 43 ટકા વસ્તી શહેરો અને નગરોમાં રહે છે.રાજ્યનું હાલનું શહેરીકરણ સ્તર રાષ્ટ્રીય સરેરાશ 31.16 ટકા કરતા ઘણું વધારે છે.ગુજરાતમાં હાલમાં શહેરીકરણનો વ્યાપ 47 ટકા જેટલો છે.

    શહેરીકરણનો વ્યાપ ગુજરાતમાં 47 ટકા જેટલો છે

    છેલ્લા દાયકામાં ગુજરાતમાં શહેરી વિસ્તારમાં રહેતા સમસ્યાઓ શહેરી વિસ્તારમાં વસતા લોકોની વસ્તીમાં થયેલ વધારો નોંધપાત્ર છે. હાલમાં શહેરીકરણનો વ્યાપ ગુજરાતમાં 47 ટકા જેટલો છે. હાલમાં વસતા શહેરીજનોની પાયાની માળખકીય સુવિધા જેવી કે પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, ધન કચરા નિકાલ વ્યવસ્થા, રસ્તા વ્યવસ્થા- ટ્રાફિક નિયમન વગેરે ની જરૂરિયાતને પહોંચી વળવા પણ એક પડકાર છે.

  • 21 May 2023 11:02 AM (IST)

    Ahmedabad : નકલી પત્રકાર બની ખંડણી માગતા વિનય દુબે અને એક મહિલા વિરુદ્ધ નોધાઈ ફરિયાદ

    ઠગબાજોના સમાચાર આપતા પત્રકાર ( journalist ) પણ હવે નકલી હોય તેવું સામે આવી રહ્યું છે. અમદાવાદમાં એક શખ્સે નકલી પત્રકાર બની કરોડોની ખંડણી માગતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીના ઘરે ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા. આ દરોડાના સમાચાર છાપવાની ધમકી આપી વિનય દુબે અને પરિધિ નામની મહિલાએ 3 કરોડની ખંડણી માગી હતી.

    વિનય દુબે નામનો શખ્સે યુટ્યુબ ચેનલ ચલાવે છે અને તેને પત્રકાર તરીકેની ઓળખ આપી ખંડણી માગતા ફરિયાદીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે વિનય દુબે અને પરિધિ નામની મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 21 May 2023 10:39 AM (IST)

    Narmada : મંત્રીઓ અને અધિકારીઓએ વહેલી સવારે નર્મદા ડેમની મુલાકાત લીધી

    ગુજરાતમાં(Gujarat)  કેવડીયા કોલોની ખાતે રાજ્ય સરકારની ચિંતન શિબિર ચાલી રહી છે. આ શિબિરનો આજે અંતિમ દિવસ છે. જે પૂર્વે આજે ચિંતન શિબિરના સહભાગી થવા ગયેલા મંત્રીઓ અને અધિકારીઓએ વહેલી સવારે કેવડિયામાં નર્મદા ડેમની(Narmada Dam)  મુલાકાત લીધી હતી. તેમજ નર્મદા ડેમમાં પાણીની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી.

  • 21 May 2023 10:17 AM (IST)

    Gujarat News Live: જાપાનની મુલાકાત અર્થપૂર્ણ અને ઉપયોગી રહી, ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ: PM મોદી

    જાપાનની 3 દિવસની મુલાકાત પૂર્ણ થતાં પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે જાપાનની મુલાકાત અર્થપૂર્ણ અને ઉપયોગી રહી. વિશ્વના નેતાઓ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં હું પાપુઆ ન્યુ ગિની જવા રવાના થઈ રહ્યો છું.

  • 21 May 2023 09:49 AM (IST)

    QUAD મીટિંગમાં PM Modi પાસે Joe Biden એ માંગ્યો ઓટોગ્રાફ,કહ્યુ તમે અમેરિકામાં તમે ખુબ લોકપ્રિય છો

    અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden ને પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેન બની ગયા છે. જાપાનમાં જી-7 સમિટ દરમિયાન ક્વોડ મીટિંગ દરમિયાન જો બિડેને પીએમ મોદી પાસે તેમનો ઓટોગ્રાફ માંગ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્વોડ મીટિંગ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને કહ્યું કે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ.

  • 21 May 2023 09:36 AM (IST)

    PM નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈન્સિયો સાથે કરી મુલાકાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈન્સિયો લુલા દા સિલ્વા સાથે મુલાકાત કરી. આજે તેમના પ્રવાસનો ત્રીજો દિવસ છે.

  • 21 May 2023 09:24 AM (IST)

    Heatwave In India: ભારતમાં હીટવેવે સર્જ્યો વિનાશ!

    ભારતમાં હીટવેવને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને આવનારા સમયમાં તેના કારણે વધુ લોકોના મોત થઈ શકે છે. તમે આ રિપોર્ટ પરથી અંદાજ લગાવી શકો છો કે હીટવેવ કેવી રીતે દેશવાસીઓ માટે જીવલેણ બની રહ્યો છે. અભ્યાસ IQ અનુસાર, એપ્રિલમાં હીટવેવને કારણે મહારાષ્ટ્રના નવી મુંબઈમાં લગભગ 12-15 લોકોના મોત થયા હતા અને 90-95 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    ગયા વર્ષે ઘણા સમાચાર આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીયો હીટવેવના કારણે મૃત્યુ પામી રહ્યા છે. તો શું ભારત ખરેખર હીટવેવને કારણે સળગી રહ્યું છે? દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં એપ્રિલમાં હીટવેવનો અનુભવ થયો હતો. ફેબ્રુઆરીમાં કહેવામાં આવી રહ્યું હતું કે આ વખતે ઉનાળો બહુ વહેલો આવી ગયો છે. હકીકતમાં, દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં ફેબ્રુઆરી અને એપ્રિલમાં હીટવેવનો અનુભવ થયો હતો.

  • 21 May 2023 08:58 AM (IST)

    Patan : સિદ્ધપુરમાં પાઈપલાઈનમાંથી યુવતીના અવશેષો મળવાના કેસમાં મોટો ખુલાસો

    ગુજરાતના(Gujarat)  પાટણના(Patan)  સિદ્ધપુરમાં પાઈપ લાઈનમાંથી મૃત યુવતીના અવશેષો મળવાના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં PM રિપોર્ટમાં યુવતીની હત્યા ન થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવતીના શરીર પર ઈજાના કોઈ જ નિશાન નથી. જો કે લાશ યુવતીની જ હોવાનું PM રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે.મૃતક યુવતીની હજી ઓળખવિધિ બાકી છે. ગુમ થયેલી યુવતીના માતા-પિતાના DNA રિપોર્ટ તપાસ અર્થે મોકલાયા છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ તેની ઓળખ થઈ શકશે.

    પાટણના સિદ્ધપુરમાં પાઇપલાઇનમાંથી યુવતીના મૃતદેહ મળવાના કેસમાં તપાસ કરી રહેલી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. આ ઘટનાની તપાસ કરી રહેલા પોલીસને 10 દિવસ અગાઉ ગુમ થયેલી યુવતીના CCTV હાથ લાગ્યા છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે પાણીની લાઇનમાંથી મળેલો મૃતદેહ 10 દિવસથી ગુમ યુવતીનો હોઇ શકે છે. શક્યતાના આધારે પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  • 21 May 2023 08:43 AM (IST)

    સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

    પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 31મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં વીર ભૂમિ જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 21 May 2023 08:21 AM (IST)

    Surat : માંગરોળમાંથી કાળા સોના તરીકે ઓળખાતા ઇન્ડો કોલસાની ચોરીના કારોબારનો પર્દાફાશ, 5 વ્યક્તિની ધરપકડ

    સુરત(Surat)ક્રાઈમ બ્રાન્ચે માંગરોળના સિયાલાજ ગામની સીમમાંથી કાળા સોના તરીકે ઓળખાતા ઇન્ડો કોલસાની(Indo Coal) ચોરીના કારોબારનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ઇન્ડો કોલસાની ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર સહિત 5 ની ધરપકડ કરીને 60.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ઘટનાની વિગત મુજબ ગુનેગારો પૈસા કમાવવા માટે અવનવી તરકીબ અને અવનવો ધંધો શોધી નાખે છે. ચોરીના માલસામાન સગેવગે અને હેરાફેરી માટે પણ કિમીયાઓ અજમાવતા હોય છે.

  • 21 May 2023 08:00 AM (IST)

    Karnataka: CM સિદ્ધારમૈયા સામે મોટો પડકાર, મફત ગેરંટી તો લાગુ કરી, પરંતુ હવે પૈસા ક્યાંથી આવશે?

    કર્ણાટકમાં (Karnataka) સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની નવી સરકારના શપથ ગ્રહણ સાથે, રાજ્યમાં ઘણી મફત ગેરંટીનો અમલ શરૂ થઈ ગયો છે. સિદ્ધારમૈયાએ પ્રથમ કેબિનેટ બેઠકમાં ચૂંટણી સમયે આપેલા 5 વચનો પર મહોર મારી દીધી છે. જેમાં તમામ પરિવારોને 200 યુનિટ મફત વીજળીની સાથે સાથે દરેક પરિવારની મહિલા વડાને દર મહિને રૂ.2000ની આર્થિક સહાય પણ આપવામાં આવશે. આ યોજનાઓને મંજૂરી મળ્યા બાદ સવાલ એ ઊભો થાય છે કે કર્ણાટકની નવી સરકાર આ માટે પૈસા ક્યાંથી મેળવશે?

    નવી સરકાર તેના વચનો પૂરા કરવા માટે દર વર્ષે આશરે રૂ. 62,000 કરોડ ખર્ચવાનો અંદાજ છે. જે રાજ્યના બજેટના લગભગ 20 ટકા છે. જેનો અર્થ છે કે રાજ્યના બજેટનો મોટો હિસ્સો પાંચ ગેરંટી પર ખર્ચ કરવો પડશે. આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે મફત ગેરંટીથી તિજોરી પર બોજ પડશે, જે કોવિડને કારણે પહેલેથી જ ખોટમાં છે. આ જંગી ખર્ચ રાજ્યની આર્થિક સ્થિતિને પણ નુકસાન પહોંચાડશે.

  • 21 May 2023 07:45 AM (IST)

    હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.5 માપવામાં આવી

    હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.5 માપવામાં આવી છે. મળતી માહિતી મુજબ હરિયાણાના ઝજ્જરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

  • 21 May 2023 07:28 AM (IST)

    નીતિશ કુમારનો વિપક્ષને એકસાથે લાવવાનો પ્રયાસ ભાજપ માટે કેટલો મોટો પડકાર?

    બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતિશ કુમાર 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતા બનાવવાના મિશન પર છે. તેઓ ભાજપને બેકફૂટ પર લાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. કેન્દ્રમાં સત્તાધારી પક્ષ તેમના નિશાના પર છે. નીતિશ કુમાર કોંગ્રેસના રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, શિવસેના (યુબીટી) ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના શરદ પરવાર સહિત ઓછામાં ઓછા 9 ટોચના વિપક્ષી નેતાઓને મળ્યા છે.

  • 21 May 2023 07:12 AM (IST)

    Gujarat News Live: બ્રિટિશ પીએમ ઋષિ સુનકે હિરોશિમામાં વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

    પીએમ મોદીના જાપાન પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન તેઓ બ્રિટનના પીએમ ઋષિ સુનકને મળ્યા હતા. ટૂંક સમયમાં બંને નેતાઓ દ્વિપક્ષીય વાતચીત કરશે.

  • 21 May 2023 06:49 AM (IST)

    Banaskantha : બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પીવાના પાણીનો પોકાર

    ઉનાળો(Summer) વધુને વધુ આકરો બની રહ્યો છે..ગરમીમાં જનજીવન તપી રહ્યુ છે ત્યારે બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના અનેક ગામોમાં પીવાના પાણીનો પોકાર વધુ પ્રબળ બની રહ્યો છે. જિલ્લાના વાવ(Vav)  પંથકના લુદ્રાણી,ચોથાર નેસડા, રાજસના સહિતના અનેક ગામો પાણી વગર તરસ્યા બન્યા છે. પીવાનું કે રોજિંદા વપરાશનું પાણી ન મળતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે..ભરઉનાળે ધગધગતા તાપમાં આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારવા મજબૂર છે.. પાકિસ્તાન સરહદ નજીક આવેલા લોદ્રાણી ગામમાં સ્થિતિ વધુ વણસી છે.

  • 21 May 2023 06:28 AM (IST)

    Gujarat News Live: દિલ્હીમાં આજે 42 ડિગ્રી પહોંચશે તાપમાન, આ દિવસથી પડશે વરસાદ

    દિલ્હી-એનસીઆરમાં ઉનાળાની ગરમી વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. 15 મે પછી તાપમાનમાં ધીમે ધીમે વધારો થવા લાગ્યો છે. આ મહિનાની શરૂઆતમાં મે મહિનાનું વાતાવરણ ડિસેમ્બર-જાન્યુઆરી મહિના જેવું થઈ ગયું હતું.

Published On - 6:27 am, Sun, 21 May 23