Gujarati NewsGujaratGujarat Budget Live Updates 2026 27 gujarat latest live news and samachar today 18 February 2026 politics weather updates daily breaking news national news International News Sports T20 Cricket World Cup 2026 inD VS NETHERLANDS headlines in gujarati
Gujarat Budget 2026-27 Live Updates : નવસારી ભાજપમાં ભડકો, જલાલપોર બાદ હવે નવસારી તાલુકાના 8 હોદ્દેદારોએ રાજીનામા આપતા સોંપો પડી ગયો
Gujarat Budget Live Updates : આજે 18 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
ગુજરાત વિધાનસભામાં આજે નાણાંપ્રધાન કનુ દેસાઇ વર્ષ 2026-27 માટેનું ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યા છે. કનુ દેસાઇ સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટ ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યુ છે. સરકાર દ્વારા બજેટમાં અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી રહી છે.
આજે 18 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
The liveblog has ended.
18 Feb 2026 07:40 PM (IST)
નવસારી ભાજપમાં ભડકો, જલાલપોર બાદ હવે નવસારી તાલુકાના 8 હોદ્દેદારોએ રાજીનામા આપતા સોંપો પડી ગયો
નવસારી ભાજપમાં ભડકો, જલાલપોર બાદ હવે નવસારી તાલુકાના હોદ્દેદારોએ આપી દીધા રાજીનામા. જિલ્લા ભાજપમાં વિખવાદો ચરમસીમાએ પહોંચ્યો છે. જલાલપુર તાલુકાના હોદ્દેદારોના રાજીનામાં બાદ હવે નવસારી તાલુકાના હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં. નવસારી તાલુકા ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ સહિત આઠ ભાજપના હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં. નવસારી તાલુકા ભાજપના કાર્યકર્તાઓએ કમલમ ખાતે પહોંચી સમર્થકો સાથે રાજીનામાં આપ્યા. નવસારી તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારો પણ રાજીનામું આપવાની તૈયારીમાં હોવાની વાત વહેતી થઈ છે. રાજીનામાના દોર ને પગલે નવસારી જિલ્લા ભાજપમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એક સપ્તાહમાં નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાંથી કુલ 50 જેટલા હોદ્દેદારોના રાજીનામાં પડી ચૂક્યા છે. બે તાલુકાઓમાં રાજીનામાં પડતા ભાજપમાં હડકંપ મચ્યો છે.
ગીર સોમનાથ પોલીસ દ્વારા 5 રીઢા ગુનેગાર ઉપર પાસાનું શસ્ત્ર ઉગામ્યુ છે. કોડીનાર તાલુકાના પોલીસે નામકિત બુટલેગરોને પાસા ધારા હેઠળ અલગ અલગ જેલમાંમાં ધકેલ્યાં છે. કોડીનારમાં દારૂની હેરાફેરીના ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 5 સામે કાર્યવાહી કરાઈ છે. 5 આરોપીઓને અમદાવાદ, ભુજ, વડોદરાની જેલ માં ધકેલી દેવામાં આવ્યા છે.
18 Feb 2026 07:32 PM (IST)
જામનગર મહાનગરપાલિકાનું અંદાજપત્ર મંજૂર
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામા અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે. નવા કોઈ કરબોજ વગરનુ વર્ષ 26-27નુ અંદાજપત્ર મંજૂર. એક હજાર આઠસો ચોપન કરોડનો અંદાજ દર્શાવતું અંદાજપત્ર બોર્ડમાં મંજૂર કરાયું છે. રોડ, બ્રિજ, ટ્રાન્સપોર્ટેશન અન્વયે ₹ 355 કરોડના કામોનું આયોજન. ખંભાળિયા બાયપાસ રોડ પર 135 કરોડની ફાળવણી. 55 કરોડના ખર્ચે બે ફોર લેન બ્રિજ અને એક માઇનોર બ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે.
18 Feb 2026 06:34 PM (IST)
CM ભુપેન્દ્ર પટેલ દિલ્લી જવા રવાના થયા
CM ભુપેન્દ્ર પટેલ દિલ્લી જવા રવાના થયા છે. રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાયા બાદ CM ભુપેન્દ્ર પટેલ દિલ્લી જવા રવાના થયા છે. દિલ્લી ખાતે આયોજિત AI સમિટમાં ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે. PM નરેન્દ્ર મોદીએ AI સમિટનો કરાવ્યો હતો પ્રારંભ. 6 દિવસ ચાલનારી AI સમિટમાં 45 દેશોના પ્રતિનિધિ લઈ રહ્યા છે ભાગ. 20 દેશોના નેતાઓ પણ દિલ્લી ખાતે આયોજિત સમિટમાં લેશે ભાગ. સર્વજન હિતાય, સર્વજન સુખાય ‘ ની થીમ પર થયું છે સમિટનું આયોજન.
18 Feb 2026 04:28 PM (IST)
યાત્રાધામ વિકાસ માટે છેલ્લા 2 વર્ષમાં ફાળવેલા રૂપિયામાંથી 390 કરોડ વપરાયા વિના પડી રહ્યાં
ગુજરાત વિધાનસભામા પુછાયેલા લેખિત પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું છે કે, યાત્રાધામ વિકાસ માટે ફળવાયેલુ બજેટ વણવપરાયેલુ રહ્યુ હતું. છેલ્લા બે વર્ષમાં 50 ટકાથી વધુ બજેટ વપરાયુ નહી. વર્ષ 2024-25 માં 307.99 કરોડ માંથી માત્ર 155.79 કરોડ વપરાયા હતા. 152.2 કરોડ રૂપિયા વપરાયા વિના પડ્યા રહ્યા. એ જ રીતે વર્ષ 2025-2026માં 463.52 કરોડ રૂપિયા માંથી 225.50 કરોડ વપરાયા હતા. 238.02 કરોડ રૂપિયા વપરાયા વિના પડ્યા રહ્યા. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલનો પ્રવાસન મંત્રીએ લેખીત જવાબ આપીને વિગતો જાહેર કરી છે.
ગાંધીનગરમાં ભૂસ્તર વિભાગની મહિલા અધિકારી ઉપર વધુ એક વાર ખનન માફીયાઓએ મારી નાખવાના ઇરાદે ડમ્પરથી કચડવાની કોશિશ કરી. ભૂસ્તર વિભાગની મહિલા અધિકારીએ, મંજૂરી વગર ગેરકાયદેસર રીતે જતા નંબર વગરના રેતી ભરેલ ડમ્પર રોકવા કોશિશ કરી હતી. જ્યાં ડમ્પર ચાલકે રેતી ભરેલું ડમ્પર મહિલા અધિકારી અને સ્ટાફ ઉપર ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ મહિલા અધિકારી અને ટીમે ડમ્પરનો પીછો કરતા 60 ટન રેતી રસ્તા વચ્ચે નાખી ડમ્પર ચાલક ડમ્પર લઈને ફરાર થયો હતો. સમગ્ર મામલે ભૂસ્તર વિભાગે તપાસ હાથ ધરી ખનીજ ચોરી નિયમ મુજબ ચાલકને 4.33 લાખ નો દંડ ફટકારી ગુનો નોંધ્યો છે.
જે બાદ ભૂસ્તર વિભાગ દ્વારા આ મામલે અધિકારીએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. મહિલા અધિકારીની ગાડી રોકવા અને હુમલો કરવાની કોશિશ અગાઉ પણ કલોલમાં બની હતી. ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવતા જિલ્લામાં ખનન માફીયાઓ જે બેફામ બન્યા તેનો ઉત્તમ ઉદાહરણ છે.
18 Feb 2026 03:25 PM (IST)
અમદાવાદની સાબરમતી જેલમાં 2 વર્ષમાં 6 કેદીએ આપઘાત કર્યો
અમદાવાદની સાબરમતી જેલમાં 6 કેદીઓએ આપઘાત કર્યો હોવાનું ગુજરાત વિઘાનસભામાં જાહેર કરવામાં આવ્યું છે. 6 કેદીએ કરેલ આપઘાત છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવ્યા છે. આપઘાતના પ્રાથમિક તારણોમાં એવી વિગતો સામે આવી છે કે,
1.સજા થવાના કારણે તણાવમાં આવ્યા હતા.
2. પોતાના ગુનામાં શું સજા થશે તેના તે અંગેના તણાવમાં આવ્યા.
3. ટીબીની બીમારીના કારણે આપઘાત કર્યો.
4. પ્રેમિકાએ મરણ જનાર સામે કેસ કર્યો હોવાથી તેના કારણે જેલમાં જવું પડ્યું જે અંગે લાગી આવતા આપઘાત કર્યો.
5. માનસિક તણાવના આવવાના કારણે.
6. જામીન ના મળવાના આઘાતના કારણે આપઘાત કર્યો.
જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે વિધાનસભા ગૃહમાં હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી. કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા પૂછેલા પ્રશ્નોના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો જવાબ.
18 Feb 2026 02:51 PM (IST)
Gujarat Budget : રાજ્યસરકારના બજેટ અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની પ્રતિક્રિયા
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્યસરકારના બજેટ અંગે જણાવ્યું કે ગુજરાતની જનતાને આશા હતી કે ડબલ એન્જિન સરકારથી ડબલ ફાયદો મળશે, પરંતુ બજેટ વર્ષ 2026-27 માટેના આયોજનમાં માત્ર સપના 2047 દર્શાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે જમીન પર કશું પણ પગલાં લેવામાં નથી આવ્યા અને વાતો ચંદ્ર પર લઈ જવાની રીતે રજૂ કરવામાં આવી છે. ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા હોવા છતાં દેવા માફી અંગે કોઈ જાહેરાત નથી થઈ, તેમજ ખેડૂતોની પોતાની પાક વીમા યોજના પણ આપવામાં આવી નથી. તેમના મતે બજેટમાં જે આશા અને અપેક્ષાઓ હતી તેમાંથી કઈ જ પૂર્ણ થઈ નથી. અન્ય રાજ્યોમાં ચૂંટણીમાં મત મેળવનાં હેતુથી લાડલી બહેનપણી યોજનાઓ જાહેર થાય છે, જ્યારે ગુજરાતમાં મહિલાઓને મોંઘવારીમાંથી રાહત આપવા 500 રૂપિયામાં ગેસ બોટલ આપવાની જાહેરાત કરવામાં આવી નથી. આમ, બીજા રાજ્યોની બહેનો લાડલી બહેનો હોય ત્યારે ગુજરાતમાં મહિલાઓ “અળખામણી બહેનો” જેવી સ્થિતિમાં રહી છે.
18 Feb 2026 02:38 PM (IST)
Gujarat Budget Anouncement : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹24022 કરોડની જોગવાઇ
પાક કૃષિ વ્યવસ્થાને મજબૂત બનાવવા બજેટમાં વિવિધ જોગવાઇઓ કરવામાં આવી છે. ખેડૂતોને વીજ સહાય આપવા ₹9324 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે સૂક્ષ્મ સિંચાઇ માટે ₹1250 કરોડની જોગવાઇ રાખવામાં આવી છે. કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર ખરીદી સહાય માટે ₹800 કરોડ અને વિવિધ કૃષિ ઓજારોની ખરીદીમાં સહાય માટે ₹765 કરોડ ફાળવાયા છે. “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” અંતર્ગત નાના ગોડાઉન બનાવવા અંદાજિત 15,436 ખેડૂતોને ₹1 લાખ સહાય આપવા માટે ₹154 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં ₹4 લાખ સુધીનું વીમા રક્ષણ આપવા ₹146 કરોડ ફાળવાયા છે. અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન અને સીડ રીપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા ₹77 કરોડની જોગવાઇ છે. મુખ્યમંત્રી સોઇલ હેલ્થ અભિયાન હેઠળ ખેડૂત ખાતેદારોને વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ માટે ₹14 કરોડ ફાળવાયા છે. ઉપરાંત ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટે 6 સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા ₹12 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
18 Feb 2026 02:24 PM (IST)
Gujarat Budget Anouncement : પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ₹3090 કરોડની જોગવાઇ
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે કુલ ₹550 કરોડની જોગવાઇ. તે પૈકી અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે ₹300 કરોડની જોગવાઇ.
• પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા ₹100 કરોડની જોગવાઇ.
• દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેનાં હયાત એરપોર્ટના વિસ્તરણ માટે ₹95 કરોડની જોગવાઇ.
• નાના શહેરો/આંતરિક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે વિયેબિલિટી ગેપ ફંડિંગ યોજના હેઠળ ₹78 કરોડની જોગવાઇ.
• વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન વિઝન હેઠળ સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે ₹20 કરોડની જોગવાઇ.
18 Feb 2026 02:11 PM (IST)
Gujarat Budget Anouncement : શિક્ષણ અને શિષ્યવૃત્તિ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે માટે કુલ 7086 કરોડની જોગવાઈ
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5425 કરોડની જોગવાઈ
શ્રમ અને કોશયલ વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2902 કરોડ ની જોગવાઈ
પ્રાથમીક અને માધ્યમિક શિક્ષણ કુલ63184 કરોડની જોગવાઈ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 25403 કરોડની જોગવાઈ
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7690 કરોડની જોગવાઈ
અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ 2856 કરોડની જોગવાઈ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગ માટે 2006 કરોડની જોગવાઈ
માર્ગ અને મકાન વિભાગને 29709 કરોડની જોગવાઈ
શહેરી વિકાસ વિભાગ માટે કુલ 33504 કરોડની જોગવાઈ
પચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 14858 કરોડની જોગવાઈ
જળ સંપત્તિ વિભાગ માટે કુલ 13944 કરોડની જોગવાઈ
સરદાર સરોવર યોજના માટે કુલ 3317 કરોડની જોગવાઈ
પાણી પુરવઠા વિભાગ માટે કુલ 6984 કરોડની જોગવાઈ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 4314 કરોડની જોગવાઈ
વિજ્ઞાન અને પ્રોધોગિક વિભાગ ને 2634 કરોડની જોગવાઈ
ઉધોગ અને ખાણ વિભાગને 13942 કરોડની જોગવાઈ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારને 24022 કરોડની જોગવાઈ
સામાન્ય વહીવટી વિભાગ 2910 કરોડની જોગવાઈ
મહેસુલ વિભાગને 5552 કરોડની જોગવાઈ
ગૃહ વિભાગ માટે 14265 કરોડની જોગવાઈ
કાયદા વિભાગ માટે કુલ 2702 કરોડની જોગવાઈ
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 452 કરોડની જોગવાઈ
ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગને 4842 કરોડની જોગવાઈ
વન અને પર્યાવરણ વિભાગ માટે 3560 કરોડની જોગવાઈ
કલાયમેન્ટ ચેન્જ કુલ 429 કરોડની જોગવાઈ
18 Feb 2026 01:57 PM (IST)
Gujarat Budget Anouncement : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹૨૫૪૦૩ કરોડની જોગવાઇ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹૨૫૪૦૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આપણે ત્યાં કહેવત છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” આરોગ્ય-તંદુરસ્તીને સાચી સંપતિ અને સુખ માનવામાં આવે છે. આ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગથી લઇને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બનાવી છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશ્યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે ૨ કરોડ ૭૨ લાખ લોકોને ₹૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹૩૪૭૨ કરોડની જોગવાઇ. G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹૧૮૫૧ કરોડની જોગવાઇ.
18 Feb 2026 01:47 PM (IST)
Gujarat Budget Anouncement : યાત્રાધામ વિકાસની ખાસ જોગવાઇ
અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન: સર્વાંગી વિકાસ માટે ₹300 કરોડ
બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા: શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડ
બીચ ટુરિઝમ: સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે ₹60 કરોડ
બસ પોર્ટ: સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો માટે ₹447 કરોડ
18 Feb 2026 01:42 PM (IST)
Gujarat Budget Anouncement : MSME અને ઔદ્યોગિક વિકાસ
રાજ્યના 29 લાખથી વધુ નાના ઉદ્યોગો (MSME) ના પ્રોત્સાહન માટે ₹1775 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
18 Feb 2026 01:37 PM (IST)
Gujarat Budget Anouncement : બજેટમાં રમતગમત, શહેરો, સરહદો, આપત્તિ વ્યવસ્થાપન માટે ખાસ જોગવાઇ
સરહદ: સરહદી વિસ્તારોમાં એલિવેટેડ કેબલ નેટવર્ક માટે ₹૧૦૦ કરોડની ફાળવણી.
શહેરી વિકાસ: મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ૧૭% ના વધારા સાથે ₹૧૬,૧૧૬ કરોડ ફાળવાયા.
18 Feb 2026 01:27 PM (IST)
Gujarat Budget Anouncement : ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ માટે ખાસ જોગવાઇ
ખેતી અને ખેડૂત કલ્યાણને પ્રાથમિકતા આપતા બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર, હાર્વેસ્ટર સહિતના સાધનો માટે ₹1565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કુદરતી આફતો સમયે ખેડૂતોને રાહત મળે તે માટે કૃષિ રાહત પેકેજ હેઠળ ₹11,000 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ટેકાના ભાવે ખરીદી અંતર્ગત 9.50 લાખ ખેડૂતો પાસેથી અંદાજે ₹18,000 કરોડની કૃષિ ઉપજ ખરીદવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માર્કેટિંગ અને પ્રમાણપત્ર સહાય માટે ₹39 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ પાકોને ધ્યાનમાં રાખીને 6 નવા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ સ્થાપવાના પણ એલાન કરવામાં આવ્યા છે.
18 Feb 2026 01:25 PM (IST)
Gujarat Budget kanu Desai Live Speech :ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ માટે અનેક જોગવાઇ
ગુજરાત બજેટ: ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ
સ્ટાર્ટઅપ ક્રાંતિ (i-Hub):
અમદાવાદ બાદ હવે સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટમાં i-Hub ના રીજનલ સેન્ટર ખુલશે. (બજેટ: ₹80 કરોડ)
MSME પાવર:
રાજ્યના 29 લાખથી વધુ નાના ઉદ્યોગો (MSME) ના પ્રોત્સાહન માટે ₹1775 કરોડની જોગવાઈ.
સ્માર્ટ GIDC:
25 GIDC ને ₹1250 કરોડના ખર્ચે હાઈટેક અને ‘સ્માર્ટ’ બનાવવામાં આવશે. જ્યારે 120 મિની GIDC નું નવીનીકરણ થશે.
નવી ઔદ્યોગિક વસાહતો:
આદિવાસી વિસ્તારોના વિકાસ માટે દાહોદ (ઝાલોદ, ગરબાડા) અને અરવલ્લી સહિત કુલ 5 નવી વસાહતો સ્થપાશે.
ટેક્સટાઇલ સેક્ટર:
ગુજરાત ટેક્સટાઇલ પોલિસી માટે ₹2755 કરોડની ફાળવણી. અત્યાર સુધી 2 લાખથી વધુને રોજગારી મળી.
નિકાસ (Export) માં ડંકો:
દેશની કુલ નિકાસમાં ગુજરાતનો 26% હિસ્સો. હવે નિકાસને વેગ આપવા ‘ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GEPC)’ ની સ્થાપના થશે.
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ:
‘જન વિશ્વાસ અધિનિયમ-2025’ હેઠળ 516 જોગવાઈઓમાં સુધારો કરી કાયદાકીય પ્રક્રિયા સરળ કરાઈ.
વોકલ ફોર લોકલ:
રાજ્યના 90 ઉત્પાદનો ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ હેઠળ પસંદ. કારીગરોને ઇ-કોમર્સ પ્લેટફોર્મની મદદ મળશે.
Gujarat Budget kanu Desai Live Speech : ગુજરાતમાં 360 કરોડના ખર્ચે 2000 નવી આંગણવાડી બનશે
ગુજરાતમાં 360 કરોડના ખર્ચે 2000 નવી આંગણવાડી બનશે. “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ” સાથે વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા અત્યાર સુધીમાં છ અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં નાગરિક-કેન્દ્રિત સેવા, વહીવટી સુધારા તેમજ માનવ સંસાધન જેવા વિષયો પર અસરકારક ભલામણો આપવામાં આવી છે. જેનું અમલીકરણ સુશાસન અને કાર્યક્ષમ વહીવટની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.
18 Feb 2026 01:10 PM (IST)
Gujarat Budget kanu Desai Live Speech : ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઇઓ
નાણાંમંત્રીએ જણાવ્યુ કે એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી “ઘર સૌના માટે”નો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે ૩ લાખ ૧૫ હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે ₹૪૨૭૨ કરોડની જોગવાઇ સૂચવું છું. સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં ૧ લાખ ૩૫ હજારથી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ ₹૮૬૯ કરોડની જોગવાઇ કરું છું.
Gujarat Budget 2026-27 Live Updates : ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરી છે- નાણાંમંત્રી કનુ દેસાઇ
પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરેલ છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેકટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરીંગ પોલિસી, એકશન પ્લાન ફોર ઇમ્પલીમેન્ટેશન ઓફ AI, ઇન્ટીગ્રેડેટ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે. જેનાથી યુવા પ્રતિભાને AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે. સેમી કન્ડક્ટર્સ અને હાઇ વેલ્યુ મેન્યુફેક્ચરીંગમાં વધુ વેગ આવશે. કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્સ વધુ અસરકારક બનશે. તેમજ રીન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. જે ગુજરાતને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.
18 Feb 2026 01:02 PM (IST)
બ્લિંકિટ પર દિલ્હી પોલીસે તેની સામે કેસ દાખલ કર્યો
ઓનલાઈન કરિયાણાની ડિલિવરી પ્લેટફોર્મ બ્લિંકિટ એક મોટા કાનૂની વિવાદમાં ફસાઈ ગયું છે. દિલ્હી પોલીસે 50 ગેરકાયદેસર બટન છરીઓ જપ્ત કરી છે અને કંપની સામે FIR દાખલ કરી છે. ખયાલા વિસ્તારમાં બે અલગ અલગ હત્યાના કેસોની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાઓમાં વપરાયેલા છરીઓ ઓનલાઈન પ્લેટફોર્મ બ્લિંકિટ પરથી ખરીદવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે ગ્રાહકો તરીકે ઓળખાઈને પ્લેટફોર્મ પરથી છરીઓ મંગાવી હતી, જે કાયદા દ્વારા પ્રતિબંધિત છે. દિલ્હી પોલીસે પૂછપરછ માટે બ્લિંકિટને નોટિસ જારી કરી છે. બ્લિંકિટ ઉપરાંત, અન્ય ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ હવે દિલ્હી પોલીસના રડાર હેઠળ છે.
18 Feb 2026 01:01 PM (IST)
AI એક્સ્પો સમિટ: ગાલગોટિયાસ યુનિવર્સિટીના સ્ટોલ પર પાવર કટ
એઆઈ એક્સ્પો સમિટ દરમિયાન તેના રોબોટિક શ્વાન માટે ધ્યાન ખેંચનાર ગાલગોટિયાસ યુનિવર્સિટીના સ્ટોલ પર પાવર કટ કરવામાં આવ્યો છે.
18 Feb 2026 12:44 PM (IST)
વિધાનસભામાં ડ્રગ્સ અને દારૂના આંકડાઓ અંગે પ્રશ્ન પુછાયો
અમદાવાદમાં છેલ્લા બે વર્ષ દરમિયાન નશીલા પદાર્થો અને દારૂના મોટા જથ્થા ઝડપાયા હોવાના આંકડા વિધાનસભામાં સામે આવ્યા છે. આંકડા મુજબ શહેરમાં ૧૮ કરોડ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ, ૨.૬૦ કરોડ રૂપિયાનો દેશી દારૂ તેમજ અંદાજે ૨૦.૫૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે, ઉપરાંત ૯૦ લાખથી વધુના અન્ય માદક પદાર્થો પણ કબજે લેવાયા છે. શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં મંત્રીએ આ વિગતો આપી હતી. અમિત ચાવડાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શહેરમાં નશીલા પદાર્થોના વધતા દૂષણ મુદ્દે પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે અમદાવાદ એરપોર્ટ પર માત્ર ૪૫ દિવસમાં ૭૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે આ મામલે આઇપીએસ કક્ષાના અધિકારીઓની જવાબદારી નિશ્ચિત કરવાની માંગ કરી હતી. ચાવડાએ વધુમાં કહ્યું કે રાજ્યનો એકપણ ધારાસભ્ય એવો દાવો કરી શકે નહીં કે તેના વિસ્તારમાં દારૂ મળતો નથી.
18 Feb 2026 12:14 PM (IST)
અમદાવાદ: ભાજપ કોર્પોરેટરના પિતાની દાદાગીરી
અમદાવાદમાં ભાજપ કોર્પોરેટર ચેતન પરમારના પિતાની દાદાગીરીના ઘટના સામે આવી છે. પોતાના જાતને ‘કોર્પોરેટર’ તરીકે ઓળખ આપી અધિકારીઓને ધમકાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સર્વોદયનગરમાં ગટરલાઈન પર બનેલા ગેરકાયદે બાંધકામ તોડવા પહોંચેલા અધિકારીઓને પિતાએ કહ્યું કે કોઈ બાંધકામ તોડવાની જરૂર નથી અને તેમને ખખડાવ્યા. કોર્પોરેટર તરીકે રોફ જમાવતા ‘કોર્પોરેટર પિતા’નો વીડિયો વાયરલ થયો છે. તે સાથે જ પિતાએ ચીમકી આપી હતી કે જો કોઈ બાંધકામ તોડશે તો લોકો આપઘાત કરશે.
‘ગુજરાત અંદાજપત્ર :2026-27’ માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે, કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે. કંસરી દેવીને માતા અન્નપૂર્ણા પણ કહી શકાય કે જેમની સ્થાપના, પૂજા કરવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે.
18 Feb 2026 11:36 AM (IST)
બજેટ પૂર્વે ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન
બજેટ પૂર્વે ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. બજેટ પેહલા સરકાર વચનો આપતી હોય છે પરંતુ પાળતી નથી હોતી. ગરીબ મધ્યમવર્ગ અને ખેડૂતો માટે બજેટમાં રાહત મળે એવી આશા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બજેટ માત્ર આભાસી ભર્યું જોવા મળે છે. ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે ત્યારે ખેડૂતોને બજેટ માં રાહત મળે એવી આશા છે.
18 Feb 2026 11:29 AM (IST)
બજેટ પૂર્વે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ બજેટ પૂર્વે જણાવ્યું કે પ્રજાના કરથી બનતા બજેટમાં પ્રજાલક્ષી બાબતો હોવી જોઈએ. તેમણે કહ્યું કે બજેટ માત્ર પોતાની વાહવાહી, ઉદ્યોગો કે રાજકીય એજન્ડા માટે નહીં હોવું જોઈએ. ખેડૂતોએ તેમના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત બજેટમાં થવી જોઈએ. ખાલી સરકારી પદો પર ભરતી માટેનું કેલેન્ડર જાહેર થવું જોઈએ. વિધવા પેન્શન અને દિવ્યાંગ જૂથો માટેના પેન્શનમાં વધારો કરવામાં આવવો જોઈએ. અન્ય ભાજપ શાસિત રાજ્યોની જેમ ગુજરાતમાં બહેનોને 500 રૂપિયામાં ગેસ બોટલની જાહેરાત થવી જોઈએ અને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું સહાય ભેટ થવું જોઈએ. મોટા ઉદ્યોગોના બદલે નાના ઉદ્યોગકારોને મદદ આપતી યોજના લાગુ કરવામાં આવવી જોઈએ. કર્મચારીઓ માટે ઓપીએસ યોજનાને કોંગ્રેસ સમર્થન આપશે.
18 Feb 2026 11:18 AM (IST)
હંમેશા જ વિકાસલક્ષી હોય છે: ભાજપ
ભાજપના નેતાઓ અને મંત્રીઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારનું બજેટ હંમેશા જ વિકાસલક્ષી હોય છે અને તે જ રીતે આ વખતનું બજેટ પણ રહેશે. ગરીબવર્ગ, ખેડૂતો, મહિલાઓ તેમજ યુવાનોને રોજગારી લક્ષી બજેટ રહેવાનો દાવો કરાયો છે.
ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે નાણાપ્રધાન. ચાલુ વર્ષે બજેટનું કદ 4 લાખ કરોડ રૂપિયા રહેવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટ ફુલ ગુલાબી રહેવાના સંકેત છે. સરકાર દ્વારા બજેટમાં અનેક મહત્વની જાહેરાતો થવાની શક્યતા છે.
18 Feb 2026 11:07 AM (IST)
મહિલાઓના સશક્તિકરણ માટે નવી સહાય યોજના થઈ શકે જાહેર
મહિલાઓના સશક્તિકરણ માટે નવી સહાય યોજના થઈ શકે જાહેર
મહિલા ઉદ્યોગકારો માટે અલગ પેકેજ જાહેર થવાની શક્યતા
શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે વધુ નાણાંની ફાળવણીનું અનુમાન
શહેરી વિકાસ અંતર્ગત હાઈવે, નવા ફ્લાયઓવર, પુલોના નિર્માણને પ્રાધાન્ય
સુરતના સરથાણાની એપલ સ્કવેર સોસાયટીના પરિસરમાં ખુલ્લેઆમ ગાંજાનું સેવન થતું જોવા મળ્યું. કેટલાંક યુવાનો ગાંજાની ચિલમ બનાવી નશો કરતાં હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો, જે વાયરલ થતાં સરથાણા પોલીસએ કાર્યવાહી હાથધરી. ગાંજાનું સેવન કરનાર શખ્સની ધરપકડ કરી મગાવી માફી મેળવી લેવામાં આવી છે. આરોપીએ કબૂલાત કરી કે ગાંજો રેલવે ટ્રેક નજીકથી લાવ્યો હતો. તંત્રને બાહેંધરી આપી કે હવે આવું કૃત્ય ફરી નહીં થાય.
18 Feb 2026 10:05 AM (IST)
અમેરિકાઃ દક્ષિણ કેલિફોર્નિયામાં હિમપ્રપાતને કારણે 4 લોકો લાપતા
અમેરિકામાં હિમપ્રપાતના કારણે ચાર લોકો લાપતા થયા છે. કેસલ પીક વિસ્તાર ખાતે એવલાન્ચના કારણે દસ લોકો ગુમ થયા હતા, જેમાંથી છ લોકોનો સંપર્ક થઈ ચૂક્યો છે. તંત્રના અધિકારીઓએ મદદ ન પહોંચે ત્યાં સુધી લાપતા લોકોને સુરક્ષિત સ્થળ પર પહોંચવાની તાકિદ કરી છે. સ્કી કરવા આવેલા લોકો સુધી પહોંચવા માટે તંત્ર સતત મહેનત કરી રહ્યું છે.
18 Feb 2026 10:04 AM (IST)
સુરત: કમિશનરના નામનું ફેક વોટ્સએપ એકઉન્ટ બનાવાયું
સુરતમાં કમિશનર એમ નાગરાજનના નામનું ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવાયું છે. ફેક એકાઉન્ટ વિદેશી નંબર પરથી બનાવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. કમિશનરના નામનો ફેક એકાઉન્ટ બનતા લોકોમાં સાવચેત રહેવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. પાલિકાના અધિકારીએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
18 Feb 2026 10:01 AM (IST)
આજે ગૃહમાં વર્ષ 2026- 27 માટે રજૂ થશે બજેટ
આજે ગૃહમાં વર્ષ 2026- 27 માટે રજૂ બજેટ થશે. બજેટનું કદ અંદાજે 4 લાખ કરોડથી વધુ હોવાની શક્યતા છે. ગત વર્ષ કરતા આ વર્ષે બજેટ માં.10% ના વધારાની શકયતા છે. ગત વર્ષ બજેટ નું કદ 3.70 લાખ હતું. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્પોર્ટસ અને કનેક્ટિવિટીને આ બજેટમાં પ્રથમીકતા અપાય એવી શક્યતા છે.
નિફ્ટીની આજે સંભવિત દિશા – ઉપર રહેશે[આજે બંને બાજુના વેપાર શક્ય છે]
18 Feb 2026 09:31 AM (IST)
મોરબીમાં ફરી જાહેરમાં મારામારી
મોરબીમાં ફરી જાહેરમાં મારામારીની ઘટના બની છે. સમગ્ર ઘટનાનું બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રફાળેશ્વર નજીક અસામાજિક તત્વોએ એક યુવકને માર્યો માર. એલ.ઇ. કોલેજ પાસે પણ બબાલ થયો હતો, જેમાં સગીર સહિતના યુવકોએ અન્ય યુવકને ઘેરીને માર્યો માર. સ્કૂલમાં ભણતા 14 વર્ષીય સગીરનું અપહરણ કરી તેને મારવાનો આક્ષેપ છે. ઉપરાંત, એક વિદ્યાર્થિનીને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યાની શંકાને લીધે મારામારી કરવામાં આવી હતી. ઘટના બાદ સગીર અને વિદ્યાર્થીનીના વાલી સહિત કુલ 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
18 Feb 2026 09:13 AM (IST)
અમરેલી: માલવણ ગામમાં આમ આદમી પાર્ટીના પોસ્ટર લગાવતા વિવાદ
અમરેલી જિલ્લાના માલવણ ગામમાં આમ આદમી પાર્ટીના પોસ્ટર લગાવતાં વિવાદ સર્જાયો છે. ગામના સરપંચે આ પોસ્ટર અંગે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. પોસ્ટરમાં અશોભનિય ભાષાનો ઉલ્લેખ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંજૂરી વગર પોસ્ટર લગાવવાને કારણે ગામમાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. ગામના કેટલીક મિલકત ધારકોની પૂર્વ મંજૂરી લઇને જ પોસ્ટર લગાવવા માગ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે આ પોસ્ટર ઉતારી દેવામાં આવે.
18 Feb 2026 08:47 AM (IST)
અંબાજી પંથકમાં પણ વાતાવરણમાં એકાએક પલટો
અંબાજી પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા વાતાવરણમાં ઠંડીનો અહેસાસ વધ્યો છે. અચાનક બદલાયેલા હવામાનને કારણે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો માવઠું પડે તો ખાસ કરીને ઘઉંના ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે અને તેમના જીવ તાળવે ચોંટ્યા છે.
18 Feb 2026 08:39 AM (IST)
પંચમહાલઃ ગોધરા શહેરમાં વહેલી સવારે કમોસમી વરસાદ
પંચમહાલઃ ગોધરા શહેરમાં વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો છે. ગોધરા શહેરમાં વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યુ. 2 દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. કમોસમી વરસાદી ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
અમદાવાદમાં વિવાદિત આસારામ બાપુ આશ્રમ દ્વારા જમીન દબાણના મામલે મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. આશરે ૪૫ હજાર ચોરસ મીટર જમીન સંબંધિત હાઈકોર્ટના એકલ ન્યાયાધીશના નિર્ણયને વિભાગીય ખંડપીઠ સમક્ષ પડકારવામાં આવ્યો છે. મોટેરા સ્થિત આ જમીન પર આશ્રમ દ્વારા ગેરકાયદે બાંધકામ ઊભું કરાયું હોવાના આક્ષેપો છે. અગાઉ હાઈકોર્ટે રાજ્ય સરકારને જમીન પરત લેવા મંજૂરી આપી હતી. હવે આ મામલે આજે હાઈકોર્ટની વિભાગીય ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરાશે, જેને લઈને કાનૂની અને પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
18 Feb 2026 07:42 AM (IST)
આણંદ: ઉમરેઠમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના
આણંદના ઉમરેઠ ખાતે શિક્ષણ જગતને લાંછન લગાડતી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વિકૃત માનસિકતા ધરાવતા 44 વર્ષીય શિક્ષક વિરમ દેસાઈએ વર્ગખંડમાં જ બાળિકાઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ છે. માત્ર એટલું જ નહીં, અન્ય ચાર બાળકો સાથે પણ તેણે અશોભનિય વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી શિક્ષકે બાળકોને મોબાઈલમાં અશ્લીલ વીડિયો પણ બતાવ્યા હોવાની વિગતો સામે આવતા વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા વાલીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. છેલ્લા ત્રણ માસથી શાળામાં ફરજ બજાવતો આ શિક્ષક મૂળ Bayad તાલુકાના છભૌ ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે.
18 Feb 2026 07:31 AM (IST)
આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે વાર્ષિક બજેટ
ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2026-27 માટેનું વાર્ષિક બજેટ રજૂ થવાનું છે, જેમાં નાણાપ્રધાન કનુ દેસાઇ સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કરશે. ચાલુ વર્ષનું બજેટ કદ આશરે 4 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું બજેટ સાબિત થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું વર્ષ હોવાને કારણે બજેટ ‘ફુલ ગુલાબી’ રહેવાના સંકેતો મળી રહ્યા છે અને વિવિધ વર્ગોને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ અને લોકલક્ષી જાહેરાતો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.