યુનિફોર્મ સિવિલ કોડને લઇને ગુજરાત સરકાર પ્રસ્તાવ લાવશે, કેબિનેટ બેઠક બાદ થઇ શકે છે જાહેરાત
ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડના અભ્યાસ માટે કમિટીની રચના કરી શકે છે. કેબિનેટ બાદ તેની સત્તાવાર જાહેરાત થશે.

યુનિફોર્મ સિવિલ કોડ મામલે ગુજરાત સરકાર પ્રસ્તાવ લાવશે. આજની અંતિમ કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરાશે. ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડના અભ્યાસ માટે કમિટીની રચના કરી શકે છે. કેબિનેટ બાદ તેની સત્તાવાર જાહેરાત થશે. કેબિનેટની બેઠક બાદ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને પરસોત્તમ રૂપાલા જાહેરાત કરી શકે છે.
ગાંધીનગરમાં ગુજરાત સરકારની ચૂંટણી પહેલાની અંતિમ કેબિનેટ બેઠક મળવા જઇ રહી છે. આજે બપોરે અઢી કલાકે કેબિનેટની બેઠક મળવાની છે. ત્યારે તેમાં કેટલાક મહત્વના મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે યુનિફોર્મ સિવિલ કોડ અંગે આજની કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ મુકવામાં આવશે. ઉત્તરાખંડમાં પણ આ જ પેટર્નથી કામ થયુ હતુ. ઉત્તરાખંડમાં પણ આ જ રીતે કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં પણ કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ મુકાવાની સંભવાના છે. એટલુ જ નહીં તે માટે રિટાયર્ડ જજની એક કમિટી પણ રચવામાં આવી શકે છે.
જો કે આ અંગેની કામગીરી નવી સરકારમાં જ થઇ શકશે. કારણકે થોડા જ દિવસોમાં ગુજરાત ચૂંટણીની જાહેરાત થશે તો આચાર સંહિતા લાગુ થઇ જશે. તે પહેલા રાજ્ય સરકાર પોતાના તરફથી એક સંદેશ આપવા માગતા હોય તેવુ લાગી રહ્યુ છે કે રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડના સપોર્ટમાં છે. જેથી આજની અંતિમ કેબિનેટમાં જ આ અંગેનો પ્રસ્તાવ મુકવામાં આવશે. ત્યારબાદ સત્તાવાર રીતે આ અંગે જાહેરાત કરવામાં આવશે.
શું છે યુનિફોર્મ સિવિલ કોડ ?
કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે જે તમામ ધર્મોના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ દરેક ધર્મ માટે સમાન કાયદો લાવશે. હાલ બધા ધર્મોના લોકો આ બાબતોને તેમના વ્યક્તિગત કાયદા હેઠળ સમાધાન કરે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોમાં વ્યક્તિગત કાયદો છે જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ નાગરિક કાયદા હેઠળ આવે છે. બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણમાં કલમ 44 હેઠળ રાજ્યની જવાબદારી જણાવી છે.
અત્યારે શું છે કાયદો?
- હાલ તમામ ધર્મના અલગ-અલગ કાયદા
- મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી સમુદાયોમાં છે વ્યક્તિગત કાયદો
- હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ આવે છે નાગરિક કાયદા હેઠળ
- બંધારણની કલમ 44 હેઠળ UCC રાજ્યની જવાબદારી
- આજ સુધી દેશમાં તેનો અમલ કરવામાં આવ્યો નથી
માર્ચ 2022માં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઉત્તરાખંડમાં સમાન નાગરિકા સંહિતા એટલે કે યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય મંત્રીમંડળે આ નિર્ણયને સર્વસંમતિથી પોતાની સહમતિ નોંધાવી છે અને હવે બહુ જલ્દીથી વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવામાં આવશે અને રાજ્યમાં યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવામાં આવશે.
મહત્વનું છે કે ભારતને આઝાદી મળ્યા પછી યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અથવા સમાન નાગરિક સંહિતાના અમલની માગણી સતત થતી રહી છે. યુસીસી એક એવો કાયદો હશે કે જેમાં કોઈ ધર્મ, જાતિ અને જાતીય અભિગમની દરકાર કરશે નહીં. દેશના બંધારણમાં પણ જણાવવામાં આવ્યું છે કે દેશે તેના નાગરિકો માટે આવો કાયદો ઉપલબ્ધ કરાવવાના ‘પ્રયાસ’ કરવા જોઈએ.