
ગાંધીનગરના GIFT સિટી ખાતે એવિએશન મંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમિટ યોજાઈ હતી, જેનો મુખ્ય હેતુ એવિએશન સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે. આ સમિટ દ્વારા હવે દેશમાં જ વિમાનોના ખરીદ-વેચાણ અને લિઝિંગ માટેની મજબૂત સિસ્ટમ વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, દેશમાં એરક્રાફ્ટ લિઝિંગ ઈન્ડસ્ટ્રીઝ માટે ગિફ્ટ સિટીનું ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વીસીસ સેન્ટર્સ ઓથોરીટી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. મુખ્યમંત્રીએ ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય, IFSCA અને FICCIના સંયુક્ત ઉપક્રમે ગિફ્ટ સિટીમાં આયોજિત ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરપ્પુ રામ મોહન નાયડુની વિશેષ ઉપસ્થિતિમાં આ સમિટમાં દેશ-વિદેશના એવિએશન ઈન્ડસ્ટ્રીઝ લિડર્સ, પોલિસી મેકર્સ અને સ્ટેક હોલ્ડર્સ સહભાગી થઈ રહ્યા છે. આ સમિટના પ્રારંભે એર ઈન્ડિયા, ઈન્ડિગો, સ્ટાર એર, બેંક ઓફ ઈન્ડિયા, IFSCA તથા અકાશા દ્વારા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે નવા જોડાણો અને રોકાણો માટે અલગ અલગ એમઓયુ (MoUs) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સાથે જ, ફિક્કીના નોલેજ રિપોર્ટનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં નિર્માણ થયેલું ગિફ્ટ સિટી દેશના ફિનટેક હબ તરીકે ખ્યાતિ પામ્યું છે. ગિફ્ટ સિટીના IFSCAની એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સેક્ટરની ભૂમિકા વધુ વ્યાપક બનાવીને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓને સ્થાનિક સ્તરે અમલમાં લાવી એવિએશન ફાઈનાન્સીંગ ઈકો સિસ્ટમને સુદ્રઢ કરવાનો ઉદેશ્ય આ સમિટ પાર પાડશે. ભૂપેન્દ્ર પટેલે એરક્રાફ્ટ લિઝિંગ ઈન્ડસ્ટ્રીઝને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સરળતા આપવા IFSCAના માધ્યમથી યુનિફાઈડ રેગ્યુલેટરની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો ઉલ્લેખ પણ આ તકે કર્યો હતો.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનના દિશાદર્શનમાં રજુ થયેલા આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ગિફ્ટ સિટી IFSCમાં સ્પર્ધાત્મક્તા વધારવાના હેતુથી આપવામાં આવેલા ટેક્સ હોલિડે અને અન્ય પ્રોત્સાહનોની પણ ભૂમિકા આપી હતી. તેમણે એવિએશન ઈન્ડસ્ટ્રીઝ અને એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સેક્ટરમાં પણ ગુજરાત નેતૃત્વ કરશે તેવા સંકલ્પ સાથે કહ્યું કે, ગિફ્ટ સિટીમાં સંચાલિત IFSCA દ્વારા અત્યાર સુધીમાં 370થી વધુ એસેટ્સ લિઝ પર આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટમાં સહભાગી થઈ રહેલા ઈન્ડસ્ટ્રી લિડર્સને આહવાન કર્યું હતું કે, ગિફ્ટ સિટી IFSCA સાથેનો તેમનો સહયોગ વર્ષ 2047ના વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં ગતિ આપશે. કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રી રામમોહન નાઈડુએ ગિફ્ટ સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘બ્રેઈનચાઈલ્ડ’ અને ભારત માટે વૈશ્વિક નાણાકીય બજારોનું પ્રવેશદ્વાર ગણાવતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના સહયોગથી ગિફ્ટ સિટી આજે એશિયાના સૌથી ગતિશીલ નાણાકીય કેન્દ્ર અને વૈશ્વિક નાણાકીય બજારો માટે ભારતનું પ્રવેશદ્વાર બન્યું છે.
તેમણે ગિફ્ટ સિટીની સરખામણી ડબ્લિન, સિંગાપોર અને દુબઈ જેવા આંતરરાષ્ટ્રીય કેન્દ્રો સાથે કરતા જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ માટે એક સક્ષમ ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે, જે એવિએશન ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી દાયકામાં ભારતીય એવિએશન સેક્ટરમાં લીઝિંગ માટે 50 બિલિયન ડોલરની વિશાળ તક રહેલી છે અને ભારત હવે ગ્લોબલ ફાઇનાન્સના માત્ર ‘ગ્રાહક’ મટીને ‘આર્કિટેક્ટ’ બનવાની દિશામાં ડગ માંડી રહ્યું છે. ભારત વર્ષ 2035 સુધીમાં આશરે 2,250 એરક્રાફ્ટના કાફલા સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સિવિલ એવિએશન માર્કેટ બનવા માટે સજ્જ છે.
મુખ્યમંત્રીએ માત્ર મોટા વિમાનો જ નહીં પરંતુ પ્રાદેશિક કનેક્ટિવિટી માટે 40 થી 100 સીટર વિમાનો, હેલિકોપ્ટર અને સી-પ્લેન લીઝિંગ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે, લક્ષદ્વીપમાં ટૂંક સમયમાં સી-પ્લેન ઓપરેશન્સ શરૂ કરવામાં આવશે. સરકાર હવે ‘ફ્રેક્શનલ ઓનરશિપ’ અને એરક્રાફ્ટને ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ’ તરીકે ગણવા જેવી નીતિઓ પર પણ ગંભીરતાથી કામ કરી રહી છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમીર કુમાર સિંહાએ જણાવ્યું હતું કે, આ સમિટ ભારતને એવિએશન સેક્ટરમાં ‘આત્મનિર્ભર’ બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું સાબિત થશે. હાલમાં ભારતીય એરલાઇન્સના 80 ટકાથી વધુ એરક્રાફ્ટ આયર્લેન્ડ, સિંગાપોર અને દુબઈ જેવા વિદેશી અધિકાર ક્ષેત્રમાંથી લીઝ પર લેવામાં આવે છે. સરકારનો ઉદ્દેશ્ય હવે ભારતને માત્ર માર્કેટ તરીકે નહીં પણ ‘ફાઇનાન્સિંગ જ્યુરિસ્ડિક્શન’ તરીકે સ્થાપિત કરવાનો છે.
IFSCAના ચેરમેન કે. રાજારામને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક એવિએશન માર્કેટ બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સહયોગથી ગિફ્ટ સિટીમાં થયેલા મેટ્રો કનેક્ટિવિટી અને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, વર્ષ 2020માં જ્યાં એક પણ લીઝિંગ યુનિટ નહોતું, ત્યાં આજે ગિફ્ટ સિટીમાં 40થી વધુ એરક્રાફ્ટ લિઝર્સ કાર્યરત છે અને 200થી વધુ વિમાનો તથા 84 એન્જિનના લીઝિંગ વ્યવહારો સફળતાપૂર્વક થયા છે.
ફિક્કી સિવિલ એવિએશન કમિટીના ચેરમેન અને એરબસ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર જુર્ગન વેસ્ટરમીયરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સિનિયર ઇકોનોમિક એડવાઇઝર અમિત રે દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમિટમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો, પોલિસી મેકર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.