Gir Somnath : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી
ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી છે.
ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી છે. જેની બાદ તેવો સોમનાથ મંદિર ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરી વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે.જે બાદ અમિત શાહ સાંજે 5 વાગ્યે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
આ પૂર્વે આજે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જૂનાગઢ APMCના કિસાન ભવનના લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે, “ભારત સરકાર જે બજેટ મોકલે છે તે તમારા સુધી પહોંચતું નથી, કારણ કે કોઓપરેટીવ માળખું બરાબર નથી..”જો કોઓપરેટીવ માળખુ બરોબર થઈ જાય તો તમામ યોજના તમારા સુધી પહોંચવાની ચાલુ થઈ જાય.. આ માટે સરકાર આવતા મહિને કોઓપરેટિવ સોસાયટીની શરૂઆત કરવા જઈ રહી છે. જેમાં તમામ સેવા સહકારી મંડળી, ડેરી અને મત્સ્ય ઉત્પાદનની વ્યવસ્થા એક જગ્યાએ કરાશે.
કોઓપરેટિવ સોસાયટી એક્સપોર્ટ હાઉસ તરીકેની સેવાઓ આપશે અને એક્સપોર્ટનો નફો ખેડૂતના બેંક એકાઉન્ટમાં સીધો ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા કરાશે..જેથી ખેડૂતોની આવક બમણી નહીં અનેક ગણી થશે.. આ કોઓપરેટીવ સોસાયટીમાં ભંડારાની યોજના, સ્ટોરેજની યોજના સહિત 20 પ્રકારના કામ કરવાની વ્યવસ્થા કરાશે.
તેમણે કહ્યું કે, તે માટે તેઓ ડેરી, વિવિધ બેન્કો, સહકારી મંડળીઓ અને એ.પી.એમ.સી.ના અગ્રણીઓની બેઠક બોલાવવાના છે અને તે દ્વારા સહકારી માળખું મજબૂત કરી ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવાનો મુખ્ય હેતુ છે.
આ ઉપરાંત આજે ગાંધીનગર જિલ્લામાં આજના દિવસમાં રૂપિયા ૮ કરોડ ૩૦ લાખથી વઘુના વિવિઘ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું છે. જેમાં રૂપિયા ૭ કરોડથી વઘુના ૪૯ કામોનું કેન્દ્રીય મંત્રી શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રુપિયા ૧ કરોડ ૨૩ લાખના ખર્ચે તૈયાર થનાર જનસુખાકારીના ૩ વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈ કાલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક આહાર કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતુ. આ નિઃશુલ્ક આહાર કેન્દ્રમાં 600 થી 700 લોકો ભોજન લઈ શકશે. જેમાં નિઃશુલ્ક આહાર કેન્દ્ર પર સવારે 11 થી બપોરે 1 અને સાંજે 6 થી 8 દરમિયાન ભોજન મળશે. જેમાં દર્દીઓ સાથે આવતા સબંધીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.