ગીર સોમનાથઃ ગીર સોમનાથના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, પાક પલળવાથી ખેડૂતો બેહાલ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Manasi Upadhyay

Updated on: Oct 12, 2022 | 3:22 PM

ગીર સોમનાથના  તાલાલા ગીર પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો  હતો તેમજ તાલાલાના ધાવા ગામે વરસાદનું જોર વધુ રહ્યું હતું તે ઉપરાંત વિઠ્ઠલપુર ગામ નજીકથી પસાર થતાં વોકળામાં ઘોડાપૂર આવ્યું હતું.

ગીર સોમનાથઃ ગીર સોમનાથના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, પાક પલળવાથી ખેડૂતો બેહાલ
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી વિઠ્ઠલપુર નજીકના વોકળામાં આવ્યું પૂર

ગુજરાતમાં  ચોમાસું  (Monsoon 2022) જતા જતા ખે઼ડૂતોને બેહાલ કરી રહ્યું છે. આમ તો ગુજરાતમાંથી સત્તાવાર ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ પાછોતરા માવઠાને કારણે  વરસાદ  (Rain) હવે અભિશાપ રૂપ બની રહ્યો છે. ગીર સોમનાથ  (Gir somnath) જિલ્લામાં ગત રોજ તેમજ વહેલી સવારે પડેલા વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થયું છે તો  જિલ્લાના કાજલી ગામે મગફળી, કપાસ સહિતના માર્કેટિંગ યાર્ડમાં રહેલા પાક તેમજ ખેતરમાં રહેલા અન્ય પાકને પણ નુકસાન થવા પામ્યું છે. કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે  વરસાદની સ્થિતિમાં પાકની સુરક્ષા માટે ખેડૂતોને મહામહેનત  કરવી પડી હતી જોકે  તેમ છતાં  તેમને અથાગ મહેનત કરીને પકવેલો મોલ  વરસાદમાં  પલળી ગયો હતો. નોંધનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં  બે  દિવસથી  ભારે વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય પથંક સહિત  સોમનાથ તીર્થમાં ધોધમાર વરસાદ પડ્યો છે ભારે વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહી ઉઠી હતી.  ગીર સોમનાથના  તાલાલા ગીર પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો  હતો તેમજ તાલાલાના ધાવા ગામે વરસાદનું જોર વધુ રહ્યું હતું તે ઉપરાંત વિઠ્ઠલપુર ગામ નજીકથી પસાર થતાં વોકળામાં ઘોડાપૂર આવ્યું હતું.

અમરેલી  (Amreli) જિલ્લામાં પણ 3 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા શહેર અને આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. કેટલાક વિસ્તારોમાં તો વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ વરસ્યો હતો. રાજુલાના જૂની માંડરડી, ઝાપોદરમાં વરસાદ વરસ્યો છે. ધારેશ્વર,આગરિયા સહિતના ગામડામાં ધોધમાર વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે.

જાફરાબાદ તાલુકાના કેટલાક ગામડામાં પણ ધીમીધારે વરસાદ થયો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકમાં પાણી ફરી વળ્યુ છે. ખેડૂતોને તૈયાર થઇ ગયેલો પાક બરબાદ થઇ જશે તેવી ચિંતા છે.  તો  ભાવનગરમાં  (Bhavnagar) પણ  પાછોતરા વરસાદને કારણે ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે કારણ કે ઉભા પાક પર માવઠું થતા પાકને નુકસાન થયું છે. પાછોતરા વરસાદને કારણે મહામુલો પાક નષ્ટ થઈ જતા આર્થિક નુક્સાની તરફ ખેડૂતો દેખાઈ રહ્યાં છે. સ્થિતિને જોતા ખેડૂતોને એક સાંધે ત્યા તેર તૂટે જેવી હાલત થઈ રહી છે. ખેડૂતોએ કપાસ, મગફળી અને ડુંગળીની ખેતી કરી હતી અને સારા પાકની આશા સેવી હતી. સારો વરસાદ થવાથી નદી, નાળા અને ડેમ ભરાઇ ગયા હતા તેમજ  પાણીના તળમાં પણ સુધારો થતાં ખેડૂતોને ખેત ઉત્પાદનમાં ભારે ફાયદો થવાની શક્યતાઓ હતી પણ કમનસીબે નવરાત્રિ બાદ જે  પ્રકારે વાતાવરણ બદલાયું અને વરસાદની ધમધોકાર ઈનિંગ જોતા ખેડૂતોની સામે જ પાક પલળી  ગયો અને ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ.

તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં હજુ પણ વાદળછાયા વાતાવરણ રહેવાની શકયતા સેવાઈ રહી છે અને આગામી દિવસો દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં  હળવાથી ભારે વરસાદી ઝાપટા આવી શકે  છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati