Gir somnath: શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ-ભાલકાતીર્થના દર્શન હવે થઈ શકશે Live, સોમનાથ ટ્રસ્ટે કરી પહેલ
આ સેવા અંતર્ગત સોમનાથ ટ્રસ્ટની ઑફિશ્યલ વેબસાઈટ somnath.org તેમજ સોમનાથ ટ્રસ્ટના facebook youtube સહિતના માધ્યમો પર ભાલકા તીર્થના લાઈવ દર્શન સવારના 6:30 કલાકથી રાત્રે 8:30 કલાક સુધી કરી શકાશે.

દેશ વિદેશના કરોડો ભાવિકો દેવાધિદેવ સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરતા હોય છે ત્યારે હવે ભકતજનો શ્રીકૃષ્ણના દેહોત્સર્ગની ભૂમિ ભાલકા તીર્થના દર્શન પણ ઘેર બેઠા કરી શકશે. આ પહેલ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ભાલકાતીર્થ લાઈવ દર્શન સેવાનો શુભારંભ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ અને કથાકાર ડૉ.મહાદેવ પ્રસાદના હસ્તે કરવામાં આવ્યો હતો.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન પ્રતિવર્ષ 80 કરોડથી વધુ ભાવિકો કરે છે ત્યારે હવે જગતગુરુ શ્રીકૃષ્ણના ભાલકેશ્વર સ્વરૂપના લાઈવ દર્શન પણ થઈ શકશે.આ વિશેષ અવસર પર સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ સાથે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ, અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
સોમનાથથી વેબસાઇટ પર કરી શકાશે દર્શન
આ સેવા અંતર્ગત સોમનાથ ટ્રસ્ટની ઑફિશ્યલ વેબસાઈટ somnath.org તેમજ સોમનાથ ટ્રસ્ટના facebook youtube સહિતના માધ્યમો પર ભાલકા તીર્થના લાઈવ દર્શન સવારના 6:30 કલાકથી રાત્રે 8:30 કલાક સુધી કરી શકાશે.
ભાલકા-શ્રીકૃષ્ણનું અંતિમ લીલાનું સ્થળ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જ શ્રીકૃષ્ણએ પોતાની જીવનલીલા સંકેલી હતી. આ સ્થળે વર્ષે લાખો લોકો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે હવે અતિશય વૃદ્ધ કે શારિરીક રીતે દિવ્યાંગ હોય તેવા લોકો માટે ભાલકા તીર્થના દર્શન કરવા સરળ બની રહેશે.
ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન અંદાજિત 80 કરોડ લોકો કરી રહ્યા છે. ત્યારે પ્રભાસભૂમિ શ્રીકૃષ્ણની સ્વધામ ગમન ભૂમિ છે. શ્રીકૃષ્ણનો મહિમા આ ભૂમિ પર અદભુત છે. સનાતન સંસ્કૃતિમાં સૃષ્ટિના પાલક ભગવાન પણ પોતાના કર્મોથી ઉપર નથી તે વાતનું ઉત્તમ ઉદાહરણ ભાલકાતીર્થ આ ક્ષેત્રમાં વસેલું છે.
ભાલકા તીર્થનું માહાત્મય
ભાલકા તીર્થ એ જ સ્થળ છે કે જ્યાં શ્રીકૃષ્ણ ચંદ્ર પરમાત્મા પીપળાના વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા અને તેમના પ્રકાશમાન ચરણને હરણ સમજીને જરા નામના પારધીએ બાણ ચલાવ્યું. બાણ શ્રીકૃષ્ણના ચરણમાં લાગેલું જોઈ તે શ્રીકૃષ્ણના ચરણમાં બેસી વિલાપ કરવા લાગ્યો, ત્યારે કર્મનો સિદ્ધાંત દર્શાવતા શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે રામ અવતારમાં મેં વાલી સ્વરૂપે તારો વધ કર્યો હતો. જેનું ફળ હું કૃષ્ણ અવતાર ની અંદર ભોગવી રહ્યો છું. આમાં તારો કોઈ વાંક નથી આ તો નિમિત્ માત્ર હતું .શ્રીકૃષ્ણ પારધીને કહે છે કે આ દોષ નથી, આ કર્મનો સિદ્ધાંત છે.
જ્યાં અખિલ બ્રહ્માંડના નાથ પણ પોતાના કર્મોથી ઉપર નથી. જો ભગવાન પણ પોતાના કર્મનું ફળ ભોગવે છે તે બાબત તમામ વ્યક્તિઓને સત્કર્મ કરવા માટે પ્રેરણા આપે છે. નોંધનીય છે કે શ્રદ્ધાળુઓ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરવામાં આવી હતી કે ભાલકાતીર્થના દર્શન કરાવવામાં આવે તે સૂચનોને પગલે આધુનિક કેમેરા અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ સહિતની ટેકનોલોજીના સમન્વય સાથે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વિથ ઇનપુટ ક્રેડિટ:યોગેશ જોષી, ગીર સોમનાથ ટીવી9