Gir Somnath: વેરાવળ ખાતે ભાનુબેન બાબરીયાએ 7 કરોડના ખર્ચે કન્યા કુમાર છાત્રાલયનું કર્યુ લોકાર્પણ, ઉનામાં કન્યા છાત્રાલયનું કર્યુ વર્ચ્યુઅલ લોકાર્પણ
Gir Somnath: વેરાવળમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ 11 કરોડના ખર્ચે તૈયાર થયેલ સરકારી કન્યા-કુમાર છાત્રાલયનું લોકાર્પણ કર્યુ. ઉનામાં પણ 4 કરોડના ખર્ચે તૈયાર થયેલ કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યુ.
Gir Somnath: પંડિત દીનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ, ડાભોર રોડ, વેરાવળ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વિકસતી જાતિ કલ્યાણ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને કુલ રૂ.11 કરોડના ખર્ચે તૈયાર થયેલ સરકારી કુમાર અને કન્યા છાત્રાલય (વિ.જા) વેરાવળનો લોકાર્પણ સમારોહ તેમજ સરકારી કન્યા છાત્રાલય (વિ.જા) ઉનાનો વર્ચ્યુઅલી લોકાર્પણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
નવી હોસ્ટેલોનું નિર્માણ એ સૂચવે છે કે ગુજરાતમાં શિક્ષણની ભૂખ વધી- ભાનુબેન બાબરીયા
આ તકે મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે આજે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે ત્યારે આ ક્ષણ ગૌરવવંતી બની છે. દિનપ્રતિદિન વધુને વધુ ગુજરાતનો વિકાસ થાય એ દિશામાં સરકાર કામ કરી રહી છે. નવી હોસ્ટેલોનું નિર્માણ એ સૂચવે છે કે ગુજરાતમાં શિક્ષણની ભૂખ વધી છે. હવે ભાડાના મકાનોમાંથી પોતાની જ સંકુલની બિલ્ડીંગો બની રહી છે અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવો હોય અને આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારે છાત્રાલયનો ટેકો મળી રહે તેમ સરકાર દ્વારા રાજ્યમાં તમામ જગ્યાઓ પર જરૂર મુજબ છાત્રાલયનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
જ્યારે સામાજીક ન્યાય અને અધિકારીતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. જેનો ઉદ્દેશ છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવાનો છે. વિદેશ અભ્યાસ માટેની યોજના, માનવ ગરિમા યોજના વગેરે યોજનાઓથી માનવ કલ્યાણનો હેતુ સુપેરે પાર પાડી રહ્યો છે.
ઉના અને વેરાવળને કોલેજ સુધીના શિક્ષણ માટે છાત્રાલય ભેટ મળી
જિલ્લામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા છાત્રાલયોમાં ઓફિસ રૂમ, ડાયનિંગ હોલ, કિચન, રેક્ટર ક્વાર્ટર, વિઝિટર રૂમ, સ્ટોર રૂમ, ઈલેક્ટિક રૂમ, વોટરકૂલર, આર.ઓ, દિવ્યાંગ રૂમ, છાત્ર લિવિંગ રૂમ, લાઈબ્રેરી, રાઈટિંગ ટેબલ, રિવોલ્વિંગ ખુરશી, લાઈબ્રેરી રેક, સિક્યોરિટી ઓફિસ સહિતની અદ્યતન સુવિધાઓ છે. આમ ઉના અને વેરાવળને કોલેજ કક્ષા સુધીનું વિના મૂલ્યે રહેવા-જમવા સાથેની સવલતો ધરાવતા છાત્રાલયોની ભેટ મળી છે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, પંડિત દિનદયાળ આવાસ યોજના, કુંવરબાઈનું મામેરુ, વ્હાલી દીકરી યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. જ્યારે માનવ ગરિમા યોજના અંતર્ગત લાભાર્થીઓને ખેતીલક્ષી વેલ્ડિંગકામ કીટ, ઈલેક્ટ્રિક કીટ્સ, દરજીકામ જેવી વિવિધ કીટ્સ અર્પણ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ દ્વારા ઘટક કક્ષાની મિલેટ્સ સ્પર્ધા યોજાઈ
આ તકે, આઈસીડીએસ ગીર સોમનાથ દ્વારા ઘટક કક્ષાની મિલેટ્સ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. જેમાં એકથી ત્રણ ક્રમે વિજેતા આંગણવાડીની મહિલાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર પણ એનાયત કરાયા હતાં.
આ પણ વાંચો : Gir Somnath : કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે વેરાવળમાં નવસર્જિત દીવાદાંડીનું કર્યુ વર્ચ્યુઅલ ઉદ્દઘાટન
આ ઉપરાંત લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ બીજનીગમ ચેરમેન રાજસીભાઈ જોટવા, ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય સર્વ ભગવાન બારડ, પ્રદ્યુમન વાજા, કાળુ રાઠોડ અને જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબહેન વાજા, નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી સહિત જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, સહિત અન્ય મહાનુભાવોની પણ ઉપસ્થિતી રહી હતી.
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો