ગીર સોમનાથમાંથી ઝડપાઇ હથિયારોની ફેક્ટરી, ઘાતક હથિયારોનો મોટો જથ્થો જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી
Gir Somnath News : એસઓજી પોલીસે ગેરકાનૂની રીતે ચાલતા હથિયારો બનાવવાની મીની ફેકટરી ઝડપી પાડી છે. હથિયારોની ફેક્ટરી ઝડપાતા પોલીસ પણ ચોકી ઊઠી હતી.
ગીર સોમનાથ જિલ્લામાંથી ઘાતક હથિયારો બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. એસઓજી પોલીસે ગેરકાનૂની રીતે ચાલતા હથિયારો બનાવવાની મીની ફેકટરી ઝડપી પાડી છે. હથિયારોની ફેક્ટરી ઝડપાતા પોલીસ પણ ચોકી ઊઠી હતી. પોલીસે 4 બંદૂક, તલવારો, ફરસી, ભાલા, ચાકૂઓ સહિતના અનેક ઘાતક હથિયારો સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જિલ્લામાં પ્રથમ વખત આટલા ઘાતક હથિયારો ઝડપાયા છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે.
બાતમીના આધારે ઝડપાઇ ફેક્ટરી
ગીર સોમનાથ જિલ્લો આમ તો તિર્થધામ કહેવાય છે, ગીર સોમનાથ જિલ્લામાં ગીરનું જંગલ અને અરબી સમુદ્ર પણ આવેલો છે. જેને કારણે અનેકવાર અહીં ક્રાઇમની ઘટનાઓ બનતી હોય છે, વન્ય પ્રાણીઓનો શિકાર કરવાથી લઈ હમણાં થોડા સમય પહેલાં ડ્રગ્સ મળવા જેવી ક્રાઇમની ઘટનાઓ પણ સામેલ છે. ગીર સોમનાથના ઇતિહાસમાં કયારેય ન પકડાયા હોય તેટલા પ્રમાણમાં હથિયારો સાથે મીની ફેકટરી SOG પોલીસે બાતમીના આધારે ઝડપી લીધી છે.
હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો
તાલાલા તાલુકા ગુંદરણ ગામે એસઓજી પોલીસે બાતમીના આધારે મોડી રાત્રે રેડ કરી હતી. ગુંદરણ ગામે રાત્રે વાડી વિસ્તારનો નજારો જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અહીં પોલીસને એક બે નહિ પરંતુ અલગ અલગ પ્રકારના હથિયારોનો મોટો જથ્થો જોવા મળ્યો હતો. ગીર સોમનાથ એસોજી પોલીસે ગુંદરણ ગામેથી દેશી બનાવટની 4 બંદૂક કારર્ટીસ-13 (30 લોખન્ડ ની ગોળી) 20, મોટા છરા, દારૂ ગોળો ભરેલી કોથળી, ગન પાવડર, ડ્રિલિંગ મશીન, વેલ્ડીંગ મશીન, ગેસ નો બાટલો અને 13 તલવાર, ગુપ્તી ત્રણ ધાર્યા ભાલા સહિતના કુલ 23 હથિયાર મળી આવ્યા હતા. જેમાં પોલીસે ગુંદરણ ગામના વાડી માલિક રામસિંહ રામા કરંગરિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જોકે મોટો સવાલ એ છે કે આ ગેરકાનૂની હથિયારની મીની ફેકટરી 2 થી 3 વર્ષથી ધમધમતી હોવા છતા પોલીસ જાણ કેમ ન હતી. અનેક હથિયારનો અન્ય જગ્યાએ વેપાર પણ થયો હોવાની આશંકા સેવાઇ રહી છે. એટલું જ નહિ આ ગેરકાનૂની હથિયારથી અનેક ગુનાઓને અંજામ પણ અપાયો હોઈ શકે છે. ગુંદરણ ગામ ગીર જંગલને અડીને આવેલું છે. ત્યારે આ તમામ રહસ્યો ઉપરથી પડદો ઉચકવા પોલીસ પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરશે.