ડીંગુચાના લોકોને વિદેશ જવાની ઘેલછા, ગામની અડધા જેટલી વસતી વસે છે વિદેશમાં
ડીંગુચા ગામ 7 હજારની આસપાસ વસતી ધરાવતુ ગામ છે. જેમાંથી 3200થી 3300 જેટલા લોકો હાલમાં વિદેશમાં વસેલા છે. આ તમામ લોકો અમેરિકા, કેનેડા કે બ્રિટનના દેશોમાં જઇને વસેલા છે.
છેલ્લા થોડા દિવસથી ગાંધીનગરનું ડીંગુચા ગામ (Dingucha village) સમાચારમાં સતત જોવા મળી રહ્યુ છે. અમેરિકા અને કેનેડાની બોર્ડર (US-Canada border) પર ડીંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યોના ઠંડીથી થીજી જવાને કારણે મોત થયા બાદ આ ગામ સતત ચર્ચામાં છે. જો કે આ ગામમાં એક નવાઈની વાત એ પણ જાણવા મળી છે કે ગામમાં માત્ર એક બે પરિવાર જ નહીં, પરંતુ ગામનો અડધા અડધ પરિવાર વિદેશમાં વસવાટ કરે છે. ડીંગુચા ગામ 7 હજારની આસપાસ વસતી ધરાવતુ ગામ છે. જેમાંથી 3200થી 3300 જેટલા લોકો હાલમાં વિદેશમાં વસેલા છે. આ તમામ લોકો અમેરિકા, કેનેડા કે બ્રિટનના દેશોમાં જઇને વસેલા છે.
ડીંગુચા ગામના લોકોમાં વિદેશ જવાનું વળગણ જોવા મળે છે. ડીંગુચા ગામમાં મોટાભાગના લોકો વિદેશમાં જઈને વસેલા છે અથવા તો ઈન્ટરનેશનલ ટ્રાવેલ એજન્ટ બનેલા છે. અહીંના યુવાનો અમેરિકાની સિટિઝનશીપ મેળવી લે છે અથવા તો એજન્ટ બની જાય છે. ડીંગુચા ગામના લોકો ખૂબ નાની વયથી જ વિદેશ જવાની તૈયારીઓ કરવા લાગે છે.
ગામના અડધો અડધ લોકો વિદેશમાં વસતા હોવાને કારણે આ ગામ સામાન્ય ગામ જેવુ લાગતુ નથી. અહીં પાકા રોડ, બે મોટી શાળાઓ, હોસ્પિટલ્સ, કમ્યુનિટી હોલ અને બેંકો છે. વિદેશ જઈને વસેલા ગામના લોકો જ આ ગામના વિકાસમાં ફાળો આપતા રહે છે. જેના કારણે ડીંગુચા ગામમાં આ બધું શક્ય બન્યું છે.
જોકે વિદેશ જવાનું વળગણ ક્યારેક મોટા જોખમને પણ આમંત્રણ આપી શકે છે. હાલમાં જ ડીંગુચા ગામના પરિવારના ચાર સભ્યોના અમેરિકા-કેનેડા બોર્ડર પર ઠંડીથી મોત થવાની જે ઘટના બની તે તેનું એક ઉદાહરણ છે. કેનેડા પોલીસે ચારેય મૃતકોની ઓળખ કરી લીધી છે. કેનેડા પોલીસે જાહેરાત કરી છે કે 39 વર્ષના જગદીશકુમાર પટેલ, 37 વર્ષના વૈશાલી પટેલ, 11 વર્ષની વિહાંગી પટેલ અને 3 વર્ષના ધાર્મિક પટેલનું મૃત્યું થયું છે. કેનેડાના પોલીસ અધિકારીએ પુષ્ટી કરતાં કહ્યું કે ઠંડીમાં થીજી જવાના કારણે ચારેય લોકોના મૃત્યુ થયા છે.
અમેરિકા જવાની લ્હાયમાં ચાર જિંદગી ઠંડીમાં થીજી ગઈ. ચારેય લોકો વિઝિટર વિઝા પર કાયદેસર રીતે 12 તારીખે કેનેડા પહોંચ્યા હતા અને 18 તારીખે કેનેડા-અમેરિકા બોર્ડર પર પહોંચ્યા હતા. તેમને બોર્ડર સુધી કોણે પહોંચાડ્યા તેની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો- નવસારી જિલ્લા પોલીસ વડાને મળી જમીન સંપાદન, જમીન વિવાદની 700 જેટલી ફરિયાદ, SITની રચના કરાઇ