Gandhinagar : જ્ઞાન સેતુ પ્રોજેક્ટના અમલ પહેલા વિરોધનો સૂર, શાળા સંચાલક મંડળ અને શૈક્ષણિક સંઘે ઉઠાવ્યા વાંધા
Gandhinagar News : શૈક્ષણિક સંઘના સભ્યોનો દાવો છે કે રાજ્યની 1600થી વધુ 2 વર્ગની શાળા છે, જેમાં 1200થી વધુ શાળામાં આચાર્યની જગ્યા ખાલી છે, જ્યારે ગ્રાન્ટેડ 5 હજાર 500 સ્કૂલોમાં 3 હજાર આચાર્ય છે જ નહીં. જો આવી સ્થિતિમાં જ્ઞાન સેતુ સ્કૂલ પ્રોજેક્ટ લાગુ થશે તો ગ્રાન્ટેડ સ્કૂલનું નિકંદન નીકળી જશે

ગાંધીનગરમાં જ્ઞાન સેતુ પ્રોજેક્ટને લઇ શિક્ષણ વિભાગની મહત્વની બેઠક મળી. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે અને તેજસ્વી વિદ્યાર્થીઓને લાભ થાય, તેવા હેતુસર સરકાર જ્ઞાન સેતુ ડે સ્કૂલ પ્રોજેક્ટ શરૂ કરવા જઇ રહ્યો છે. જોકે પ્રોજેક્ટ અગાઉ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. નિર્ણયની જાણ થતાં જ શાળા સંચાલક મંડળ અને શૈક્ષણિક સંઘે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. વિરોધનો સૂર પારખી ગયેલી સરકારે એ.જે.શાહની અધ્યક્ષતામાં 28 સભ્યોની કમિટીની રચના કરી અને મુંઝવતા પ્રશ્નોની ચર્ચાનું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. હવે આ પ્રયાસ કેટલો સફળ થશે તે સમય બતાવશે.
તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટ ફાયદારુપ હોવાનો દાવો
સરકારનો દાવો છે કે જ્ઞાન સેતુ પ્રોજેક્ટ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જોકે શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓના સભ્યોના ગળે આ વાત નથી ઉતરી રહી. શૈક્ષણિક સંઘ અને શાળા સંચાલક મંડળને ભય છે કે જ્ઞાન સેતુ પ્રોજેક્ટ ગ્રાન્ટેડ સ્કૂલોનો મૃત્યુઘંટ વગાડી દેશે અને ગામડાની સ્કૂલોનું અસ્તિત્વ ખતમ થઇ જશે.
શૈક્ષણિક સંઘે જ્ઞાન સેતુ પ્રોજેક્ટની પદ્ધતિ સામે ઉઠાવ્યો વાંધો
શૈક્ષણિક સંઘના સભ્યોનો દાવો છે કે રાજ્યની 1600થી વધુ 2 વર્ગની શાળા છે, જેમાં 1200થી વધુ શાળામાં આચાર્યની જગ્યા ખાલી છે, જ્યારે ગ્રાન્ટેડ 5 હજાર 500 સ્કૂલોમાં 3 હજાર આચાર્ય છે જ નહીં. જો આવી સ્થિતિમાં જ્ઞાન સેતુ સ્કૂલ પ્રોજેક્ટ લાગુ થશે તો ગ્રાન્ટેડ સ્કૂલનું નિકંદન નીકળી જશે. તો શાળા સંચાલક મહામંડળે પણ ગર્ભિત ભય વ્યક્ત કર્યો છે કે ગ્રાન્ટેડ સ્કૂલનો મૃત્યુઘંટ વાગશે તો ગામડાના વિદ્યાર્થીઓને ન છૂટકે ખાનગી શાળામાં જવું પડશે.
શાળા સંચાલક મહામંડળનો આરોપ છે કે, ગ્રાન્ટેડ સ્કૂલ સામે 2009થી ધ્યાન નથી આપવામાં આવતું અને ગ્રાન્ટનાં અભાવે અનેક ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ ગઇ છે. શાળા સંચાલક મહામંડળનો દાવો છે કે ગ્રાન્ટના અભાવે સ્કૂલોમાં ક્લાર્ક, પટ્ટાવાળા, શિક્ષક, લાઇબ્રેરીયનની જગ્યા ખાલી પડી છે. શાળા સંચાલક મહામંડળે ભય વ્યક્ત કર્યો છે કે જો ગામડામાં ગ્રાન્ટેડ સ્કૂલ નહીં હોય તો બાળકોને ખાનગી સ્કૂલમાં ભણાવવાનો વારો આવશે
યોજના પર વિવાદનું ગ્રહણ
મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં હાલની સ્થિતિએ 12 પ્રકારની શાળાઓ કાર્યરત છે. એક તરફ શિક્ષણ મોંઘુ થઇ રહ્યું છે, તો બીજી તરફ શિક્ષણના વેપારની ફરિયાદો વધી રહી છે, ત્યારે સરકાર જ્ઞાન સેતુ પ્રોજેક્ટને સર્વસંમતિથી પાર પાડવામાં કેટલું સફળ થાય છે તે સમય બતાવશે, પરંતુ હાલ તો સરકારની મહત્વકાંક્ષી યોજના પર વિવાદનું ગ્રહણ લાગ્યું છે.