Gujarat સરકારનો ચોંકાવનારો ખુલાસો, પેપર ફોડવાનું હતું હરિયાણાનું ને ફૂટી ગયું ગુજરાતનું, 3 દિવસથી ગુજરાત પોલીસ રેકી કરી રહી હતી
ગુજરાતમાં જાહેર પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટેનું સરકારી વિધેયક ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે લાવવામાં આવ્યું. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બિલ રજૂ કરતા સાથે જ બિનસચિવાલય પરીક્ષા પેપર લીક થવા અંગે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે ખરા અર્થમાં પેપર હરિયાણાની સરકારી પરીક્ષા ફોડવાનું હતું પરંતુ ભૂલથી ગુજરાતની પરીક્ષાનું ફૂટ્યું હતું.

ગુજરાતમાં જાહેર પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટેનું સરકારી વિધેયક ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે લાવવામાં આવ્યું. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બિલ રજૂ કરતા સાથે જ બિનસચિવાલય પરીક્ષા પેપર લીક થવા અંગે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે ખરા અર્થમાં પેપર હરિયાણાની સરકારી પરીક્ષા ફોડવાનું હતું પરંતુ ભૂલથી ગુજરાતની પરીક્ષાનું ફૂટ્યું હતું.
ભૂલથી ગુજરાતની પરીક્ષાનું પેપર ફૂટ્યું
15 મી વિધાનસભાના બીજા સત્રના પ્રથમ દિવસે જ રાજ્યમાં જાહેર પરીક્ષામાં થતી ગેરરીતિને રોકવા માટેનું વિધેયક રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રજૂ કર્યું. બિલ રજૂ કરતા હર્ષ સંઘવીએ સ્વીકાર કર્યો કે પેપર કેટલાક લેભાગુ લોકો પેપર ફોડી માલામાલ થવાની આસુરી વૃત્તિના કારણે ગેરકાયદે પ્રવૃત્તિ કરે છે. ખરા અર્થમાં પરીક્ષાનું પેપર નથી પરંતુ માણસ ફૂટે છે. સાથે જ હર્ષ સંઘવીએ પેપર ફૂટવાની ઘટનાને લઈ સ્પષ્ટતા કરી કે ખરા અર્થમાં પેપર હરિયાણા સરકારની પરીક્ષાનું ફોડવા માંગતા હતા. પરંતુ ભૂલથી ગુજરાતની પરીક્ષાનું પેપર ફૂટ્યું. જે જગ્યા પર પેપર છપાઈ ટ્રકમાં લોડ થઈ રહ્યા હતા.
ત્યાં ઉતાવળમાં સ્કેમરે પેપર કાઢી અને ફોટો પાડ્યો અને ત્યારબાદ જાણ થઈ કે ફોટો હરિયાણા સરકારની ભરતી માટેની પરીક્ષાનો નહીં પરંતુ ગુજરાત સરકારની પરીક્ષાના પેપરનો છે. અન્ય રાજ્યમાં પેપર ગયા બાદ ગુજરાત પહોંચ્યું હતું. ગુજરાત પોલીસ અને એટીએસને ત્રણ દિવસ પહેલા જ બાતમી મળી હતી કે પેપર આવી રહ્યું છે. એના જ કારણે તેમણે વિદ્યાર્થીઓને બેલ્ટમાં જીપીએસ પહેરાવી જે તે ટ્યુશન ક્લાસ સુધી મોકલ્યા હતા. જ્યાં પેપર આવતા જ તરત સ્કેમરને પકડી પાડવામાં આવ્યા હતા. સરકાર પેપરલીકની ઘટનાઓને લઈ ગંભીર છે અને એના જ કારણે કડક કાયદો લઈને આવ્યા છીએ. જેમાં કોઈપણ વ્યક્તિ કાયદાની છટકબારીનો ઉપયોગ કરી છૂટી ના શકે.
કોંગ્રેસે બિલ અંગે શું કહ્યું?
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ બિલ અંગે વાતચીત કરતા જણાવ્યું કે મોડા તો મોડા પરંતુ સરકાર બિલ લાવી એ બદલ એમનો આભાર. રાજ્યમાં પરીક્ષાના માત્ર પેપર નથી ફૂટતા પરંતુ વિદ્યાર્થીઓના નસીબ, ભવિષ્ય અને સપના તૂટે છે. માત્ર કાયદો નહીં પરંતુ અમલવારી કડક થાય એ અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. કાયદાની અમલવારી આગામી સમયથી નહીં પરંતુ 2014 બાદ 13 વાર પેપર ફૂટવાની ઘટનાઓ બની છે એના આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરીને કરવામાં આવે એવી માંગ છે.
કોંગ્રેસે બિલને ટેકો જાહેર કર્યો હતો. અર્જુન મોઢવાડિયા એ બિલમાં વિદ્યાર્થીઓને સજાની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો હતો. બિલમાં વિદ્યાર્થીઓ માટે બે વર્ષ સજા અને એક લાખના દંડની જોગવાઈ કરવામાં આવી તે અયોગ્ય છે. સરકારે કાર્યવાહી કરવી હોય તો પેપર ફોડનાર સામે કરવી જોઈએ. સરકાર સારા વ્યક્તિની નિમણુંક કરે તો પેપરલીક ની ઘટનાઓ ના બને. પરંતુ પેપર ફોડનારને જ બોર્ડના વડા બનાવતા હોવાથી ઘટનાઓ બની રહી છે.
આ પણ વાંચો : Gandhinagar : વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં, ગૃહ બહાર કોંગ્રેસના વિરોધ પ્રદર્શન