Narendra Modi Gujarat Visit: જન્મદિવસની ઉજવણીને લઈ વડાપ્રધાને લખ્યું કે ‘અમારા પરિવારમાં જન્મદિવસોની ઉજવણી કરવાની કોઈ પરંપરા નહોતી’

|

Jun 18, 2022 | 9:54 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના ચરણોને પાણીથી ધોઇને આશિષ મેળવ્યા હતા. માતા હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે. ત્યારે મોદી ખાસ માતાને મળવા ગુજરાત આવ્યા છે.

Narendra Modi Gujarat Visit: જન્મદિવસની ઉજવણીને લઈ વડાપ્રધાને લખ્યું કે અમારા પરિવારમાં જન્મદિવસોની ઉજવણી કરવાની કોઈ પરંપરા નહોતી
PM Narendra Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે ગુજરાતના પ્રવાસે(PM Gujarat Visit) છે ત્યારે તેઓ વહેલા સવારે માતા હિરાબાને જન્મદિવસ(Hira baa 100th Birthday)ની શૂભેચ્છા પાઠવવા માતા હિરાબાના નિવાસ્થાને પહોંચ્યા હતા અને તેમના આર્શીવાદ લીધા હતા. જેમાં તેમણે વહેલી સવારે માતા હીરાબાના જન્મદિવસે સમય ગાળ્યો હતો. અને, માતા હીરા બા સાથે તેઓએ થોડો વાર્તાલાપ કર્યો હતો. અને, તેઓ પલાઠી વાળીને માતા હીરા બા સાથે બેઠા હતા. માતાનું મિઠાઇથી મોંઢુ મીંઠું કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના ચરણોને પાણીથી ધોઇને આશિષ મેળવ્યા હતા. માતા હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે. ત્યારે મોદી ખાસ માતાને મળવા ગુજરાત આવ્યા છે.

વડાપ્રધાને પોતાના બ્લોગમાં લખ્યું કે, આજે હું બહુ ખુશ છું. મારી લાગણીને તમારી સાથે વહેંચતા વિશેષ આનંદ થાય છે કે, મારી માતા શ્રીમતી હીરાબા તેમના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. જો આજે મારા પિતા હયાત હોત, તો તેમણે પણ ગયા અઠવાડિયે તેમના 100મા જન્મદિવસની ઉજવણી કરી હોત. વર્ષ 2022 એક વિશેષ વર્ષ છે, કારણ કે મારી માતાનાં જીવનનું 100મું વર્ષ શરૂ થઈ રહ્યું છે અને મારા પિતાએ 100મું વર્ષ પૂર્ણ કર્યું હોત.

હજુ ગયા અઠવાડિયે મારા ભત્રીજાએ ગાંધીનગરથી માતાના થોડા વીડિયો શેર કર્યા હતા. સમાજમાંથી થોડાં યુવાનો ઘરે આવ્યાં હતાં, મારા પિતાનો ફોટોગ્રાફ ખુરશીમાં મૂક્યો હતો અને કિર્તન થયા હતા. આ સમયે મારી માતા મંજીરા વગાડતાં ભજનો ગાવામાં એકાકાર થઈ ગયા હતા. તેમની ઊર્જા અને ભક્તિભાવ હજુ અગાઉ જેવો જ છે – ઉંમરને લીધે શરીરને અસર થઈ છે, પણ તેઓ મનથી હજુ પણ સાબૂત છે, તેમનું મનોબળ હજુ પણ મક્કમ અને મજબૂત છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અગાઉ અમારા પરિવારમાં જન્મદિવસોની ઉજવણી કરવાની કોઈ પરંપરા નહોતી. જોકે યુવા પેઢીના બાળકોએ મારા પિતાના જન્મદિવસે તેમની યાદગીરીમાં 100 વૃક્ષોનું વાવેતર કર્યું હતું મને કોઈ શંકા નથી કે, મારા જીવનમાં જે કંઈ પણ સારું થયું છે, મારો જે વિકાસ થયો છે અને મારા ચરિત્રનું ઘડતર થયું છે, તે મારા માતાપિતાને આભારી છે. અત્યારે જ્યારે હું દિલ્હીમાં છું, ત્યારે મારાં મનમાં ભૂતકાળની યાદો તાજી થઈ રહી છે.

મારી માતા અસાધારણ હોવાની સાથે સરળ છે. અન્ય તમામ માતાઓ જેવી! જ્યારે હું મારી માતા વિશે લખી રહ્યો છું, ત્યારે મને ખાતરી છે કે, મારી માતા સાથે જોડાયેલી વાતો સાથે તમારામાંથી ઘણાંને તેમની માતા સાથે જોડાયેલી લાગશે. આ લેખની સાથે તમને કદાચ તમારી માતાની છબી પણ દેખાય એવું બની શકે.

કોઈ માતાનું તપ એક સારાં મનુષ્યનું સર્જન કરે છે. તેમની લાગણી બાળકમાં માનવીય મૂલ્યો અને સંવેદના જેવા ગુણો કેળવી શકે છે. એક માતા અલગ વ્યક્તિ કે જુદું વ્યક્તિત્વ નથી, માતૃત્વ એક ગુણ છે, એક ખાસિયત છે. ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે ઈશ્વરનું સર્જન તેમના ભક્તોની પ્રકૃતિ અનુસાર થાય છે. એ જ રીતે આપણે આપણી માતાઓ અને તેમનું માતૃત્વ આપણી પોતાની પ્રકૃતિ અને માનસિકતા અનુસાર અનુભવીએ છીએ.

મારી માતાનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે મારા વતન વડનગરની નિકટ છે. તેમને તેમની પોતાની માતાનો પ્રેમ મળ્યો નહોતો. નાની વયે તેમણે મારા નાનીને સ્પેનિશ ફ્લૂ મહામારીમાં ગુમાવી દીધા હતા. તેમને મારી નાનીનો ચહેરો પણ યાદ નથી. તેમની પાસે મારી નાનીમાના ખોળામાં પસાર થયેલી બાળપણની યાદો પણ નથી. મારા માતાએ તેમનું સંપૂર્ણ બાળપણ તેમની માતા વિના પસાર કર્યું હતું. આપણા બધાને જે લાડકોડ મળ્યાં છે, તેનો અનુભવ મારી માતા મેળવી શકી નહોતી. જેમ આપણે આપણી માતાના

ખોળામાં નિશ્ચિંત થઈને સૂતાં હતાં, તેમ મારી માતા તેમની માતાના ખોળામાં એ દૈવી અહેસાસ મેળવી શક્યાં નહોતાં. મારી માતા શાળામાં અભ્યાસ માટે પણ જઈ શક્યાં નહોતા એટલે સ્વભાવિક છે કે, તેમને લખતાં-વાચતાં આવડ્યું નથી. તેમનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું અને તમામ પ્રકારના સુખભોગ કે લાડકોડથી વંચિત રહ્યાં હતાં.

આજની સરખામણીમાં મારી માતાનું બાળપણ બહુ જટિલ સ્થિતિસંજોગોમાં પસાર થયું હતું. કદાચ, કુદરતે તેમની આ જ નિયતિ ઘડી હતી. મારા માતા પણ માને છે કે, ઈશ્વરને ગમ્યું એ ખરું. પણ પોતાની બાલ્યાવસ્થામાં માતાને ગુમાવવી, પોતાની માતાનો ચહેરો જોવાનું પણ નસીબમાં ન હોવું એ હકીકતનું આજે પણ તેમને દુઃખ છે.

આ પ્રકારના સંઘર્ષ અને જટિલ સ્થિતિસંજોગોને કારણે મારી માતાને બાળપણ માણવા મળ્યું જ નહોતું – તેમને ઉંમર કરતાં વધારે પરિપક્વ થવાની ફરજ પડી હતી. તેમના પરિવારમાં તેઓ સૌથી મોટું સંતાન હતાં અને લગ્ન પછી અમારા પરિવારમાં તેઓ સૌથી મોટી વહૂ બન્યાં હતાં. પોતાના બાળપણમાં તેમણે સંપૂર્ણ પરિવારની જવાબદારી ઉઠાવી હતી અને તમામ પ્રકારની કામગીરી સારી રીતે પાર પાડતાં શીખી ગયા હતા. લગ્ન પછી પણ તેમણે અમારા પરિવારમાં તમામ જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘણી જવાબદારીઓ અને રોજિંદા સંઘર્ષો હોવા છતાં મારી માતાએ ધીરજ અને મક્કમ મનોબળ સાથે સંપૂર્ણ પરિવારને એકતાંતણે જોડી રાખ્યો છે.

અમારું કુટુંબ વડનગરમાં એક નાનાં ઘરમાં રહેતું હતું, જેમાં એક બારી પણ નહોતી. શૌચાલય કે બાથરૂમ જેવી સુખસુવિધાની વાત જ કેવી રીતે થાય! અમે અમારા ઘરને એક-રૂમનું ટેનામેન્ટ કહેતાં હતાં, જેમાં માટીની દિવાલો હતી અને છત પર નળિયા હતાં. એવું હતું અમારું ઘર. તેમાં અમે બધા – મારા માતાપિતા, મારા ભાઈબહેનો અને હું રહેતાં હતાં.

મારા પિતાએ વાંસની લાકડીઓ અને લાકડાનાં પાટિયાઓમાંથી એક મચાન કે મંચ બનાવી દીધો હતો, જેથી મારી માતાને રસોઈ બનાવવામાં સરળતા રહેતી. આ અમારું રસોડું હતું. મારી માતા રાંધવા માટે તેના પર ચડી જતી અને આખો પરિવાર એના પર બેસીને એકસાથે જમતો હતો.
સામાન્ય રીતે, અછત કે અભાવ તણાવ જન્માવે છે. જોકે મારા માતાપિતા પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ જાળવી રાખવા રોજિંદા સંઘર્ષની ક્યારેય ચિંતા કરતાં નહોતાં. મારા માતાપિતાએ સમજીવિચારીને તેમની જવાબદારીઓ વહેંચી લીધી હતી અને તેમને પૂરી કરતાં હતાં.

જેમ ઘડિયાળ સતત આગળ ચાલે, તેમ મારા માતાપિતા તેમનું કર્તવ્ય અદા કરતાં મારા પિતા સવારે ચાર વાગ્યે કામ પર જવા નીકળી જતાં હતાં. તેમના પગલાંની છાપ પડોશીને કહેતી કે, સવારના ચાર વાગ્યા છે અને દામોદરકાકા કામ માટે ગયા છે. તેમનો અન્ય એક નિયમ હતો – પોતાની ચાની નાની કિટલી ખોલતાં અગાઉ ગામના મંદિરમાં દર્શન કરવા જવું.

માતા પણ એટલી જ ચીવટ ધરાવતાં હતાં. તેઓ પણ મારા પિતા સાથે જાગી જતાં હતાં અને સવારે જ ઘણા કામ પૂરાં કરતાં હતાં. અનાજ દળવાથી લઈને ચોખા અને દાળની ચાળવી – તેમાં તેમને કોઈની મદદ મળતી નહોતી. તેઓ કામ કરતાં જાય અને સાથે સાથે તેમના મનપસંદ ભજનો અને કિર્તનો ગણગણતા જાય. તેમને ગુજરાતના આદિ કવિ નરસિંહ મહેતાનું એક ભજન બહુ પ્રિય હતું – ‘જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.’ તેમને ‘શિવાજીનું હાલરડું’ પણ પસંદ હતું.

માતાએ ક્યારેય અપેક્ષા રાખી નહોતી કે, અમે, બાળકો અમારો અભ્યાસ પડતો મૂકીને તેમના ઘરકામમાં મદદ કરીએ. તેમણે અમને ક્યારેય મદદ કરવાનું કહ્યું પણ નહોતું. જોકે તેમને મહેનત કરતાં જોઈને અમે તેમને મદદ કરવાની અમારી ફરજ ગણતાં હતાં. મને અમારા ગામના તળાવમાં તરવાની બહુ મજા પડતી હતી. એટલે હું ઘરેથી બધા ગંદા કપડાં તળાવે લઈ જતો અને ત્યાં તેમને ધોતો. મારા માટે આ એક પંથ દો કાજ જેવું થઈ જતું – ઘરના કપડાં ધોવાઈ જતાં અને મારો તરવાનો શોખ પૂરો થતો.

Published On - 9:54 am, Sat, 18 June 22

Next Article