Gujarat માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંબાજી ખાતે કરાશે, 10,000 વૃક્ષો વવાશે
આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, નડિયાદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠાના ૮ જેટલા પવિત્ર યાત્રાધામ સ્થળોએ ખાસ ઝુંબેશ હાથ ધરી દરેક સ્થળે વૃક્ષારોપણ કરવાનું આયોજન છે
Gandhinagar: ગુજરાતના(Gujarat)પ્રવકતા મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું કે, 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની(World Environment Day) રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર અંબાજી(Ambaji) ખાતે કરાશે. કાર્યક્રમ દરમિયાન 10,000 જેટલા વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમ યોજશે. મંત્રી પટેલે ઉમેર્યું કે, આ ઉજવણીમાં અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, મોરબી, વલસાડ અને સુરત એમ 11 જિલ્લાઓમાં MISTHI કાર્યક્રમ હેઠળ મેન્ગ્રુવનું વાવેતર કરવામાં આવશે.
8 જેટલા પવિત્ર યાત્રાધામ સ્થળોએ ખાસ ઝુંબેશ
આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, નડિયાદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠાના ૮ જેટલા પવિત્ર યાત્રાધામ સ્થળોએ ખાસ ઝુંબેશ હાથ ધરી દરેક સ્થળે વૃક્ષારોપણ કરવાનું આયોજન છે. મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, અમરેલી, અરવલ્લી, ગાંધીનગર, છોટાઉદેપુર, ડાંગ, તાપી, દાહોદ, નર્મદા, પાટણ, પોરબંદર, મહિસાગર, મહેસાણા, રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગરની શાળાઓમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાશે.
પાંચ અલગ-અલગ સ્થળોએ વિશેષ ડોલ્ફિન શોનું પણ આયોજન
મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, ઓખા, પોશિત્રા, કાળુભાર, જામનગર અને નવલખી એમ પાંચ અલગ-અલગ સ્થળોએ વિશેષ ડોલ્ફિન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ ઉજવણી પ્રસંગે સંસદ સભ્યઓ, ધારાસભ્યોઓ, સ્થાનિક મહાનુભાવો, વિવિધ NGO,માછીમારો સહિત સ્વયંસેવકો સહભાગી થશે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો