ગુજરાત સરકારે સરકારી ઉત્સવોની જાહેરાત પાછળ ખર્ચ્યા કરોડો, ગૃહમાં TPથી લઇને પોલીસ કર્મીઓના યુનિફોર્મનો મુદ્દો ચર્ચાયો
Gandhinagar News : વિધાનસભામાં વિવિધ ખાતાઓના પ્રશ્નો આજે વિધાનસભા ગૃહમાં ગૂંજ્યા છે. જેમાં ખાસ કરીને ફિલ્મોને અપાયેલી સહાય, સબસિડી અને ગ્રાન્ટ અંગે તેમજ TP ની મંજૂરી અને દરખાસ્ત સાથે પોલીસ વિભાગના મુદાઓ ચર્ચાયા છે.
ગુજરાતમાં હાલ જયારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જે અંતર્ગત વિધાનસભામાં વિવિધ ખાતાઓના પ્રશ્નો આજે વિધાનસભા ગૃહમાં ગૂંજ્યા છે. જેમાં ખાસ કરીને ફિલ્મોને અપાયેલી સહાય, સબસિડી અને ગ્રાન્ટ અંગે તેમજ TP ની મંજૂરી અને દરખાસ્ત સાથે પોલીસ વિભાગના મુદાઓ ચર્ચાયા છે. જેમાં કસ્ટોડીયલ ડેથ અને તેમાં ભોગ બનનારના પરિવાર જનોને સહાય અંગેની પણ રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં પોલીસની ભરતી અંગેના મહત્વના કહી શકાય તેવા પ્રશ્નોની પણ ચર્ચાઓ કરવામાં આવી.
સરકારી ઉત્સવોની જાહેરાત પાછળ કરોડો ખર્ચાયા
તો સાથે જ ગૃહમાં સરકારી ઉત્સવોની જાહેરાત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. વર્ષ 2021માં રાજ્ય સરકારે ઉત્સવોની જાહેરાત પાછળ 4.30૦ કરોડનો ખર્ચ કર્યો હોવાનું જણાવ્યુ હતુ. વર્ષ 2023માં સરકારે જાહેરાત પાછળ 5.58 કરોડનો ખર્ચ કર્યો હોવાની માહિતી પણ આપવામાં આવી.
ફિલ્મ ક્ષેત્રને 2021ની સામે 2022માં અપાયેલી સહાયમાં ઘટાડો
ફિલ્મ જગતથી દરેક લોકો પરિચિત હોય છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોને સબસિડી આપવામાં આવતી હોય છે. ત્યારે વિધાનસભા ગૃહમાં ફિલ્મોની સબસિડીનો મુદ્દો ચર્ચાયો હતો. ધારાસભ્ય દિનેશ ઠાકોરે ફિલ્મોને લગતી સહાય અને સબસિડી અંગે વિવિધ સવાલો ઉઠાવ્યા હતા.
સરકાર દ્વારા આ સવાલોના જવાબમાં માહિતી આપવામાં આવી હતી કે 2022માં સરકારે ડિસેમ્બર 2021માં 53 ફિલ્મોને રૂપિયા 15.76 કરોડની સહાય ચૂકવી હતી. જેની સરખામણીમાં 2022માં ફક્ત 21 ફિલ્મોને 6.75 કરોડનીજ સહાય સરકારે ચૂકવી.
મહત્વનું છે કે કોઈ પણ ફિલ્મની સબસિડી માટે અરજી કરવાની હોય છે પરંતુ ગુજરાતી ફિલ્મ માટે 128 સબસિડી માટેની અરજીઑ પેન્ડિંગ છે. ત્યારે ડિસેમ્બર 2021માં 53 ફિલ્મોની 15 કરોડ 76 લાખ સબસીડી ચૂકવાઈ છે. ડિસેમ્બર 2022માં 21 ફિલ્મોની 6 કરોડ 75 લાખ જેટલી સબસીડી ચૂકવાઈ છે. જે 2021 ના સંદર્ભમાં અડધી પણ નથી.
TPની મંજૂરી અંગે પડતર દરખાસ્ત અંગે ચર્ચા
હાલમાં જ્યારે શહેર વિકાસની વાત આવે ત્યારે તંત્ર સક્રિય રહીને આ અંગે કામ કરતું હોય છે. જે મુદ્દે MLA અમૂલ ભટ્ટ દ્વારા TP સ્કીમ અંગે ગૃહમાં સવાલ કરાયા હતા. જે અંગે સરકારે જવાબ આપતા જણાવ્યું કે, અમદાવાદમાં 17 જેટલી TP મંજૂરી માટે સરકારમાં દરખાસ્ત માટે પડતર છે અને એક વર્ષમાં 21 TP સ્કીમને મજૂરી અપાઈ હોવાનું જણાવ્યું હતું.
ખાખીનો રંગ બદલવા વિચારણા
ખાખી પહેરવેશ એ પોલીસની ઓળખ માનવામાં આવે છે, ત્યારે આજની સભામાં પોલીસનો ડ્રેસ બદલવા ગૃહમાં પ્રશ્ન પુછાયો હતો. જેમાં પોલીસ કર્મચારીઓના યુનિફોર્મનો રંગ બદલવા અને પોલીસ અધિકારીઓનો યુનિફોર્મ પાયલોટ જેવો કરવા અંગે પ્રશ્ન પુછાયો હતો. જેનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ખાખી પોલીસનો યુનિફોર્મની સાથે તેમની ઓળખ પણ છે, પરંતુ જો સભ્યનું સૂચન છે તો સરકાર વિચારણા કરશે.
કસ્ટોડીયલ ડેથના આંકડા ગૃહમાં ગૂંજ્યા
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ કસ્ટોડીયલ ડેથના આંકડા અને તેમાં ભોગ બનનારના પરિવારોને સહાય અંગેના પ્રશ્નો કર્યા હતા. જે અંગે સરકારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 189 કસ્ટોડીયલ ડેથની ઘટના બની છે. જેમાં પોલીસ કસ્ટોડીયલ ડેથની 35 ઘટના બની છે. જ્યારે જેલ કસ્ટોડીયલ ડેથની 154 ઘટના થઈ હોવાનું જણાવ્યું હતું. કસ્ટોડીયલ ડેથની ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને 17 લાખની સહાય કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતુ.
પોલીસ ભરતી અંગે પણ થયો ખુલાસો.
ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઇ ઠાકોર દ્વારા ગૃહમાં પોલીસ દળમાં વિવિધ સંવર્ગ ભરતી અંગે પ્રશ્નો કરાયા હતા. ત્યારે સરકારે તેના જવાબમાં જણાવ્યું કે 2021માં પોલીસ દળમાં વિવિધ સંવર્ગની માત્ર 78 જગ્યાઓ જ ભરવામાં આવી હતી. તેની સામે વર્ષ 2022માં 11900 જગ્યાઓ ભરવામાં આવી છે. મહત્વનું છે કે આ ભરવામાં આવેલી જગ્યામાં સૌથી વધુ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 5212 જગ્યાઓ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસ.આર.પી.એફ.ની 4450 જગ્યાઓ હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદનું નામ બદલી કર્ણાવતી રાખવા પર દરખાસ્ત નહીં
આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના સવાલના જવાબમાં અમદાવાદ શહેરનું નામ બદલી કર્ણાવતી કરવા માટે રાજ્ય સરકારે ગૃહમાં કોઈ દરખાસ્ત જ ન કરી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. મહત્વનું છે કે ભાજપ, RSS અને તેની ભગિની સંસ્થા અમદાવાદ શહેરને હંમેશા કર્ણાવતી શહેર તરીકે ઉલ્લેખિત કરે છે.