Gandhinagar: એક લાયસન્સ કઢાવવામાં સામાન્ય વ્યક્તિને આંખે તારા દેખાઈ જાય છે. વિવિધ નિયમોની માયાજાળ અને કાયદાની આંટીઘૂંટીના ચક્રવ્યુહને વિંધી સામાન્ય વ્યક્તિ માંડ એક લાયસન્સ મેળવી શકે છે ત્યારે જ્યાંથી સમગ્ર રાજ્યનું સંચાલન થાય છે એ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં RTO કચેરીનું મસમોટુ કૌભાંડ સામે આવ્યુ છે.
આ કૌભાંડમાં કોઈ કરાર આધારીત કર્મચારી દ્નારા નહીં પરંતુ ખુદ RTO ઈન્સપેક્ટરની પોસ્ટ પર ફરજ બજાવી રહેલા 2 અધિકારી દ્વારા આચરવામાં આવ્યુ છે. સામાન્ય લોકોને પરસેવો પડાવી લાયસન્સ ઈશ્યુ કરનાર ગાંધીનગર RTO એ એકસામટા 2 હજારથી વધુ બોગસ લાયસન્સ બનાવી દીધા જેમા 484 અરજી તદ્દન ખોટી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ વ્યક્તિઓએ કોઈ ટેસ્ટ જ આપી નથી અને તેમના ઘરે લાયસન્સ ઈશ્યુ પણ થઈ ગયા છે. આટલા મોટા પાયે ગાંધીનગર RTOમાંથી ગોઠવણ કરી દેવામાં આવી.
ગાંધીનગર RTOમાં ફકજ બજાવતા ઈન્સપેક્ટર સમીર રતન ધારિયા અને જયદીપસિંહ ઝાલા સહિત બે એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. RTO અધિકારીઓએ સરકારી રેકર્ડમાં છેડછાડ કરી ટેસ્ટ વગર લાયસન્સ ઈશ્યુ કર્યા હોવાનો સાયબર ક્રાઈમ બ્રાંચની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ સરકારી રેકર્ડમાં છેડછાડ બદલ RTO ઈન્સપેક્ટર સામે 409ની કલમ ઉમેરી તપાસ હાથ ધરાઈ છે. સાયબર ક્રાઈમની ટીમ જ્યારે તપાસ માટે ગઈ ત્યારે તેમને અધિકારીઓના રજિસ્ટ્રેશનમાં હાજરીના પુરાવા મળ્યા ન હતા. આ ઉપરાંત લાયસન્સ માટે અરજી અને તેના ડ્રાઈવિંગના વીડિયોના પુરાવા પણ મળ્યા નથી. આ પ્રકારે 500થી વધુ લોકોને વગર ટેસ્ટે લાયસન્ય ઈશ્યુ કરી દેવાયા છે. આ પ્રકારનું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલતુ હોવાનુ પણ તપાસમાં ખૂલ્યુ છે.
લાયસન્સ કૌભાંડમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યુ કે RTO અધિકારીની મિલિભગતથી જ આ કૌભાંડ ચાલતુ હતુ. પોલીસને મળેલી 9 જેટલી લાયસન્સ માટેની અરજીમાં મોટા ભાગના લાયસન્સમાં IP એડ્રેસ RTOની બહારના હોવાનું સામે આવ્યુ છે. લાયસન્સ માટે આવતી અરજીને મંજૂર કરવા માટેનો પાસવર્ડ માત્ર RTOના અધિકૃત અધિકારી પાસે જ હોય છે. છતા પકડાયેલા બંને RTO અધિકારીએ એજન્ટને આઈડી પાસવર્ડ આપ્યો હતો.
આ રેકેટની તપાસ દરમ્યાન RTOમા ચાલતા ગોરખધંધાનો પ્રર્દાફાશ થયો. ત્યારે વર્ષ 2021 થી 2022 સુધી ગાંધીનગર RTO રજિસ્ટ્રાર લાઇસન્સ ડેટા ગાયબ થઈ ગયા છે. જે ડેટાનો બેકઅપ લઈ RTO અધિકારીએ સ્ટોર કરવાનો હોય છે પણ કચેરી માંથી ડેટા ન મળી આવતા અનેક RTO ના અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે. એટલું જ નહીં ગાંધીનગર, બાવળા,વસ્ત્રાલ કે અમદાવાદ ખાતે અરજીઓ લેવામાં આવેલ ન હોય તેમ છતાં સારથી પોર્ટલ ઉપર તે ડેટા જનરેટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Gandhinagar: ટ્રેક ટેસ્ટ આપ્યા વગર RTO અધિકારીઓની મિલીભગતથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ, સાયબર ક્રાઈમના દરોડામાં ખુલાસો
ગાંધીનગરમા RTO કચેરીમા ટેસ્ટ વગર ગેરકાયદે ઈસ્યુ થતા લાયસન્સમા હજુ પણ અનેક લોકોની સંડોવણી ખુલી છે. હાલમા સાયબર ક્રાઈમે 500 થી વધુ શંકાસ્પદ અરજીઓને લઈને તપાસ શરૂ કરી છે. આ અરજદારોની પણ કોઈ શંકાસ્પદ ભૂમિકા સામે આવશે તો તેમની વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહીને લઈને તપાસ હાથ ધરાઈ છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:16 pm, Fri, 11 August 23