અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી સમયે મેક્સિકો બોર્ડર પર કલોલના છત્રાલમાં રહેતા બ્રિજકુમાર યાદવનનું મોતનો થવાના મામલામાં સરકાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર કેસમાં મામલતદાર કચેરીની તપાસ ટીમે પરિવારજનોના નિવેદન લીધા છે. ત્યારે હવે પરિવારે બ્રિજકુમાર યાદવનનો મૃતદેહ તેમજ પત્ની અને પુત્રને પરત લાવવા માગ કરી છે. તો આ અંગે અધિક કલેક્ટરે પણ માહિતી આપી છે કે, મૃતક મૂળ ગુજરાતના વતની નહોતા. તેઓ ઉત્તરપ્રદેશના વતની હતા. પણ તેઓ ગુજરાતના વતની હશે તેવુ માનીને પ્રાયમરી તપાસ કરવામાં આવી હતી. તેમને આપણે શું મદદ કરી શકીએ તે હેતુથી આ તપાસ કરવામાં આવી હતી.
મેક્સિકો બોર્ડર પર કલોલના છત્રાલમાં રહેતા બ્રિજકુમાર યાદવનનું મોત થયું છે. મૂળ ઉત્તરપ્રદેશનો 36 વર્ષીય બ્રિજકુમાર પરિવાર સાથે છત્રાલમાં આવેલી ગેલેક્સી સોસાયટીમાં રહેતો હતો. પરિવારમાં માતા-પિતા, ભાઈ-ભાભી અને ભત્રીજો હતા. સાથે તે તેની પત્ની પૂજા અને પુત્ર રહેતા હતા. તેના પરિવારજનોના કહેવા પ્રમાણે, પૈસે-ટકે પરિવારને કોઈ ખોટ નહોતી. તે ગત 18 નવેમ્બરે ફરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. છેલ્લે 17 ડિસેમ્બરના રોજ પત્ની પૂજાનો ફોન આવ્યો હતો કે બ્રિજને હાર્ટએટેક આવવાથી મૃત્યું થયું છે. જે બાદ પરિવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ સંપર્ક ન થતા પરિવાર આઘાતમાં હતો. બ્રિજકુમાર કલોલ GIDCની એક કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે પિતા દક્ષિણી પ્રસાદ BSNL કંપનીના રિટાયર્ડ કર્મચારી છે. સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતના વધુ એક યુવકે વિદેશની ધરતી પર જીવ ગુમાવ્યો છે. ડીંગુચાના પરિવાર સાથે ઘટેલી ઘટના બાદ શીખ લેવાને બદલે વિદેશ જવાની ઘેલછાએ એક 36 વર્ષીય યુવકને મોતના મુખમાં ધકેલી દીધો. મેક્સિકો બોર્ડર પર તિજુઆનાની છે. જ્યાં ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા જતા કલોલના બ્રિજકુમાર દક્ષિણીપ્રસાદ યાદવ નામના 36 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. મેક્સિકોની હદમાં દિવાલ પરથી નીચે પટકાતા તેનો જીવ ગયો છે. ગેરકાયદે અમેરિકામાં ઘુસણખોરી કરવા માટે બ્રિજકુમારે સેન ડીએગો બાજુની બોર્ડર કુદવાની હતી. તેમની સાથે આશરે 40 લોકો હતા જેઓ આજ રીતે 30 ફૂટની દીવાલ કુદી અમેરિકામાં પ્રવેશવાના હતા. 30 જેટલા વ્યક્તિઓ તો દીવાલ કુદી ચૂક્યા હતા. પરંતુ બ્રિજકુમાર તેના પરિવાર સાથે દીવાલ કુદવા જતા નીચે પટકાયા હતા અને મોત થયું હતુ. જ્યારે તેની 34 વર્ષીય પત્ની પૂજા અને બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે મેક્સિકોની હોસ્પિટલમાં લઈ જવાયા છે.
અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરાવવાની આ ઘટનામાં કેતુલ નામના એજન્ટનું નામ સામે આવ્યું છે. કેતુલ નામના એજન્ટ સાથે ડીલ કરીને તેઓએ ગેરકાયદે અમેરિકા જવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે કેતુલ અને અન્ય 2 શખ્સો વિદેશ મોકલવાનું રેકેટ ચલાવતા હતા. વિદેશ જવા ઈચ્છતા લોકો તેનો સંપર્ક કરતા હતા. તેઓ પરિવાર સાથે અમેરિકા જવાના 1.25 કરોડ વસૂલતા હતા અને ભારતથી વાયા મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા હતા.. ઘટનામાં સામેલ એજન્ટ કેતુલ સહિત અન્ય 2 સાગરિત ફરાર છે.. કેતુલ જે પાન પાર્લર પર બેસતો હતો તે પણ બે દિવસથી બંધ છે.