નારાયણી નમોસ્તુતે : વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ મુખ્યપ્રધાનના હસ્તે રાજ્યની 18 મહિલાઓનું સન્માન, જાણો આ વિશિષ્ટ મહિલાઓ વિશે

TV9 GUJARATI

|

Updated on: Oct 14, 2021 | 5:46 PM

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવરાત્રીના નાવમાં નોરતે રાજ્યની 18 મહિલાઓનું સન્માન કર્યું, જેમણે વિવિધ ક્ષેત્રમાં આગવું યોગદાન આપ્યું છે.

નારાયણી નમોસ્તુતે : વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ મુખ્યપ્રધાનના હસ્તે રાજ્યની 18 મહિલાઓનું સન્માન, જાણો આ વિશિષ્ટ મહિલાઓ વિશે
CM Bhupendra Patel honored 18 women of the state for their outstanding contribution in various fields

GANDHINAGAR : આજે 14 ઓકટોબર અને નવરાત્રીના નાવમાં નોરતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ રાજ્યની 18 મહિલાઓનું સન્માન કર્યું. ‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમ હેઠળ આ 18 નારીશક્તિનું સન્માન કરવામાં આવ્યું તેમાં ભાવીના પટેલ, શ્વેતા પરમાર, મૈત્રી પટેલ, પાબીબેન રબારી, મિત્તલ પટેલ , હીનાબેન વેલાણી, ડો.ધરા કાપડિયા, પ્રેમીલાબેન તડવી, રૈયા તપિયા, શોભનાબેન શાહ, રસીલાવબેન પંડ્યા, અદિતી રાવલ, ડો.નીલમ તડવી, સ્તુતિ કારાણી, માનસી પી . કારાણી, પાર્મીબેન દેસાઇ, ભારતીબેન રામદેવ ખૂંટી અને દેમાબેન ચૌધરીનો સમાવેશ થાય છે. જાણો આ વિશિષ્ટ મહિલાઓના યોગદાન વિશે.

1) ભાવિના પટેલ – મહેસાણા : મહેસાણાની ભાવિના પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવીને ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે . તેમની મહેનતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અન્ય ખેલાડીઓ અને દેશની યુવતીઓ માટે એક પ્રેરણા ગણાવીને બિરદાવી હતી. ભાવિના છેલ્લાં 20 વર્ષથી ટેબલ ટેનિસની રમતમાં તનતોડ મહેનત કરી છે જેના લીધે આ જવલંત સફળતા મળી છે.

2) શ્વેતા પરમાર – વડોદરા : ગુજરાતના પ્રથમ અને દેશના ચોથા મહિલા સ્કાય ડાઇવર શ્વેતા પરમારે હજારો ફૂટ ઉંચાઇએથી કૂદીને સાહસનો અદ્ભુત પરિચય આપ્યો છે . તેઓ સ્પેનમાં 29 , દુબઇમાં 3 અને રશિયામાં 15 જમ્પ કરી ચૂક્યા છે . હવે સરકાર તરફથી જો મંજૂરી મળે તો તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી કૂવાની ઇચ્છા છે.

3) મૈત્રી પટેલ – સુરત : અમેરિકામાં પ્રશિક્ષણ મેળવીને ૧૯ વર્ષની વયે એક કમર્શિયલ પાયલટ બન્યા છે . 18 માસની તાલીમ ફક્ત 11 મહિનામાં પૂરી કરીને સૌથી નાની ઉંમરના પાયલટ બનવાની સિદ્ધિ મેળવી છે . તેઓ એક ખેડૂતના પુત્રી છે અને પોતાની મહેનત અને લગનથી ઉડ્ડયન ક્ષેત્રે સફળતા મેળવી છે.

4) પાબીબેન રબારી – કચ્છ : કચ્છી મહિલા એન્ટરપ્રેન્યોર પાબીબેન રબારીએ કચ્છી ભરતકામને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરાવી . પોતાના ગામની મહિલાઓને રોજગારી આપે છે . અભિતાભ બચ્ચનના પ્રખ્યાત ગેમ શોની 12 મી સીઝનમાં કર્મવીર શ્રૃંખલામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

5) ડો.ધરા કાપડિયા – અમદાવાદ : અમદાવાદના જાણીતા મહિલા એન્ટરપ્રેન્યોર છે , જેમણે નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. હાલ તેઓ મેંગો જંક્શન નામની સ્વીટ શોપ ચલાવે છે , જે ખૂબ જ પોપ્યુલર બની છે.

6) પ્રેમિલાબેન તડવી – SOU : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહિલા સ્વસહાય જૂથના પ્રમુખ તરીકે કાર્યરત છે . આરોગ્ય વનમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ્સમાં વિવિધ મહિલાઓ જે કામ કરી રહી છે , તેમનું નેતૃત્વ કરી રહ્યાં છે.

7) મિત્તલ પટેલ – અમદાવાદ : વિચરતી જાતિઓ જેવી કે વાદી સમાજ , વણઝારાઓ વગેરેના ઉત્થાન માટે કાર્ય કર્યું છે. ખાસ કરીને આવી જાતિઓને ઓળખપત્ર મળે અને તેઓ સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવીને સમાજની મુખ્યધારામાં સમાવિષ્ટ થઈ શકે તે માટે કાર્યરત છે.

8) હીનાબેન વેલાણી : કોરોના દરમિયાન મૃત્યુ પામેલાં દર્દીઓની અંતિમવિધિ કરાવીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

9) દુરૈયા તપિયા – સુરત : કોરોનાકાળ દરમિયાન દેશવ્યાપી ટ્રક રાઇડ દ્વારા ગામના લોકોને માસ્ક , સેનિટાઇઝરનું વિતરણ કર્યું અને સમાજમાં એક સશક્ત મહિલા અને સમાજસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.

10) શોભના સપન શાહ : દીવ્યાંગ સમાજસેવિકા જે સમાજમાં હકારાત્મક અભિગમ માટે જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે. વ્યસનમુક્તિ સલાહ કેન્દ્રમાં સલાહકાર રહ્યાં , ક્રયોન ફાઉન્ડેશનની સ્થાપના કરી , દર્દીઓને ટિફીન, ગરીબ બાળકોને સ્કૂલબેગ , શ્રમજીવી મહિલાઓને દવા આપવા સહિતની કામગીરી કરી , અત્યારે પાંચેક વર્ષથી વિનામૂલ્યે લોકોનું કાઉન્સેલિંગ કરી રહ્યાં છે.

11) રસીલાબેન પંડ્યા : વિવિધ યુવા , મહિલા પ્રવૃત્તિઓ, પર્યાવરણ, કુપોષણ , ભ્રૂણહત્યા, કાયદાકીય જાગૃતિ, સ્પોર્ટ્સ અને એડવેન્ચર્સ સેમિનાર, સામાજિક કાર્યો વગેરેમાં હંમેશાં કાર્યરત. ગરીબ બાળકોના ઉત્થાન માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.

12) અદિતિ રાવલ – અમદાવાદ : જાણીતા RJ, યુટ્યુબર , ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમો અને પર્યટન સ્થળો વિશે સોશિયલ મીડિયામાં રજૂઆત કરતા રહે છે.

13) ડો.નિલમ તડવી – SOU : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેડિયો જોકી ગ્રુપના એક સભ્ય છે. તેઓ પોતાના લિસનર્સ સાથે રેડિયો પર સંસ્કૃત ભાષામાં વાત કરે છે અને તેઓ કેવડિયામાં સંસ્કૃત ભાષાનું માન વધારવામાં પ્રવૃત્ત છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ રેડિયો પ્રોગ્રામમાં તેમના ગ્રુપનો અને નામનો ઉલ્લેખ કર્યો હતો.

14) સ્તુતિ કારાણી – કચ્છ : તેઓ સંગીત પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને ઓલ ઇન્ડિયા રેડિયોમાં ક્વૉલિફાઇડ આર્ટિસ્ટ છે . તેઓ રાષ્ટ્રીય કક્ષાએ ઘણા પુરસ્કારો મેળવી ચૂક્યા છે તેમજ ધણા ટીવી શો તેમજ ફિલ્મોમાં પ્લેબેક કરી ચૂક્યા છે . ભારત સિવાય તેમણે વિદેશોમાં પણ તેમની ગાયકી રજૂ કરી છે . તેઓ ‘કચ્છની કોયલ’ તરીકે પણ જાણીતા છે.

15) માનસી પી. કારાણી : તેમણે ભરતનાટ્યમ તેમજ યોગના ક્ષેત્રે સફળતા મેળવી છે. તે સિવાય જીમ્નાસ્ટીક અને ભારતની પરંપરાગત માર્શલ આર્ટ્સ કલારિપટ્ટની તાલીમ મેળવેલ છે.

16) પાર્મીબેન દેસાઈ – અમદાવાદ : લેખિકા , એન્કર , ઓરેટર . મુખ્યત્વે ટૂંકી વાર્તા , માઇક્રોફિક્શન અને અછાંદસ લેખનમાં પ્રવૃત્ત છે. અછાંદસ માટે રાજ્ય કક્ષાએ તથા ટૂંકી વાર્તા માટે રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કૃત છે. તેઓ સ્વલિખિત ટૂંકી વાર્તાઓ તેમ જ સમાજ ઉપયોગી આર્ટિકલ્સ પોતાનાજ અવાજમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વહેતા કરે છે જે ખૂબ લોકચાહના પામે છે . પબ્લિક સ્પીકર તરીકે પણ તેઓ અનુભવી છે.

17) ભારતીબેન રામદેવ ખુંટી – પોરબંદર : કૃષિ અને પશુપાલન લંડનની નોકરી છોડી ખેતી કરે છે. ગામડામાં ખેતી કરીને લોકો સમક્ષ આત્મનિર્ભર મહિલાનું ઉદાહરણ સ્થાપિત કર્યું.

18) દેમાબેન ચૌધરી : રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર દ્વારા સન્માનિત , દૂધ માટે બોટલિંગ મશીન વસાવ્યું છે, પ્રાકૃતિક ખેતી કરે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati