CM ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ, 2022ના જંગમાં ભવ્ય જીતના લક્ષ્યાંક સાથે કામ કરતી સરકાર સામે શાખ બચાવવાનો પડકાર
રૂપાણી સરકારમાં અધિકારી રાજનો આરોપ હતો જે દૂર કરવા સરકારના મંત્રીઓએ પ્રયાસ કર્યા પણ નીચલા કે ઉપલા સ્તરે અધિકારીઓની બદલી કર્યા વગર એ મેસેજ ન આપી શકાયો. હજુ પણ સરકારમાં એ જ અધિકારીઓ એ જ જગ્યા/વિભાગમાં કામ કરી રહ્યા છે જે રૂપાણી સરકારમાં કરી રહ્યા હતા.
13 સપ્ટેમ્બર 2021એ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાને ભુપેન્દ્ર પટેલની સરકારને આજે 100 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે. રૂપાણી સરકાર સામે કોરોનાકાળની નારાજગી દૂર કરવા ભાજપે મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ બદલી નાખ્યું અને લોકો માટે સચિવાલયના દરવાજા ખોલી નાખ્યા. શરૂઆતમાં નવા મંત્રીઓને મળવા અને ફોટો પડાવવા કાર્યકરોનો ધસારો રહ્યો જે ધીમે ધીમે ઘટ્યો.
જોકે નવી સરકારમાં ધારાસભ્યો અને કાર્યકરોની રજૂઆતનો વહેલી તકે ઉકેલ આવતો હોવાનો દાવો પક્ષમાં થઈ રહ્યો છે. 100 દિવસમાં ભુપેન્દ્ર પટેલ સરકારે ભલે કોઈ મોટી યોજનાની જાહેરાત ન કરી હોય પણ મહત્વના નિર્ણયો કરીને સામાન્ય પ્રજાને રાહત આપવાનું કામ ચોક્કસ કર્યું છે. અતિવૃષ્ટિમાં રાહત પેકેજની વાત હોય કે રાહતની સહાય વધારવાની વાત હોય, સરકારે પ્રજાલક્ષી નિર્ણયો ચોક્કસ લીધા છે. એ જ રીતે યુવાનોને બચાવવા ડ્રગ્સ મામલે કડક વલણ રાખીને કરોડો નું ડ્રગ્સ પણ પકડ્યું છે.
“જો કે સરકારના કેટલાક નિર્ણયોની સારી જાહેરાત તો થઈ પણ પૂરતો અમલ ન થઈ શક્યો. ” સરકારી નોકરી કરતા પતિ-પત્નીને એક જિલ્લા કે સ્થળે બદલીની જાહેરાત કરી પણ વધુ અરજીઓ આવી જતા તમામને ન્યાય ન આપી શક્યા. આવો જ મુદ્દો રહ્યો રખડતા ઢોર અને ભિક્ષુકોનો, સરકારે મનપા તંત્રોને આદેશ તો કર્યા પણ ન રખડતા ઢોર દૂર થયા કે ન તમામ ભિક્ષુકો. જોકે વડોદરા અને સુરત મનપાએ આ બંને મામલે સારી કામગીરી કરી હોવાનો મંત્રીઓ દાવો કરી રહ્યા છે.
ભૂપેન્દ્ર પટેલની સરકારની છબી પર સવાલો
ગૌણ સેવા પેપરલીક
ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક મામલે સરકારે ભલે આરોપીઓની ધરપકડ કરી પણ સરકારની છબી પર છાંટા ઉડ્યા છે જે ફક્ત પરીક્ષા રદ કરવા કે નવી પરીક્ષા યોજવાથી દૂર નહિ થાય.
અધિકારી રાજનો વિવાદ
રૂપાણી સરકારમાં અધિકારી રાજનો આરોપ હતો જે દૂર કરવા સરકારના મંત્રીઓએ પ્રયાસ કર્યા પણ નીચલા કે ઉપલા સ્તરે અધિકારીઓની બદલી કર્યા વગર એ મેસેજ ન આપી શકાયો. હજુ પણ સરકારમાં એ જ અધિકારીઓ એ જ જગ્યા/વિભાગમાં કામ કરી રહ્યા છે જે રૂપાણી સરકારમાં કરી રહ્યા હતા.
ભરતી પ્રક્રિયાની આશ
ભુપેન્દ્ર પટેલ સરકારે ગૃહ વિભાગમાં તો હજારો ભરતીઓની જાહેરાત કરી દીધી અને પ્રક્રિયા પણ શરૂ કરી દીધી. ઉમેદવારોની શારીરિક કસોટીઓ પણ શરૂ થઈ ગઈ પરંતુ શિક્ષણ વિભાગમાં ટેટ, ટાટ પાસ હજારો ઉમેદવારો હજુ પણ ભરતી પ્રક્રિયાની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. આવી અનેક જગ્યાઓ ખાલી છે પણ હજુ ભરતી જાહેર થઈ નથી.
ડ્રગ્સ મામલે ગૃહવિભાગની નક્કર કામગીરી
છેલ્લા 3 મહિનામાં પોલીસે ગુજરાતમાં અને ગુજરાતની દરિયાઈ સીમામાં કરોડોનું ડ્રગ્સ પકડીને રેકેટનો પર્દાફાશ કર્યો. સાથે જ પાકિસ્તાનની ડ્રગ્સ લાવનાર રેકેટ સુધી પણ પોલીસ પહોંચી. ગૃહરાજ્યમંત્રીએ ડ્રગ્સ મામલે આ અભિયાન સતત ચાલુ રાખવા પર જોર મૂક્યું છે એટલે આગામી દિવસોમાં પણ વધુ ડ્રગ્સ પકડાય તો નવાઈ નહિ.
મુખ્યમંત્રી સામેના પડકારો
દાદાના હુલામણા નામે ઓળખાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્વભાવ અને કર્મથી ખૂબ સાલસ છે. કોઈના પણ પ્રત્યે નારાજગી કે ઠપકો આપવાની વાતથી હજુ સુધી તેઓ દૂર રહ્યા છે ત્યારે સરકાર ચલાવવા માટે તેઓ કડક હાથે કામ લે તેવો ગણગણાટ પણ થઈ રહ્યો છે કારણકે કેબિનેટ મિટિંગમાં સિનિયર મંત્રીઓ પ્રોટોકોલ ન જાળવતા હોવાની અનેક ફરિયાદો થઈ છે તો બીજી તરફ સિનિયર આઈએએસ અધિકારીઓનું શીત યુદ્ધ સરકારની કામગીરી ખોરંભે ચડાવી રહ્યાની પણ વાત બહાર આવી રહી છે. ત્યાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટ બાદ મુખ્યમંત્રીએ કેટલાક મોટા નિર્ણયો લેવા પડશે.
સામાન્ય રીતે નવી બનતી સરકાર 100 દિવસમાં મોટા નિર્ણયો લઈને પ્રજાને રાહત આપતી હોય છે. પણ આ સરકારમાં નવી જાહેરાતો કરવાના બદલે અધૂરા કામ પુરા કરવા પર જોર લગાવાયું છે. પેટ્રોલ-ડિઝલમાં વેટ ઘટાડીને દીવાળી સમયે પ્રજાને રાહત આપી હતી અને પ્રજાની માગ પ્રમાણે કોરોના ગાઈડલાઈન માં પણ વધુ છૂટછાટ આપી હતી. આગામી દિવસોમા બજેટ આવી રહ્યું છે ત્યારે તેમાં આ સરકારની નવી દિશા અને કામગીરીની છાપ દેખાશે. આગામી વર્ષના અંતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં મિશન 182ને સાકાર કરવા માટે ભુપેન્દ્ર પટેલ સરકારે પ્રજાલક્ષી નિર્ણયો લેવા સાથે રાજકીય મોરચે પણ વિપક્ષને કાબુમાં રાખવો પડશે.