કોણ બનશે ડાર્ક હોર્સ… ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પહેલા ગુજરાતને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ, રેસમાં કોણ આગળ ? નામ જાણવા જુઓ Video

ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં મોટા ફેરફારોની તૈયારીમાં છે. 16 જુલાઈ પહેલાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત સાથે, ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ પણ મળી શકે છે. જેમાં અનેક નેતાઓના નામ ચર્ચામાં છે.

કોણ બનશે ડાર્ક હોર્સ... ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પહેલા ગુજરાતને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ, રેસમાં કોણ આગળ ? નામ જાણવા જુઓ Video
| Edited By: | Updated on: Jul 01, 2025 | 7:06 PM

ભારતીય જનતા પાર્ટીમાં મોટા બદલાવની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી 16 જુલાઈ પહેલાં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે, પરંતુ તેના પહેલા ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. ભાજપ માટે ગુજરાત મહત્વપૂર્ણ રાજકીય રાજ્ય છે, અને તેથી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પહેલાં અહીંનું સંગઠન મજબૂત બનાવવાનો પ્રયાસ શરૂ થયો છે. 5 થી 11 જુલાઈ વચ્ચે રાજ્ય ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની શક્યતા છે, એવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાત.. પ્રમુખ કોનો ?

નવી પસંદગીને લઈને ચારથી પાંચ નામોની ચર્ચા ચાલી રહી છે, જેમાં જીતુ વાઘાણી, દેવુસિંહ ચૌહાણ, મયંક નાયક અને જગદીશ પંચાલ જેવા નેતાઓ અગ્રસરે છે. જીતુ વાઘાણી અગાઉ પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને પાટીદાર તથા સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી આવતાં હોવાને કારણે તેઓનું નામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, મધ્ય ગુજરાતમાંથી દેવુસિંહ ચૌહાણ અને ઉત્તર ગુજરાત તરફથી મયંક નાયક જેવા ચહેરાઓ પણ પાર્ટીની જાતિગત તથા ભૂમિગત બેલેન્સ સાધવા માટે ચિંતન ચાલી રહ્યું છે.

વિજય રૂપાણીના અવસાન બાદ ગુજરાતમાં નેતૃત્વ શૂન્યતા !

વિશ્લેષકોના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર ઝોનને અત્યાર સુધી સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને પાટીદાર નેતાઓએ રાજ્ય ભાજપના સંગઠન પર લાંબા સમય સુધી દબદબો જાળવ્યો છે. હવે જોવાનું એ છે કે શું પાર્ટી જૂની જ પેટર્ન પર આગળ વધશે કે પછી નવા સમીકરણો સાથે નવી વૃત્તિ અપનાવશે. મહત્વપૂર્ણ વાત એ છે કે તાજેતરમાં વિજય રૂપાણીના અવસાન બાદ ગુજરાતમાં નેતૃત્વ શૂન્યતા જોવા મળી છે, જેના કારણે રાષ્ટ્રીય નેતૃત્વ પણ રાજ્ય પર વધુ ધ્યાન આપી રહ્યું છે. આવા સંજોગોમાં, આ વખતે કોઈ ‘ડાર્ક હોર્સ’ ચહેરો પણ પ્રદેશ પ્રમુખ તરીકે ઊભરી શકે છે.

આ તમામ ઘટનાઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ પહેલાંના મહત્વપૂર્ણ રાજકીય સંકેતો તરીકે જોવામાં આવી રહી છે. આમ, રાજ્યના સંગઠનાત્મક બળને વધુ મજબૂત બનાવીને રાષ્ટ્રીય રાજકારણમાં તેની અસરકારક ભુમિકા નિભાવવા માટે ભાજપ અત્યારથી જ રણનીતિ રચી રહ્યો છે.

ગુજરાત ભાજપમા અત્યાર સુધી કોણ રહ્યા છે પ્રદેશ પ્રમુખ.. શું હતા સમીકરણ ?

ક્રમાંક નામ કાર્યકાળ વિસ્તાર / ઝોન
1 કેશુભાઈ પટેલ 1980 – 1983 (3 વર્ષ) રાજકોટ, સૌરાષ્ટ્ર ઝોન
2 મકરંદ દેસાઈ 1983 – 1985 (2 વર્ષ) વડોદરા, મધ્ય ઝોન
3 ડો. એ.કે. પટેલ 1985 – 1986 (1 વર્ષ) મહેસાણા, ઉત્તર ઝોન
4 શંકરસિંહ વાઘેલા 1986 – 1991 (5 વર્ષ) ગાંધીનગર
5 કાશીરામ રાણા 1991 – 1996 (5 વર્ષ) સુરત, દક્ષિણ ગુજરાત
6 વજુભાઇ વાળા 1996 – 1998 (2 વર્ષ) રાજકોટ, સૌરાષ્ટ્ર ઝોન
7 રાજેન્દ્રસિંહ રાણા 1998 – 2005 (7 વર્ષ) ભાવનગર, સૌરાષ્ટ્ર ઝોન
8 વજુભાઇ વાળા 2005 – 2006 (દોઢ વર્ષ) રાજકોટ, સૌરાષ્ટ્ર ઝોન
9 પરષોત્તમ રૂપાલા 2006 – 2010 (4 વર્ષ) અમરેલી, સૌરાષ્ટ્ર ઝોન
10 આર.સી. ફળદુ 2010 – 2016 (6 વર્ષ) રાજકોટ, સૌરાષ્ટ્ર ઝોન
11 વિજય રૂપાણી ફેબ્રુઆરી 2016 – ઓગસ્ટ 2016 (6 મહિના) રાજકોટ, સૌરાષ્ટ્ર ઝોન
12 જીતુ વાઘાણી 2016 – 2020 (4 વર્ષ) ભાવનગર, સૌરાષ્ટ્ર ઝોન
13 સી.આર. પાટીલ 2020 – હાલ સુધી.. સુરત, દક્ષિણ ગુજરાત

જો કે ભાજપની નિતિ રીતી રહી છે કે જે નામોની ચર્ચા થાય છે તેમની જાહેરાત થતી નથી અને તમામની વચ્ચે વિજય રૂપાણીના આકસ્મિત નિધનના કારણે પણ ભાજપની ગુજરાત તથા રાષ્ટ્રીય નેતાગીરીમાં પણ ખુબ મોટો વેક્યુમ સર્જાયો છે. જેના કારણે પણ સ્થાનિક તેમજ રાષટ્રીય સમીકરણના સોગઠા પર ફરી મંથન થઇ રહ્યુ છે. તેવા સંજોગોમા ડાર્ક હોર્સ કોણ બને છે તે જોવુ રહ્યુ..

ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. ભાજપના આવા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Published On - 6:59 pm, Tue, 1 July 25