પાનસરમાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, કોંગ્રેસે જે 70 વર્ષમાં નથી કર્યું એ PM MODIએ 7 વર્ષમાં કર્યું છે
ગૃહપ્રધાન શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જો યાદી બનાવશો તો ખબર પડશે કે કોંગ્રેસે જે 70 વર્ષમાં નથી કર્યું અ એ વડાપ્રધાન મોદીએ 7 વર્ષમાં કરી બતાવ્યું છે.
GANDHINAGAR : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. આજે 8 ઓક્ટોબરે તેમણે ગાંધીનગરમાં વિવિધ કામોના લોકાર્પણ અને ઉદ્ઘાટન કર્યા. ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર મહિલા સ્વ-સહાય જૂથના ટી-સ્ટોલનું ઉદ્ઘાટન અને સઈજમાં સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કુલના ઉદ્ઘાટન અને ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ તેઓ પાનસર પહોચ્યા હતા. પાનસરમાં અમિત શાહે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું અને સરકારની વિવિધ યોજનાઓના ખાતમુહુર્ત અને લોકાર્પણ અંગે જાહેર કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.
પાનસર ગામના યુવાનોને ગૃહ પ્રધાન શાહે કહ્યું કે આ યુવાનોએ 2 કામ જરૂરથી કરવા, પહેલું રસીકરણ કરવાનું અને બીજું ગામના ગરીબ પરિવારો સુધી મફત સરકારી અનાજ પહોચાડવું.તેમણે કહ્યું વડાપ્રધાન મોદીએ કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં દેશના 60 કરોડ ગરીબ પરિવારોને મફત અનાજ આપ્યું છે. પાનસરમાં જે ગરીબ પરિવારો છે તેમને સભ્ય દીઠ પાંચ કિલો અનાજ અપાવવાનું કામ કરવાનું છે.
ગૃહપ્રધાન શાહે ફરીવાર પ્રજાપતિ સમાજના ભાઈઓ-બહેનો માટે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ તરફથી ઈલેક્ટ્રીક ચાકડો આપવાની વાત કરી. તેમણે કહ્યું ગાંધીનગર કલેકટર ફેસીલીટર તરીકે પ્રજાપતિ સમાજના ભાઈઓ-બહેનોને ખાદી ગ્રામોદ્યોગ બોર્ડમાંથી ઈલેક્ટ્રીક ચાકડો અપાવશે, આ માટે સૌએ અરજી કરવી.
ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું પાનસરમાં આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન થયું. હવે પાનસર ગામના તળાવને 3 થી 5 કરોડના ખર્ચે વિકસિત કરવાનું છે. તેમણે કહ્યું આગામી માર્ચ મહિના પહેલા આ તળાવનું નવનિર્માણ કરવામાં આવશે. જેમાં બાળકો માટે રમવાની વ્યવસ્થા, જોગીંગ માટે પાથ, તળાવમાં બોટિંગ જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ તળાવનું કામ JSW કંપની તરફથી થવાનું છે. આ સાથે જ તેમણે કહ્યું કે આજે 11 કરોડના 143 જેટલા નાના કામો કરવામાં આવ્યાં છે. ગૃહપ્રધાન શાહે પાનસર ગામના યુવાનોને કહ્યું કે ગામના જેણે પણ કોરોના રસીનો ડોઝ બાકી હોય તેમને બીજો ડોઝ મળે તેવી વ્યવસ્થા કરવાનું કામ કરવાનું છે.
ગૃહપ્રધાન શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જો યાદી બનાવશો તો ખબર પડશે કે કોંગ્રેસે જે 70 વર્ષમાં નથી કર્યું અ એ વડાપ્રધાન મોદીએ 7 વર્ષમાં કરી બતાવ્યું છે. તેમણે કહ્યું હમણાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અને એ પહેલા પણ ઘણી ચૂંટણીઓ આવી અને ગઈ, પણ કોંગ્રેસ ખોવાઈ ગઈ છે અને દૂરબીનથી જોવી પડે એમ છે. આ સાથે જ તેમણે વડાપ્રધાન મોદીના વિવિધ વિકાસ કામો અને યોજનાઓ અંગે માહિતી આપી.
આ પણ વાંચો : ગૃહપ્રધાન અમિત શાહે સઈજમાં સ્વામીનારાયણ વિશ્વમંગલ ઈન્ટરનેશનલ સ્કુલ અને ઓક્સીજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
આ પણ વાંચો : GANDHINAGAR : રાજ્યના 8 મહાનગરોમાં 10 નવેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવાયો