Gandhinagar: AAPની 26 મહિલા કાર્યકરોની જામીન અરજી કોર્ટે ફગાવી, આખી રાત વિતાવવી પડી જેલમાં
આપ અને ભાજપ વચ્ચે ઘર્ષણ બાદ ભાજપ નેતાની ફરિયાદને પગલે આપના કાર્યકરોની અટકાયત થઇ હતી. AAPની 26 મહિલા કાર્યકરોએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.
Gandhinagar: ગુજરાતમાં (Gujarat) ગૌણ સેવા પસંદગી મંડળના ( GSSSB ) પેપર લીક(Paper leak) મુદ્દે રાજ્યભરમાં વિપક્ષે પ્રદર્શન કર્યું હતું. જેમાં ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. તો આ મુદ્દે ભાજપના મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે (Shradha Rajput) FIR દાખલ કરાવી છે. જેમાં AAPના 6 નેતા સામે નામજોગ અને 500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
તો ગઈકાલે ઘટના બાદ AAPની 26 મહિલા કાર્યકરોએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. તો આપની મહિલાઓ કાર્યકરોને સાબરમતી જેલમાં મોકલવામાં આવી હતી. તો આજે સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરવામાં આવશે. જમીન ન મળતા AAP ની મહિલા કાર્યકરોએ આખી રાત જેલમાં વિતાવવી પડી હતી.
AAPના જે નેતાઓ સામે નામજોગ FIR નોંધાઈ છે તેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર પ્રવીણ રામ, નિખિલ સવાણી અને હસમુખ પટેલનો સમાવેશ થાય છે. આ ફરિયાદ પ્રમાણે, આરોપીઓ કાવતરાપૂર્વક હુમલો કરવા આવ્યા હતા.. તેઓએ જુદા-જુદા સ્થળેથી માણસોને કમલમ ખાતે બોલાવ્યા હતા અને કમલમનો ગેટ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ AAPના ટોળાએ ભાજપની મહિલા કાર્યકરોને શારીરિક અડપલાં કરી માર માર્યો હતો.
આની સાથે જ અભદ્ર ભાષા બોલીને પોલીસની ગાડીનો કાચ તોડ્યો હતો. પોલીસે તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મંગળવારે તમામને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસે 452, 341, 323, 143 સહિતની કલમો હેઠળ FIR દાખલ કરી છે.
રાજ્યમાં આજે પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું છે. ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ પર રાજકીય તમાશો જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા કાર્યકરો સાથે કમલમમાં ધસી જઈને ધરણા પર બેસી ગયા. ધરણા દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ થતાં ત્યાં પોલીસ દોડી આવી હતી.
આ પણ વાંચો: GUJARAT : કોરોનાના નવા 70 કેસ, વડોદરામાં ઓમિક્રોન, પેપરલીક તેમજ અન્ય અગત્યના સમાચાર વાંચો એક ક્લિકમાં
આ પણ વાંચો: કમલમ પર ઘર્ષણ મુદ્દે આપના નેતાઓ વિરુદ્ધ ભાજપના મહિલા કાર્યકરે કરી નામજોગ ફરિયાદ