Breaking News : 1 એપ્રિલથી ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી શરુ થશે, ખેડૂતો આજથી જ કરાવી શકશે રજીસ્ટ્રેશન
Gandhinagar News : 31 માર્ચ સુધી ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલથી 15 જૂન સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે.
ગુજરાત સરકારે આજે ખેડૂતોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર 1 એપ્રિલથી ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ટેકાના ભાવે ખરીદી શરુ થશે. આજથી ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. 31 માર્ચ સુધી ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 1 એપ્રિલથી 15 જૂન સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે.
ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તારીખ 1 માર્ચથી 31 માર્ચ 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે. જે માટે વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.
10 માર્ચથી તુવેર, ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી
આ પહેલા ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી 1 ફેબ્રુઆરી 2023થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તુવેર, ચણા અને રાયડાના પાકને 10 માર્ચ 2023 થી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી પ્રતિદિન 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.
સરકાર દ્વારા કરાયુ આગોતરુ આયોજન
ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈ, તુવેર,ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. ગુજરાત સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળવાની સંભાવના છે.
મહત્વનું છે કે એક તરફ ખેડૂતો માટે સરકારે ટેકાના ભાવે પાકની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ગુજરાત સરકાર ડુંગળી-બટાકાના ઘટતા ભાવને લઇને ખેડૂતોની વહારે આવી છે. ગુજરાત સરકાર ડુંગળી-બટાકાના ખેડૂતો માટે સહાયની જાહેરાત કરશે. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં સહાય મુદ્દે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.