સસ્પેન્સનો અંતઃ નરેશ પટેલે કરી જાહેરાત, રાજકારણમાં પ્રવેશ નહીં કરે
રાજકાણમાં જોડાવા મુદ્દે છેલ્લા કેટલાક સમયથી જે ભેદભરમનો માહોલ ઊભો કર્યો હતો તે આજે તુટી ગયો છે અને નરેશ પટેલ અંતે પાણીમાં બેસી ગયા છે. હવે તે ખોડલધામ સંસ્થા સાથે જોડાયેલા રહીને તમામ સમાજની સેવા કરતા રહેશે.
નરેશ પટેલ (Naresh Patel) દ્વારા તારીખ પે તારીખ આપવાનો સિલસિલો સમાપ્ત થયો છે. રાજકાણ (politics) માં જોડાવા મુદ્દે છેલ્લા કેટલાક સમયથી જે ભેદભરમનો માહોલ ઊભો કર્યો હતો તે આજે તુટી ગયો છે અને નરેશ પટેલ અંતે પાણીમાં બેસી ગયા છે. આજે તેમણે જાહેરાત કરી દીધી છે કે તે રાજકારણમાં જોડાશે નહીં. આ જાહેરાત કરતી વખતે નરેશ પટેલે જણાવ્યું કે રાજકારણમાં પ્રવેશવા મુદ્દે આપ સૌ જાણો છો તેમ કોરોના કાળમાં બધા પાસે સમય હતો, મારી પાસે પણ સમય હતો, ત્યારે સ્વતંત્રતા સેનાનીઓના પુસ્તકો વાંચીને મને રાજકારણમાં જવાની ઇચ્છા થઈ. આ વિચાર સમાજ વચ્ચે મુક્યો. લોકોની લાગણી હતી કે કોઈ નિર્ણય લેતા પહેલાં સમાજને પુછવું જોઈએ.
અમે પાટીદાર સહિત દરેક સમાજ વચ્ચે જઈ સર્વે કર્યો છે. આ સર્વેનો રિપોર્ટ આવી ગયો છે. જેમાં યુવાનો અને બહેનો ઇચ્છે છે કે હું રાજકારણમાં જોડાઉ પણ વડીલો ઇચ્છે છે કે હું રાજકારણથી દૂર રહું. યુવાનો અને મહિલાઓની લાગણીને ધ્યાનમાં રાખીને ખોડલધામ ટ્ર્સ્ટના નેજા હેઠળ ખોડલધામ પોલિટીકલ એકેડમીની રચના કરવામાં આવશે. ખોડલધામના નેજા હેઠળ GPSC અને UPSCની તૈયારી કરાવાય છે તે પ્રમાણે હવે પોલિટિક સ્કિલ ડેવલપ થાય તેનું માર્ગદર્શન અપાશે, નરેશ પટેલે એમ પણ કહ્યું કે આમાં કોઈપણ સમાજના યુવાનો જોડાઈ શકશે.
રાજકારણમાં જોડાવા બાબતે તેમણે કહ્યું કે જો હું કોઈ પણ પાર્ટીમાં જોડાઈ જાઉં તો તમામ સમાજના લોકો માટે કામ ન કરી શકું. વડીલોની મારા પ્રત્યેની ચિંતા યોગ્ય લાગી તેથી મે કોઈ પણ પક્ષ સાથે ન જોડાવાનો એટલે કે રાજકારણમાં ન જોડાવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે સરવેમાં જાણવા મળ્યું છે કે 80 ટકા યુવાનો કહે છે રાજકારણમાં જાવ, 50 ટકા મહિલાઓ કહે છે કે જાવ, પણ વડીલો 100 ટકા ના પાડે છે. મે વડીલોનું માન રાખીને આ નિર્ણય કર્યો છે. મારા પર કોઈ પણ પ્રકારનું દબાણ નહોતું. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈ એક પક્ષને સપોર્ટ કરવાને બદલે તમામ સમાજના લોકો માટે કામ કરતા રહેશે.
નરેશ પટેલના રાજકારણમાં ન જોડાવાના મુખ્ય કારણો
- નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાના નિર્ણય અંગે મોટાભાગના ટ્રસ્ટીઓ સહમત ન હતા.
- નરેશ પટેલ રાજકારણમાં ન જોડાય તે માટે મહત્વની ભુમિકા આનંદીબેન પટેલે ભજવી. આનંદીબેન પટેલ સાથેની મુલાકાત બાદ રાજકારણમાં ન જોડાવા અંગેનો નિર્ણય મક્કમતાથી લીધો.
- નરેશ પટેલ કોંગ્રેસ તેને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવે અને પ્રશાંત કિશોર કેમ્પેઇન કરે તેવું ઇચ્છતા હતા જે શક્ય ન બન્યું.
- આમ આદમી પાર્ટી તેની શરતો માનવા તૈયાર હતા પરંતુ ત્રિ પાંખીયા જંગથી ગુજરાતમાં સરકાર શક્ય ન બને.
- ખોડલધામના કેટલાક મોટા પ્રોજેક્ટ હાલમાં કાર્યરત છે.નરેશ પટેલ ભાજપ વિરુદ્ધ પાર્ટીમાં જવા માંગતા હતા જેથી આ પ્રોજેક્ટને અસર પડી શકે છે.
નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય તેની ભવિષ્યવાણી TV9 દ્વારા અગાઉથી જ કરી દેવામાં આવી હતી. ગત 25 મે ના રોજના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે નરેશ પટેલ તેમના રાજકીય ગુરુને મળ્યા છે અને તેમના રાજકારણમાં જોડાવા બાબતે આ મુલાકાત નવો વણાક લાવી દેશે. 25 તારીખનો આ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.