ગુજરાતમાં વધુ ટેક્સ હોવાના કારણે ટ્રાવેલ્સ ધારકો વાહનોના રજીસ્ટ્રેશન માટે અન્ય રાજ્ય તરફ વળ્યા
ગુજરાત સરકારના વધારે ટેક્સના (Tax) કારણે ટ્રાવેલ્સ ચાલકો હવે ગુજરાત છોડી અન્ય રાજ્યમાં વાહનો રજીસ્ટર કરાવવા જાય છે.
કોરોના કેસમાં (Corona) ઘટાડો થતા લોકડાઉનમાંથી તો છુટકારો મળી ગયો છે. પણ એક ઇન્ડસ્ટ્રી એવી છે કે જેના પરથી કોરોના અને લોકડાઉનની અસર દૂર નથી થઈ. એટલું જ નહીં પણ તેની સાથે રાજ્ય સરકારના ટેક્સના કારણે ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ટ્રાવેલ્સ ચાલકો હવે ગુજરાત (Gujarat) છોડી અન્ય રાજ્યમાં વાહનો રજીસ્ટર કરાવવા લાગ્યા છે. ટ્રાવેલ્સ ધારકો કહી રહ્યા છે કે ગુજરાત ટુરિઝમ હબ (Gujarat tourism hub) છે જેમાં ખાનગી ટ્રાવેલ્સનો લોકો ઉપયોગ કરે છે. જોકે તેમ છતાં સરકાર તેમની સામે ધ્યાન નથી આપી રહી તેવા આક્ષેપો ઉઠ્યા છે.
ટ્રાવેલ્સ ધારકોએ નવા વાહન રજીસ્ટર કરાવવા બહારના રાજ્યમાં જવું પડી રહ્યું છે, કેમ કે ટ્રાવેલ્સ ધારકોનો આક્ષેપ છે કે ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યની સરખામણીએ હોમ ટેક્સ વધુ પ્રમાણમાં લેવાય છે. જેનો લાભ મળે તે માટે રાજ્યના ટ્રાવેલ્સ ધારક હવે પોતાના નવા વાહનો બહારના રાજ્યમાંથી રજીસ્ટર કરાવી રહ્યા છે. જેથી ઓછા ખર્ચમાં વાહન રજીસ્ટર થઈ શકે.
ટ્રાવેલ્સ ધારકોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અલગ અલગ ટેક્ષ આપવા પડે છે. જેની અંદર હોમ ટેક્સમાં મહિના લેખે સ્લીપર બસના 40 હજાર આસપાસ જ્યારે શીટર બસના 25 હજાર આસપાસ આપવા પડે છે. જેની સામે અન્ય રાજ્યમાં આજ કિંમતમાં વર્ષની પરમીટ અપાય છે. જેથી અન્ય રાજ્યમાં પરવડતું હોવાથી અને ગુજરાતમાં અનેક રજુઆત છતાં સરકાર દ્વારા ધ્યાન નહિ અપાતા અને ભાવ ધટાડો નહિ કરતા ટ્રાવેલ્સ ધારકો બહારના રાજ્યમાં વાહન રજીસ્ટર કરાવી રહ્યા છે.
એક માહિતી પ્રમાણે રાજ્ય છેલ્લા એક વર્ષમાં 700 ટ્રાવેલ્સ બહારના રાજ્ય અરુણાચલ પ્રદેશ, નાગલેન્ડ અને દિવ દમણથી રજીસ્ટર કરાવાઈ છે. જે વાતને ક્યાંક RTO અધિકારી પણ આડકતરી રીતે સ્વીકારી હતી અને પહેલા કરતા રજીસ્ટ્રેશનમાં ફરક આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે એક તરફ કોરોના બીજી તરફ ડીઝલ ભાવ વધારો જે બને ટ્રાવેલ્સ ક્ષેત્રને અસર કરી રહ્યો છે. જેની સામે ભાડું વધારે નહિ મળતા ખર્ચ વધુ અને કમાણી ઓછી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને તેની વચ્ચે રાજ્યના ટેક્ષ સ્લેબે પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જી છે. જેના કારણે ટ્રાવેલ્સ ધારકો માટે મુશ્કેલી સર્જાઈ છે.
સાથે જ સરકારી તિજોરીને પણ રાજ્યમા રજીસ્ટ્રેશનમાં ઘટાડો થતા આર્થિક નુકશાન થઈ રહ્યું છે. ત્યારે ટ્રાવેલ્સ ધારકો એક જ માગ કરી રહ્યા છે કે સરકાર તેમની સામે ધ્યાન આપે અને ટેક્સમાં ઘટાડો કરે. જેથી રાજ્યવાસી અન્ય રાજ્યમાં ન જઈને પોતાના જ રાજ્યમાંથી સરકારી સેવાનો લાભ લઈ શકે.
આ પણ વાંચો: ભારતની નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના મુશ્કેલીમાં ફસાઈ, રશિયા-યુક્રેન યુદ્ધથી થયો વિક્ષેપ