Devbhoomi Dwarka: દ્વારકા અને અમરેલીમાં લમ્પી વાઇરસે માથું ઊંચકતા પશુપાલકો ચિંતાગ્રસ્ત
દ્વારકામાં (Devbhoomi Dwarka) જ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે 300થી વધુ ગાયો તથા પશુઓમાં લંપી વાયરસના કેસ નોંધાયા છે. આ વાયરસ ગાયમાં વધારે દેખા દે છે ત્યારે આ વાયરસને કારણે 10થી 12 જેટલી ગાયોનાં મૃત્યુ પણ થયાં છે.
રાજ્યમાં ફરીથી લમ્પી વાઇરસે (Lumpy Virus) માથું ઉચકતા પશુપાલકો ચિંતાગ્રસ્ત થઈ ઉઠ્યા છે. પશુઓ માટે ચેપી ગણાતો લમ્પી રોગચાળાના કારણે પશુઓના મોત થતા હોવાના બનાવો સામે આવ્યા છે. દ્વારકામાં (Devbhoomi Dwarka) જ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે 300થી વધુ ગાયો તથા પશુઓમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. આ વાયરસ ગાયમાં વધારે દેખા દે છે ત્યારે આ વાયરસને કારણે 10થી 12 જેટલી ગાયોનાં મૃત્યુ પણ થયાં છે. જેના કારણે પશુપાલકો ચિંતામાં મૂકાયા છે. તેની સામે વેક્સિનેશન તથા એન્ટિબાયોટિક દવાઓનું વિતરણ કરવા સહિતનો એક્શન પ્લાન પણ ઘડાયો હોવાનો દાવો પણ પશુપાલન વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે જોકે આ દાવાની સામે જુદી જ હકીકત સામે આવી છે.
પશુ ચિકિત્સકો ફોન ઉપાડતા નથી: કોંગ્રેસ
કોંગ્રેસના આગેવાનનો આક્ષેપ છે કે અનેક વખત જાણ કરવા છતા ચિકિત્સકો અને અધિકારીઓ કોઇ કાર્યવાહી કરતા નથી. લમ્પી વાઈરસને કારણે અનેક ગાયોનાં મોત થયાં છે છતાં સરકારી પશુ ચિકિત્સકો ફોન પણ ઉપાડતા નથી. જોકે પશુપાલકોની માગ છે કે આ પરિસ્થિતિમાં પશુઓને વધારે સારવારની જરૂર છે. પશુ ચિકિત્સકોએ સૂચન કર્યું છે કે બધી ગાયોને એક જ જગ્યાએ રાખીને સારવાર કરવામાં આવે તો આ રોગ ઝડપથી વધતો અટકાવવી શકાય તેમ છે.
અમરેલીના બાબરામાં પણ લમ્પી વાઇરસનો ભરડો
તો બીજી તરફ અમરેલીના બાબરા તાલુકાના ગામોના પશુઓમાં પણ લેમ્પી વાઇરસે દેખા દીધી છે. એક અહેવાલ મુજબ અમરેલીના ઈશ્વરીયા કરિયાણાના નાની કુંડળ સહિતના ગામોમાં 8 થી 10 જેટલા પશુનાં મોત થયાં છે અને હાલમાં 40 થી60 જેટલા પશુઓ બીમાર છે. ઇશ્વરીય ગામે રાઘવભાઈ ભરવાડ નામના વ્યક્તિના 8 પશુના 12 દિવસમાં મોત થયાં છે. આ અંગે જિલ્લા પંચાયતના સભ્યોએ જિલ્લા પશુપાલન અધિકારીઓને જાણ કરી હતી. આ પરિસ્થિતિમાં વેટરનરી ડોક્ટર પશુઓને સારવાર આપી રહ્યા છે તેમજ પશુપાલકોને માર્ગદર્શન પણ આપી રહ્યા છે.
લમ્પી વાયરસના લક્ષણો
લમ્પી વાયરસમાં પશુના શરીર પર મોટા ફોડલા થવા, પગમાં સોજા થવા, નાકમાંથી પ્રવાહી કે લોહી નિકળવુ, ખોરાક ન લેવો, પશુનુ લાંબા સમય સુધી સ્થિર રહેવુ, તાવ સહીતના લક્ષણો જોવા મળે છે. જો આવા લક્ષણો પશુઓમાં જોવા મળે તો તેને ઝડપી સારવાર આપવી જોઈએ. જો 3 થી 5 દિવસમાં સારવાર ના મળે તો વાયરસ જીવલેણ બની શકે છે.