ડાંગ દરબાર 2022ની પૂર્ણાહુતિ, લોકમેળાની આશરે 5 લાખ લોકોએ મુલાકાત લીધી
કોરોનાકાળ પછી પહેલીવાર યોજાયેલ લોકમેળામાં રાત્રે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાંગનું ડાંગી ડાન્સ, પાવરી નૃત્ય, હરિયાણાના ફાગ નૃત્ય, પંજાબના બાંગડા નૃત્ય સ્થાનિક યુવા કલાકરો દ્વારા વેસ્ટર્ન ડાન્સની મજા માણી હતી.
દેશમાં એકમાત્ર ડાંગ (DANG) જિલ્લાના ભીલ રાજાઓને (Bhil Raja) આપવામાં આવતા પોલિટિકલ પેંશન (Political pension)એટલે કે રાજકીય સાલીયાણાંને આપવા માટે ખુદ રાજ્યના રાજ્યપાલ ડાંગ જાય છે. ડાંગના પાંચ રાજાને માન સન્માન સાથે પોલિટિકલ પેંશન આપવાના આ કાર્યક્રમને ડાંગ દરબાર (Dang Darbar)તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાજપરિવારના સભ્યો, રાજ્યપાલ મંત્રી અને અધિકારીઓ સહિત આમંત્રિત મહેમાનોના મનોરંજન માટે વિવિધ પ્રાંતના સંગીત, લોકનૃત્ય, રજૂ કરવામાં આવે છે.
કેમ ઉજવાય છે ડાંગ દરબાર ? શું છે વર્ષો જુની પરંપરા ?
વર્ષો જૂની આ પરંપરા આજેપણ ચાલુ છે. ગત વર્ષ 2021માં કોરોના સંક્રમણને કારણે આ કાર્યક્રમ ખૂબ સાદગીપૂર્ણ કલેકટર કચેરીમાં રાખવામાં આવ્યો હતો. હાલમાં કોરોના સંક્રમણ નહિવત હોવાથી ડાંગ દરબાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જે તારીખ 16 માર્ચ મોડી રાતે શાંતિપૂર્વક સંપન્ન થયો છે. મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવર્તના હસ્તે શરૂ થયેલ 4 દિવસના લોકમેળામાં આશરે 5 લાખ લોકોએ મુલાકાત લીધી હતી.
ડાંગ દરબારમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, યુવા કલાકારોએ નૃત્યોની જામવટ કરી
આદિવાસી સમાજ માટે મહત્વના આ મેળામાં રાજ્ય અને રાજ્ય બહારના 500થી વધુ નાના મોટા વેપારીઓ એ ભાગ લીધો અને સારો એવો વેપાર કર્યો હતો. કોરોનાકાળ પછી પહેલીવાર યોજાયેલ લોકમેળામાં રાત્રે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાંગનું ડાંગી ડાન્સ, પાવરી નૃત્ય, હરિયાણાના ફાગ નૃત્ય, પંજાબના બાંગડા નૃત્ય સ્થાનિક યુવા કલાકરો દ્વારા વેસ્ટર્ન ડાન્સની મજા માણી હતી.
દરબાર માણવા આવેલ લોકોના ઉત્સાહ વધારવા અને રાજાઓના સન્માનમાં આકાશમાં આતશબાજી પણ કરવામાં આવી હતી. માત્ર 15 દિવસના ટૂંકા સમયમાં આયોજન કરવામાં આવેલ ડાંગ દરબારના સફળતા માટે વહીવટી તંત્ર વતી જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ મહામહિમ રાજ્યપાલ, પાંચ રાજા રાજવી પરિવારો અને વેપારીઓ સહિત મેળામાં આવેલ તમામ મહેમાનોનો આભાર માન્યો હતો.