ડાંગ : ‘પ્રભુ શ્રી રામ અને માતા શબરી મિલન દિવસ’ ની ઉજવણી નિમિત્તે પંપા સરોવરથી શબરીધામ સુધીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.શબરીધામ ખાતે યોજાયેલા ‘શ્રી રામ-શબરી મિલન સમારોહ’માં ગુજરાત -મહારાષ્ટ્રથી ભાવિક ભક્તો સાથે કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ જ પધારી ચૂકેલા મહાનુભાવોનો સત્સંગનો લાભ લીધો હતો.
મહામંડલેશ્વર સ્વામી જનાર્દન હરી મહારાજ, યોગી દત્તનાથ, સ્વામી અસીમાનંદજી, પી.પી.સ્વામીજી, કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર, પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ, વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલ, ગણદેવી ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સહીત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
‘રાષ્ટ્ર દેવો ભવ’ ના મંત્ર સાથે પોતાનો કર્મયોગ કરી રહેલા સેવાભાવી સનાતનિઓને આવકારી મહામંડલેશ્વર શ્રી જનાર્દન હરીજીએ માં શબરીના વંશજોને પ્રભુ ભક્તિનો પરિચય આપવાનો ન હોય તેમ જણાવી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોમાંથી પ્રેરણા મેળવી અમૂલ્ય માનવ જન્મને સાર્થક કરવાની અપીલ કરી હતી.
આ અવસરે પ્રાસંગિક પ્રવચનમાં મહામંડલેશ્વર જનાર્દન હરીજીએ પ્રભુ શ્રી રામ અને માતા શબરીના પ્રસંગમાં વર્ણિત ભાવ અને પ્રેમના આવિર્ભાવને વર્ણવતા આ પ્રસંગ પાછળ સમાયેલા ભાવને સમજવાની અપીલ કરતા ‘સબ સે ઊંચી પ્રેમ સગાઈ’ ની મહિમા શ્રોતાઓને વર્ણવી હતી. ઊંચ નીચ, જાત પાત, ધર્મ અધર્મ કરતાં માનવતા અને પ્રેમ ઉપર હોવાનો ભાવ વર્ણવતા શબરી મિલનના પ્રસંગની ગહન વાતોને સરળ શબ્દોમાં વર્ણવતા મહામંડલેશ્વરશ્રીએ સનાતન હિન્દૂ સંસ્કૃતિ અનુસાર પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન સંવર્ધન માટે પ્રતિ વર્ષ આ પવિત્ર ભૂમિમાં રામ-શબરી મિલન અવસરનીઉજવણી કરવાની અપીલ કરી હતી.તેમણે સનાતન સંસ્કૃતિમાં શ્રદ્ધા રાખતા આદિજાતિ સમાજને સંકલ્પબદ્ધ થઈ, સનાતન હિન્દૂ સંસ્કૃતિના જતન માટે રામની ખિસકોલી બની સૌને પોતાની ક્ષમતા અનુસાર યોગદાન આપવાનું આહવાન કર્યું હતું.
રામાયણ જેવા મહાકાવ્યની રચના સહિત સમગ્ર રામકથામાં આદિવાસી સમાજના યોગદાનનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ શબરી ધામ અને પંપા સરોવરનું મહત્વ વર્ણવ્યું હતું. પ્રભુ શ્રી રામ-શબરી મિલનની ગાથા વર્ણવતા મંત્રીશ્રીએ રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો સહિત પુરાણોમાં વર્ણિત આદિવાસી પાત્રોની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
આ પણ વાંચો : ડાંગ : અયોધ્યામાં માતા શબરીના વંશજો શબરીના શ્રીરામ સાથે મિલનનો સંદેશો સંભારણા સાથે ભેટ ધરશે
Published On - 8:09 am, Mon, 15 January 24