DAHOD : તબીબની દરિયાદીલી, દંપતીને ખેતર ન વેચવા દઇ રૂપિયા 1.40 લાખનું બિલ માફ કર્યું

DAHOD : કહેવાય છેકે તબીબ એક ભગવાનનું રૂપ હોય છે. ત્યારે દાહોદમાં એક તબીબે આ વાક્યને યર્થાથ કર્યું છે. દાહોદ નજીક આવેલ રાજસ્થાનના સરહદી વિસ્તારના સરેરાશ 40 વર્ષની વય ધરાવતા ગરીબ દંપતીની સારવારનું સંપૂર્ણ પેકેજ તબીબે માફ કરી માનવતાભર્યો અભિગમ દર્શાવ્યો છે.

DAHOD : કહેવાય છેકે તબીબ એક ભગવાનનું રૂપ હોય છે. ત્યારે દાહોદમાં એક તબીબે આ વાક્યને યર્થાથ કર્યું છે. દાહોદ નજીક આવેલ રાજસ્થાનના સરહદી વિસ્તારના સરેરાશ 40 વર્ષની વય ધરાવતા ગરીબ દંપતીની સારવારનું સંપૂર્ણ પેકેજ તબીબે માફ કરી માનવતાભર્યો અભિગમ દર્શાવ્યો છે. લગ્નના 20 વર્ષ બાદ નિ:સંતાન દંપતીને સંતાનપ્રાપ્તિ થઈ હતી. જેની તમામ સારવાર તબીબ કેતન પટેલે માફ કરી હતી.

દાહોદથી માંડ 100 કિ.મી.ના અંતરે રાજસ્થાનના બાંસવાડાના સાવ નાનકડા ખેરડાબરા ગામના કાંતાબેન અને તેમના પતિ થાવરચંદ ચરપોટાએ તેમના 20 વર્ષના દામ્પત્યજીવન દરમ્યાન 3 વખત જન્મતા પહેલાં જ સંતાનો ગુમાવી દીધા હતા. દંપતિ દાહોદની ન્યુ હોપ હોસ્પિટલમાં IVF તરીકે ઓળખાતી‌ સારવાર લેવા આવ્યુ હતું.

તારીખ 13.3.2021ને શનિવારે આ મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. સિઝેરિયન ઓપરેશન સહિત લગભગ બે મહિના હોસ્પિટલમાં રહેવા સાથે સમયે લોહી, હાઈ રિસ્ક હોઈ તેની સારવાર વગેરેનું બિલ રૂ.1.40 લાખ થયું હતું.

આ દંપતીએ ગત બે મહિના દરમ્યાન માત્ર બહારથી જે દવા મંગાવાતી તેના જ રૂપિયા ચુકવ્યા છે. બાકીની ચુકવણી માટે તેઓ તેમના જીવનના એકમાત્ર આધાર સમા ખેતરને વેચીને બીલ ચુકવવાની તૈયારી કરતા હોવાની ખબર પડતા તબીબે સત્વરે રૂ.1.40 લાખ જેવી મોટી રકમનું આખે આખું બીલ જ માફ કરી દીધું હતું.

દંપતીના ચહેરા પરની ખુશાલી તે અમારૂં વળતર : ડૉ. કેતન પટેલ

અગાઉના 3 ખરાબ અનુભવો બાદ ગરીબ દંપતી એકમાત્ર જમીન વેચવાની તૈયારી કરતું હોવાનું જાણી અંતરાત્માનો આદેશ થયો હોય તેમ તેની તમામ ચૂકવણી માફ કરવાનો નિર્ણય લઈ તેનું બિલ માફ કર્યું છે. હાથમાં રમતા પોતાના બાળકને જોઈને આ દંપતીના ચહેરા ઉપર જે ખુશાલી જોવા મળી તે જ અમને મળેલું મોટું વળતર છે. તેમ તબીબે જણાવ્યું હતું.

હાલ તો તબીબ કેતન પટેલની આ માનવતાને કારણે એક નિસંતાન દંપતીના ઘરે ખુશી આવી છે. અને, દંપતી માટે ડૉ.કેતન પટેલ ભગવાનના રૂપમાં આવ્યા હોય તેવા ઘાટ સર્જાયો હતો. સમાજમાં મોટાભાગના તબીબો પૈસા કમાવવાની લાયમાં માનવતા ભૂલી જતા હોય છે. અને, ગરીબો દર્દીઓ પાસેથી પણ મસમોટી ફી વસુલી લેતા હોય છે. ત્યારે દાહોદના આ ડૉ.કેતન પટેલની આ દરિયાદીલીને સલામ કરવું જ રહ્યું.