સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર હેવાનને કોર્ટે ફટકારી ફાંસીની સજા, 29 જ દિવસમાં કોર્ટે સંભળાવ્યો ચુકાદો
સુરતમાં પાંડેસરાની અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપી ગુડ્ડ મધેશ યાદવને પોક્સો કેસોની(Pocso) ખાસ અદાલતના એડીશનલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટે દોષિત જાહેર કર્યો હતો.
સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર હેવાનને સેશન્સ કોર્ટે (Sessions Court) ફાંસીની આકરી સજા ફટકારી છે, 29 જ દિવસમાં કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. સુરતમાં(Surat) પાંડેસરા(Pandesara)ની અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ (Rape) આચરી હત્યા કરવાના કેસમાં આરોપી ગુડ્ડ મધેશ યાદવને કોર્ટે આ આકરી સજા ફટકારી છે.
કોર્ટે શું સજા ફટકારી ?
સુરતના પાંડેસરામાં માત્ર અઢી વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસના આરોપીને કોર્ટે અંતે આકરી સજા સંભળાવી છે. કોર્ટે દોષિત હેવાન આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા ફટકારી છે. સુરત અધિક સેસન્સ કોર્ટના જજ PS કાલા દ્વારા આરોપીને આ સજા સંભળાવવામા આવી છે. સરકારી પક્ષ દ્વારા આરોપીને ફાંસીની સજા માટે અપીલ કરવાાં આવી હતી.
આરોપીને સજા આપતા પહેલા 42 જેટલા પુરાવા અને મૌખીક જુબાની કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. સમગ્ર કેસ મામલે પીડિત પરિવારને રૂ.20 લાખની સરકાર સહાય આપશે. આ પહેલા પણ કોર્ટે બે કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.
શું હતો સમગ્ર મામલો?
સુરતમાં દિવાળીની રાત્રે શ્રમજીવી પરિવારની અઢી વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ બાદ નિર્મમ હત્યા કરીને નરાધમ તેને ઝાડી- ઝાંખરામાં મૃતદેહ ફેંકી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. સમગ્ર શહેરમાં ચકચાર મચાવનાર કેસમાં સોમવારે કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો.
શું રહી પોલીસની ભૂમિકા?
પાંડેસરા પોલીસે બાળકી ગુમ થયા બાદ ગણતરીના દિવસોમાં મૃતદેહને શોધી કાઢ્યા બાદ આરોપીની ધરપકડ કરી તમામ પુરાવાઓ ભેગા કર્યા હતા. ગણતરીના દિવસોમાં, એટલે કે લગભગ 7 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપીને વધુમાં વધુ સજા મળે એવી માગ સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાએ કરતાં કહ્યું હતું કે 99 ટકા લોકો ઈચ્છે કે આ બર્બરતાપૂર્ણ કૃત્યની સજા ફાંસીથી ઓછી ન હોવી ન જોઈએ.
પોલીસે 246 પાનાંની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ન્યાયિક કાર્યવાહી શરૂ થઈ હતી. ડોક્ટરો, એફએસએલ, આરોપીના ઘરમાલિક, મિત્ર અને અન્ય સાક્ષીઓની ઊલટતપાસ પૂરી થઈ ગયા બાદ અંતિમ દલીલો પહેલી ડિસેમ્બરના રોજ મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી. જેમાં તેમણે મહાભારતના શ્લોકોનો પણ ઉલ્લેખ કર્યો હતો કે.
– દંડઃ શાસ્તિ પ્રજા- સર્વા દંડ એવાભિરક્ષતિ – દંડ – સુપ્તેષુ જાગરતિ દંડ ધર્મ વિદુ બુર્ધા
જેનો ભાવાર્થ થાય છે કે અપરાધિઓને નિયંત્રણમાં રાખવા માટે દંડની વ્યવસ્થા દરેક પ્રભાવી તથા સફળ શાસકિય તંત્રનું જરૂરી અંગ હોય છે.આ જ દંડ જે પ્રજાને શાસિત- અનુશાસિત રાખે છે.અને એજ પ્રજાની રક્ષા કરે છે. અને આ જ દંડ રાત્રી કાળ દરમિયાન જાગતા રાખે છે અને આને જ વિદુજજન ધર્મના નામ પર જુએ છે.
આરોપી કોણ છે?
અઢી વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય આચરનાર નરાધમ ગુડ્ડુકુમાર યાદવ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. પરિવાર વતન બિહારના ખૈરા મઠિયા ગામ ખાતે રહે છે, જ્યારે છેલ્લાં 12 વર્ષથી ગુડ્ડુ સુરતમાં રહે છે અને પાંડેસરા જીઆઇડીસીની આર્મો ડાઇંગ મિલમાં નોકરી કરે છે. પોલીસને ગુડ્ડુના મોબાઇલમાંથી કેટલાક પોર્ન વીડિયો મળી આવ્યા છે.
દિવાળીની સાંજે તેણે મોબાઇલમાં પોર્ન વીડિયો જોયા હતા અને ત્યાર બાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર પડતાં તેનું અપહરણ કરી બદકામ કર્યાની કબૂલાત કરી હતી.