
ગુજરાત રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર અચાનક મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન કમોસમી વરસાદ (માવઠું) થવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે, જે ખેડૂતો સાથે સાથે સામાન્ય જનતા માટે પણ ચિંતાનો વિષય બની શકે છે.
ફેબ્રુઆરી મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપો ભારતીય ઉપખંડ તરફ આગળ વધશે. ખાસ કરીને 8મી ફેબ્રુઆરી આસપાસ એક શક્તિશાળી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે 10મી ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. પર્વતીય વિસ્તારોમાં થતી બરફવર્ષા પણ આ સિસ્ટમને વધુ મજબૂતી આપી રહી છે, જેના પરિણામે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં કે માવઠું વરસી શકે છે.
આ કમોસમી વરસાદ ખેતી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ઊભા પાકને નુકસાન પહોંચવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને શિયાળુ પાકોમાં ભેજ વધવાથી રોગચાળો ફેલાવાની ભીતિ રહે છે. અંબાલાલ પટેલે ખેડૂતોને આગ્રહ કર્યો છે કે તેઓ સમયસર પાક સંરક્ષણના પગલાં ભરે જરૂરી હોય ત્યાં જંતુનાશક દવાઓનો યોગ્ય છંટકાવ કરીને નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરવો અત્યંત જરૂરી બનશે.
હવામાનમાં થતી અચાનક બદલાવની અસર માનવ સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. શરદી, ઉધરસ, તાવ તેમજ અન્ય વાયરસજન્ય રોગોની શક્યતાઓ વધે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ વધુ સાવચેતી રાખવી જરૂરી છે. બદલાતા વાતાવરણમાં સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ભારે પડી શકે છે.
આગાહીમાં જણાવ્યા મુજબ 12મી ફેબ્રુઆરી આસપાસ રાજ્યભરમાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. ગરમી-ઠંડીનો આ ખેલ ફરી એકવાર લોકોને અચંબામાં મૂકી શકે છે.
ચિંતા વચ્ચે અંબાલાલ પટેલે એક સકારાત્મક સંદેશ પણ આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, 20મી ફેબ્રુઆરી બાદ ઉનાળુ પાકોના વાવેતર માટે હવામાન અનુકૂળ બનશે. આ સમયગાળા બાદ વાતાવરણ પોષક બનશે, જેથી ખેડૂતો નિર્ભયપણે ઉનાળુ પાકની વાવણી કરી શકશે.
પરંતુ સાથે સાથે તેમણે “રોગેશ્વર ઋતુ” નો ઉલ્લેખ કરીને ફરી એકવાર જનતાને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા અનુરોધ કર્યો છે. બદલાતા હવામાનના આ દોરમાં સાવચેતી, આયોજન અને સમયસર નિર્ણય જ સૌથી મોટું રક્ષણ સાબિત થશે.
રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ, આંતરિક શિસ્ત કે રાજકીય સમાધાન? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો