અમદાવાદમાં નકલી નોટના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં સુરતના સત્યમ યોગાશ્રમના પ્રદીપ જોટાંગિયા નામના ગુરુ અને તેના 6 અનુયાયીઓ સહિત કુલ 7 આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી ₹2 કરોડથી વધુની નકલી નોટો જપ્ત કરી છે. આ પ્રકરણમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, જે દર્શાવે છે કે આ નેટવર્ક કેટલું ઊંડું ફેલાયેલું હતું.
આરોપી પ્રદીપ જોટાંગિયાને સુરત ગ્રામ્યમાં આવેલા તેમના સત્યમ યોગાશ્રમને મોટો કરવા અને ડેવલપ કરવા માટે કરોડો રૂપિયાની તાતી જરૂરિયાત હતી. છેલ્લા લગભગ એક વર્ષથી વધુ સમયથી, તેઓ આશ્રમ માટે ફંડ મેળવવા માટે વિવિધ પ્રયાસો કરતા હતા. જેમાં સેવા પ્રવૃત્તિઓના ફોટા સાથેના પેમ્ફલેટ છપાવી અને જાહેરાતો કરીને લોકો પાસે ફંડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ આ પ્રયાસો છતાં જરૂરી ભંડોળ એકત્ર થયું ન હતું.
આર્થિક સંકડામણ અને આશ્રમ ડેવલપ કરવાની મહેચ્છા પૂરી ન થતાં, પ્રદીપ ગુરુજી અને તેમના અનુયાયીઓએ એક બેઠક કરી અને નકલી નોટોના કારોબારમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો. આ ગોરખધંધા માટેની કન્ડિશન મુજબ મુકેશ નામનો આરોપી તેના ઘરે નકલી નોટો છાપવાનું કામ કરતો હતો. તેણે ચીનથી અલગ અલગ પ્રકારના ઓરિજિનલ જેવા લાગતા નોટોના કાગળો મંગાવ્યા હતા. ત્યારબાદ પ્રિન્ટિંગ કરીને નકલી નોટો તૈયાર કરાતી હતી.
આ નોટોને અમદાવાદના એક શખ્સને 33%ના દરે વેચવાની ડીલ નક્કી કરવામાં આવી હતી, એટલે કે ₹3 લાખની નકલી નોટો સામે ₹1 લાખ અસલી રૂપિયા મળે. આ તેમની પ્રથમ મોટી ડીલ હતી. જોકે અગાઉ તેઓ ₹28 લાખ જેટલી નકલી નોટો છૂટક બજારમાં વેચી ચૂક્યા હતા.
આ વખતે ₹2 કરોડથી વધુની નકલી નોટોનો સોદો કરવા માટે આ આરોપીઓ સુરતથી અમદાવાદ આવ્યા હતા. પરંતુ, ડીલ થાય તે પહેલાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આ તમામની ધરપકડ કરી લીધી. પ્રદીપ ગુરુજી સિવાયના અન્ય પકડાયેલા આરોપીઓ તેના જ અનુયાયીઓ છે અને ગુરુજીના આદેશ મુજબ જ આખો પ્લાન પાર પાડતા હતા. નકલી નોટોના કારોબાર માટે અનેક મીટિંગો આશ્રમમાં તેમજ મુકેશના ઘરે યોજાઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓને બપોરે 2:00 વાગે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં હજી વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે, જેમાં આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની વિગતો સામે આવી શકે છે. આ ઉપરાંત, નકલી નોટો લેવાના હતા તેવા વોન્ટેડ બે આરોપીઓને પકડવા માટે પણ ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
Input Credit : Mihir Soni
ખેડૂતની કમાણી પર ફરી વળ્યું પાણી ! ડુંગળીનો પાક બગડતાં ખેડૂતો દેવામાં ડૂબ્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો