
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા પંચાયતના 22 બેઠકોના પરિણામોમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે. કુલ 22 બેઠકોમાંથી ભાજપના ફાળે 15 બેઠકો આવી છે, જેના કારણે તાલુકા પંચાયત પર ભાજપે કબજો જમાવ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ નોંધપાત્ર પ્રદર્શન કરતાં 6 બેઠકો જીતતા જસદણ તાલુકા પંચાયતમાં પ્રથમ વખત પોતાનું ખાતું ખોલ્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે.
ગત ટર્મમાં જસદણ તાલુકા પંચાયત પર કોંગ્રેસનું એકહથ્થું શાસન હતું, પરંતુ આ વખતે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આઝાદી બાદ ભાજપ બીજી વખત સત્તા પર આવી છે. 2013માં જસદણ અને વિછીયા તાલુકાનું વિભાજન થયા બાદ 2014માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે અહીં પ્રથમ વખત સત્તા મેળવી હતી અને હવે ફરી એકવાર ભાજપે પોતાની પકડ મજબૂત કરી છે.
વીંછીયા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપે 14 બેઠકો જીતતા પ્રથમ વખત સત્તા પર કબજો કર્યો છે, જ્યારે કોંગ્રેસને 4 બેઠકો પર જીત મળી છે. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના મતવિસ્તારમાં ભાજપની આ જીતને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેના કારણે તેમના ગઢને વધુ મજબૂતી મળી છે.
આ સાથે જસદણ તાલુકામાં રાજકોટ જિલ્લા પંચાયતની 5 બેઠકો આટકોટ, સાણથલી, ભાડલા, શિવરાજપુર અને કમળાપુરમાં ભાજપે જીત મેળવી છે. જ્યારે વિછીયા તાલુકાની 3 જિલ્લા પંચાયત બેઠકો વિછીયા, પીપળી અને બદલી પણ ભાજપના ખાતામાં ગઈ છે. આ પરિણામો રાજ્યના ગ્રામ્ય રાજકારણમાં ભાજપના વધતા પ્રભુત્વને દર્શાવે છે.
Published On - 2:38 pm, Tue, 28 April 26