
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે અને રાજ્યભરમાં લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. કુલ 9,292 બેઠકો માટે 25,579 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે, જ્યારે 730 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. રાજ્યભરમાં 4 કરોડ 18 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે 9 નવી મનપાઓમાં પહેલીવાર ચૂંટણી યોજાઈ રહી છે, જેના કારણે આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે. 15 મનપાની 1044 બેઠકો, 84 નગરપાલિકાની 2624 બેઠકો, જિલ્લા પંચાયતની 1090 બેઠકો અને તાલુકા પંચાયતની 5234 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.
રાજકીય દૃષ્ટિએ પણ આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે. ભાજપે તમામ 9,292 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસના 8,443 અને AAPના 5,261 ઉમેદવારો મેદાનમાં છે. 28 એપ્રિલે મતગણતરી બાદ પરિણામો જાહેર થશે.
ગત ટર્મની સરખામણીએ આ વખતે બેઠકો અને રાજકીય રસાકસી બંને વધી છે. 2021માં ભાજપે સ્થાનિક સ્વરાજ્યમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ સુરતમાં AAP અને અમદાવાદમાં AIMIMએ નોંધપાત્ર એન્ટ્રી કરીને રાજકારણમાં નવી સમીકરણો ઉભી કરી હતી. આ વખતે ફરી AAP અને AIMIMના પ્રદર્શન પર સૌની નજર છે.
આ ચૂંટણી માત્ર સત્તાની જંગ નથી, પરંતુ સ્થાનિક વિકાસ અને લોકોના વિશ્વાસની કસોટી પણ છે. આજે પડતા દરેક મતથી આવતીકાલનું સ્થાનિક શાસન નક્કી થવાનું છે.
Published On - 7:46 am, Sun, 26 April 26