
ગુજરાતના જાણીતા હવામાનના જાણકાર અંબાલાલ પટેલે, આવતીકાલ શુક્રવાર 3 એપ્રિલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, આગામી 48 કલાકમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચાઈને ગુજરાત તરફ આવી શકે છે, જેના કારણે ભર ઉનાળે વાદળો અને કમોસમી વરસાદ વરસવા જેવા હવામાનમાં ફેરફાર જોવા મળશે.
આવતીકાલ 3 એપ્રિલથી 6 એપ્રિલ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, ઓખા અને જામનગર સહિતના વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદની શક્યતા છે. સાથે જ ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ નોંધપાત્ર માવઠું થઈ શકે છે.
મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાલયના પર્વતીય વિસ્તારોમાંથી શરૂ થઈને ઉત્તર ભારતમાં 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે, જ્યાં કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને ક્યાંક કયાંક વરસાદી છાંટા પડવાની શક્યતા રહેલી છે.
અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી હેઠળ વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદી છાંટા પડી શકે છે.
દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ સક્રિય બનશે. સાથે જ મહારાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે.
આ વરસાદી પ્રવૃત્તિને કારણે હાલ ગરમીનો પારો ગગડશે. જો કે, આ ઘટાડો કેટલાક દિવસ પુરતો જ રહેશે. 20 એપ્રિલ પછી તાપમાન ફરી વધશે. 26 એપ્રિલ આસપાસ ગુજરાતમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે.