PAPER LEAK : આખરે સરકારે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરી, અસિત વોરા વિશે શું બોલ્યા ગૃહ રાજય મંત્રી ?
પેપર લીક કૌભાંડ બાદ રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. નવી પદ્ધતિથી લેવાશે પરીક્ષા, ગૌણ સેવા આયોગ સાથે ચર્ચા કર્યા બાદ લેવાયો છે નિર્ણય
PAPER LEAK : 12 ડિસેમ્બરે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું પેપર ફુંટયા બાદ સરકારે પણ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. અને, આ પરીક્ષા ફરી માર્ચ મહિનામાં યોજવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો પગલાં લેવામાં આવશે તેમ પણ હર્ષ સંઘવીએ ઉમેર્યું છે. જો ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવાશે તેમ હર્ષ સંઘવીએ ઉમેર્યું છે.
હર્ષ સંઘવીએ કહ્યું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવામાં આવ્યા છે. અને, આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. જોકે, આ તમામ બાબતે હર્ષ સંઘવીએ અસિત વોરાના નામનો કયાંય ઉલ્લેખ કર્યો ન હતો. એટલે એ સવાલ છે કે આ તમામ બાબતે અસિત વોરાને કલીનચીટ સરકાર તરફથી મળી છે ?
યુવરાજસિંહ જાડેજાએ પુરાવા આપ્યા હતા
પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી તેની ગોપનિયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી હતી.
9 વર્ષમાં દસ પરીક્ષાનાં પેપર ફૂટ્યાં
- GPSCની ચીફ ઓફિસરની ભરતી: 2013
- રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા: 2014
- મુખ્ય સેવિકા: 2018
- નાયબ ચિટનીસ: 2018
- પોલીસ લોકરક્ષક દળ: 2018
- શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT: 2018
- બિનસચિવાલય ક્લાર્ક: 2019
- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી: 2021
- સબ-ઓડિટર: ઓક્ટોબર, 2021
- હેડ ક્લાર્ક: ડિસેમ્બર, 2021





