દિવાળી બાદ ત્રાટકેલા માવઠાએ બોટાદના ખેડૂતોને પણ વ્યાપક નુકસાન પહોંચાડ્યુ છે. ભર ઉનાળે માવઠું ને હવે ચોમાસું ગયા પછી પણ કમોસમી વરસાદ. છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે મગફળી, કપાસ અને સોયાબિન સહીતનાં પાકને નુકસાન થયું. ઉભા પાકનો સોથ બોલી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર કપાસ સોંપવાની તૈયારી હતી ત્યાં વરસાદ આવી ગયો અને મગફળી કાઢીને મુકી હતી ત્યા માવઠાના વરસાદે બધુ જ તહસનહસ કરી નાખ્યુ છે. માવઠાએ તમામ પાકને નુકાસન પહોંચાડ્યુ છે ચાહે એ સોયાબિન હોય, કપાસ, એરંડા, મગફળી હોય કે શાકભાજી. તમામ પર વરસાદનું ઠંડુ પાણી પડતા ભયંકર નુકસાની ગઈ છે. ખેડૂત જણાવે છે કે માવઠુ એટલુ ખતરનાક હોય છે કે ગમે તે પાકને તેનાથી નુકસાની જ થાય છે.
હાલ ખેડૂતો ભારે લાચારી અનુભવી રહ્યા છે. સારી ઉપજની આશાએ બેસેલ ખેડૂતો ઘરના પ્રસંગ ઉકેલવાનાં સપના જોઇ રહ્યો હતા ત્યાં કમોસમી વરસાદે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધુ છે. ખેડૂતના કહેવા મુજબ 1 વીઘા જમીનમાં વાવેતરનો ખર્ચ 15 હજાર જેટલો થાય છે. ત્યારે હવે ઉપજનાં નામે મીંડું છે. ખેડૂતો સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે.
એક ખેડૂત જણાવે છે કે બીજા મહિને દીકરીના લગ્ન લેવાના હતા અને કમોસમી વરસાદે તેમના શીંગ અને કપાસ સહિતના પાકને ધોઈ નાખ્યો છે. કંઈ જ બચ્યુ નથી. પહેલા ભાદરવાના વરસાદે નુકસાની પહોંચાડી અને હવે દિવાળી બાદના માવઠાએ શીંગન પાક પણ લેવા જેવો ન રહેવા દીધો. હવે તેઓ કઈ રીતે દીકરીનો કરિયાવર કરે તે ચિંતા તેમને સતાવી રહી છે.
કોઈપણ ખેડૂત હોય તેમની ચિંતાગ્રસ્ત આંખોમાં એક જ સવાલ છે કે માવઠાએ પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યુ છે હવે અમે કરીએ તો કરીએ શું? ખેડૂતો કહી રહ્યા છે, જો સરકાર કંઈક સહાય કરશે તો તેઓ હવે શિયાળુ પાકનું વાવેતર કરી શકશે, નહીં તો તેમની પાસે હવે કંઈ બચ્યુ જ નથી કે તેઓ વાવેતરનો ખર્ચ પણ કરી શકે.
સતત બદલાતા રહેતા હવામાનને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. વર્ષમાં ચાર-ચાર વાર પાક નિષ્ફળ જાય તો કેટલી કફોડી સ્થિતિ સર્જાય તે તો માત્ર આ ખેડૂતો જ સમજી શકે છે. હવે સરકાર સામે તેઓ મીટ માંડીને બેઠા છે કે સરકાર કંઈક ટેકો કરે તો તેઓ આ નુકસાનીમાંથી બેઠા થઈ શકે. બાકી માવઠાએ જે પ્રકારે આ ખેડૂતોની કમર તોડી નાખી છે તેમા એકલા હાથે તો ખેડૂતો કંઈ કરી શકે તેવી સ્થિતિમાં નથી.