Bhavnagar: યુક્રેનથી પરત ફરેલી પ્રાપ્તિ કામદારે વર્ણવ્યો આંખો દેખ્યો યુદ્ધનો ચિતાર, યુક્રેનની પ્રજાની દેશપ્રેમની ખુમારીને બિરદાવી
પ્રાપ્તિ યુક્રેન દેશના લોકોની દેશ પ્રેમની વાત કરતા ભાવુક થઈ ગઈ હતી, પ્રાપ્તિએ જણાવ્યું હતું કે અમે યુક્રેન બોર્ડર પાસ કરીને જ્યારે રોમાનિયા બોર્ડર જઇ રહ્યા હતા ત્યારે ત્યાં આંસુ રોકી ના શકાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
રશિયા અને યુક્રેનના (Ukraine-Russia war )યુદ્ધને લઈને યુક્રેનમાં અભ્યાસ કરતા અનેક ગુજરાતના વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં અટવાયા છે. જેમાં ભાવનગર (Bhavnagar)ના 39 વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે. યુક્રેનમાં યુદ્ધની આફતમાં ઘેરાયેલાં વિદ્યાર્થી (Gujarati Students)ઓ પૈકી ભાવનગરની એક વિદ્યાર્થિની હેમખેમ પરત ફરી છે. ભાવનગર પરત ફરેલી વિદ્યાર્થિની પ્રાપ્તિ કામદારે પોતાની નજરે નિહાળેલા યુદ્ધના આંખો દેખ્યા દ્રશ્યોનો ચિતાર વર્ણવ્યો હતો. તેમજ યુક્રેનની પ્રજાના દેશપ્રેમને બિરદાવ્યો હતો.
ભાવનગર શહેરના એરપોર્ટ રોડ બાલયોગીનગર વિસ્તારમાં રહેતી પ્રાપ્તિ જયેશભાઈ કામદાર યુક્રેનમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. યુક્રેનમા તબીબી અભ્યાસ માટે ગયેલી પ્રાપ્તિ યુદ્ધના ભયાવહ માહોલમાંથી સુરક્ષિત પરત ફરતાં પરીજનોને હાંશકારો થયો છે. યુક્રેનમાં તે યુદ્ધના માહોલમાં ફસાઇ હતી. જો કે સરકાર દ્વારા કરેલી વ્યવસ્થાને કારણે વિદ્યાર્થિની પ્રાપ્તિ કામદાર હેમખેમ પરત ફરી છે.
પ્રાપ્તિ પરત ફરતા પરિવારમાં ખુશી
ભાવનગર શહેરના બાલયોગીનગરમાં રહેતા જયેશભાઈ કામદારની પુત્રી પ્રાપ્તિ આજથી ત્રણેય વર્ષ પૂર્વે એમબીબીએસના અભ્યાસ માટે યુક્રેન ગઈ હતી. આ વર્ષે ત્રીજા વર્ષનો અભ્યાસ પૂર્ણ થવાનો હોવાથી પ્રાપ્તિ મનોમન ખૂશ હતી. પરંતુ આ ખુશી પ્રાપ્તિ માટે થોજી જ ક્ષણની રહી ગઇ. રશિયા-યુક્રેન વચ્ચે જંગ થતા સેંકડો વિદ્યાર્થીઓ સાથે પ્રાપ્તિનો અભ્યાસ પણ દાવ પર લાગ્યો છે.
આ માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ જીવ બચાવવા સ્વદેશ પરત ફરવા તલપાપડ બન્યાં. પરિસ્થિતિ વિકટ બનતા પરત ફરવું પણ કપરું સાબિત થયું હતું. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુક્રેનમા ફસાયેલા વિદ્યાર્થીઓને વતન પરત લાવવાના પ્રયત્નો વચ્ચે યુક્રેનથી ભારત આવેલી વિદ્યાર્થીઓની પ્રથમ બેંચમા ભાવનગરની પ્રાપ્તિ કામદારનો પણ સમાવેશ થયો છે. પ્રાપ્તિના પરત ફર્યાના સમાચાર મળતા જ પરિવારમાં ખુશીની લહેર વ્યાપી હતી. પ્રાપ્તિ પોતાના ઘરે પરત ફરી હતી. પરત આવેલી પ્રાપ્તિએ યુદ્ધ સમરાંગણમાં નજરે નિહાળેલા દ્રશ્યોનું પરિવાર સમક્ષ વર્ણન કર્યું હતું.
પ્રાપ્તિએ વર્ણવ્યો યુદ્ધનો ચિતાર
પ્રાપ્તિ યુક્રેન દેશના લોકોની દેશ પ્રેમની વાત કરતા ભાવુક થઈ ગઈ હતી, પ્રાપ્તિએ જણાવ્યું હતું કે અમે યુક્રેન બોર્ડર પાસ કરીને જ્યારે રોમાનિયા બોર્ડર જઇ રહ્યા હતા ત્યારે ત્યાં આંસુ રોકી ના શકાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. યુક્રેનમાં અત્યારે 18 વર્ષથી 60 વર્ષના લોકો યુક્રેનની બોર્ડર પાસ નહોતા કરી રહ્યા. ત્યાં દેશ માટે ફરજીયાત લડવાનો નિયમ હોવાથી આવા લોકો પોતાના બાળકો માતાપિતાને યુક્રેનની બોર્ડર પર ખુબજ મોટી સંખ્યામાં મુકવા આવ્યા હતા.
પ્રાપ્તિએ જણાવ્યુ કે યુક્રેન બોર્ડર પર ત્યાંના નાગરિકોના બાળકો અને પત્ની તેમને ભેટી ભેટીને રડતા હતા. એક તરફ પોતાના પરિવારને બચાવવા યુક્રેનના નાગરિકો પરિવારને બોર્ડર પાસ કરાવીને પોતે દેશ માટે હથિયાર ઉપાડવા તૈયાર થયા. પરિવાર સાથેનો કદાચ અંતિમ મેળાપ હોય તેવા યુક્રેનના નાગરિકોનાદ્રશ્યો જોઇને ત્યાંથી બોર્ડર ક્રોસ કરતા ભારતીય નાગરિકો પણ ભાવુક થઇ ગયા હતા. પ્રાપ્તિએ જણાવ્યુ કે દેશ માટે પરિવારથી પણ અલગ થતા આવા યુક્રેનના દેશ પ્રેમીઓને સલામ છે.
આ પણ વાંચો-
Kutch: દિનદયાળ પોર્ટ પર ઓથોરિટી બોર્ડની બેઠક મળી, કામદારોના પ્રશ્ન અને જમીન સહિત વિકાસના વિવિધ 34 કામ પર નિર્ણય લેવાયા
આ પણ વાંચો-