ભાવનગર: સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સાથે ખાનગી ગ્રામિણ વિશ્વવિદ્યાલયનો ઉમેરો થયો, આવતાં નવા સત્ર સાથે થશે પ્રારંભ
આ વિભાગની કાર્યવાહી પ્રક્રિયામાં રહેલ સંસ્થાના વિશાલ ભાદાણીએ જણાવ્યાં મુજબ સરકાર દ્વારા ખાનગી વિશ્વવિદ્યાલયની માન્યતા મળતાં વિદ્યાર્થીઓને વિવિધ માન્ય શાખાઓના અભ્યાસ માટે લોકભારતીમાં જ તક ઉપલબ્ધ થઈ છે.
ભાવનગર (Bhavnagar) જિલ્લાની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં (Lokbharati Gram Vidyapeeth)હવે ગ્રામવિકાસ અભ્યાસક્રમો સાથે સંશોધનો માટે સુંદર તક સાંપડી છે, રાજ્ય સરકાર (Government) દ્વારા ખાનગી વિશ્વવિદ્યાલયની મંજૂરી મળી છે, જેમાં નવા સત્રથી જ તેનો પ્રારંભ થશે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા લોક વૈજ્ઞાનિક અભ્યાસુ અરુણભાઈ દવેના નેતૃત્વ સાથે સંસ્થા દ્વારા અહીં ખાનગી વિશ્વવિદ્યાલય માટે થયેલી કાર્યવાહીને સફળતા મળી છે, જેમાં આવતા સત્રથી જ પ્રાકૃતિક વાતાવરણ તેમજ પૂરતી સુવિધા સાથે અભ્યાસક્રમ શરૂ થઈ જશે. આમ પ્રતિષ્ઠિત ‘લોકભારતી’ હવે ‘વિશ્વભારતી’ બની છે. અહીં ભણેલો વિદ્યાર્થી હવે વિશ્વ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનશે.
આ વિભાગની કાર્યવાહી પ્રક્રિયામાં રહેલ સંસ્થાના વિશાલ ભાદાણીએ જણાવ્યાં મુજબ સરકાર દ્વારા ખાનગી વિશ્વવિદ્યાલયની માન્યતા મળતાં વિદ્યાર્થીઓને વિવિધ માન્ય શાખાઓના અભ્યાસ માટે લોકભારતીમાં જ તક ઉપલબ્ધ થઈ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના હકારાત્મક વલણ સાથે આ ઉપલબ્ધી સુગમ થતાં ‘લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન’ દ્વારા આવતા માસથી એટલે કે નવા સત્રના પ્રારંભથી જ ગ્રામવિકાસમાં નાવીન્ય સંદર્ભે અભ્યાસ ચાલુ થઈ જશે, જેમાં પ્રવેશ પ્રક્રિયા માટે ટૂંક સમયમાં જ જાહેરાત થશે. સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સાથે જ ગ્રામવિકાસ અભ્યાસક્રમ માટેની વિશ્વવિદ્યાલય શરૂ થતાં અગાઉ જ વિદેશની સંસ્થાઓ સાથે અભ્યાસક્રમની અરસપરસ સમજુતીઓની કાર્યવાહી શરૂ થતાં અન્ય ખાનગી સંસ્થાઓ કરતા ઓછા ખર્ચે વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપલબ્ધ થશે.
સંસ્થા દ્વારા આ અભ્યાસક્રમ ઉપલબ્ધી એ વ્યવસાયિક હેતુ ન જ હોવાથી અહીં ગરીબ માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વ્યાજબી ખર્ચથી પોતાની મનગમતી અભ્યાસ પદવીઓ હાંસલ કરશે. આમ, ગ્રામીણ વિશ્વવિદ્યાલયનો ઉમેરો થતાં આ પંથકને આનંદ છવાયો છે.
આ પણ વાંચો :Ahmedabad: ઓઢવમાં એક જ પરિવારના 4 લોકોની હત્યા કેસમાં આરોપી વિનોદ મરાઠીના 5 દિવસના રિમાન્ડ મંજૂર