ભાવનગરમાં નીચા ભાવે વિકાસકામોના ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવાનો વિપક્ષનો આક્ષેપ, મંથર ગતિની કામગીરીથી શહેરીજનો ત્રાહિમામ- Video
ભાવનગરમાં ટેન્ડરની માયાજાળમાં ગુણવત્ત સામે સવાલ ઉઠી રહ્યા છે. રબ્બર મોલ્ડેડ પેવિંગ બ્લોક માટે ટેન્ડરથી 28% ઓછો ભાવ ભરાયો છે. માસ્ટિક આસ્ફાલ્ટ રોડમાં 22.50% ઓછો ભાવ મુકાયો જ્યારે ગ્રાઉટીંગ રોડમાં 37.63% ઓછા ભાવે કામ કરવા એજન્સી તૈયાર છે. ત્યારે ઓછા ભાવે કામ કરવા તૈયાર કોન્ટ્રાક્ટરો ગુણવત્તા સાથે બાંધછોડ કરતા હોવાના વિપક્ષ આક્ષેપ કરી રહ્યુ છે.

ગુજરાતમાં ‘વિકાસ’ના દાવા થઈ રહ્યા છે. પરંતુ, ભાવનગરમાં આ વિકાસ એવો “મંથર ગતિ”એ ચાલી રહ્યો છે કે સ્થાનિકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે પ્રજાને પડી રહેલી આ હાલાકીનું સૌથી મોટું કારણ છે નીચા ભાવે બહાર પડી રહેલા ટેન્ડર.
એક તરફ ચોમાસું નજીક છે અને બીજી તરફ ભાવનગરમાં ઠેર-ઠેર રસ્તાના કામો મંથર ગતિએ ચાલી રહ્યા છે. મનપા દ્વારા કોન્ટ્રાક્ટરોને અપાયેલું કોઈપણ કામ નિર્ધારિત સમય મર્યાદામાં પૂરું જ ન થતું હોવાના આક્ષેપો ઊઠી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે મનપા દ્વારા કોઈપણ કામ માટે અંદાજિત કિંમત અને સમય સાથેનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે. પરંતુ, કોન્ટ્રાક્ટ એજન્સીઓ ટેન્ડરની રકમ કરતાં અનેક ઘણાં ઓછા ભાવ ભરીને ટેન્ડર મેળવી લે છે. પછી ન તો ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવે છે કે ન તો પછી નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ કરવાનું.
કેટલીક વિગતો જોવામાં આવે તો રબ્બર મોલ્ડેડ પેવિંગ બ્લોકના કામ માટે ટેન્ડર કરતાં 28 ટકા ઓછા ભાવ એજન્સીએ ભર્યા છે. આરસીસી રોડમાં પણ 26 ટકા ઓછો ભાવ ભરાયો છે. માસ્ટિક આસ્ફાલ્ટ રોડમાં 22.50 ટકા ઓછો ભાવ એજન્સીએ ભર્યો છે. ગ્રાઉટીંગ રોડમાં તો ટેન્ડરની અંદાજિત રકમથી પણ 37.63 ટકા ઓછા ભાવે કામ કરવા એજન્સી તૈયાર થઈ ગઈ છે. આટલી ઓછી રકમે જ્યારે કોન્ટ્રાક્ટ એજન્સીઓ કામ કરતી હોય ત્યારે ગુણવત્તાનું ધ્યાન જ ન રાખતી હોવાનો વિપક્ષનો આરોપ છે. એટલું જ નહીં આ કોન્ટ્રાક્ટરો ભાજપના મળતિયા હોવાનો અને નબળી કામગીરીના સંદર્ભમાં માત્ર નજીવો જ દંડ ફટકારાતો હોવાનો પણ આક્ષેપ છે.
જો કે બીજી તરફ મનપા દ્વારા વિપક્ષના તમામ આક્ષેપોને નકારવામાં આવ્યા છે. મેયરનો દાવો છે કે અગાઉ વર્ષ 2018-19ના જૂના SOR પ્રમાણે એટલે કે સરકારે નિર્ધારિત કરેલાં ભાવ મુજબ ટેન્ડર પ્રક્રિયા થતી હતી. પરંતુ, હવે વર્ષ 2023-24ના નવો SOR અમલમાં આવતા કોન્ટ્રાક્ટરોને 20 ટકાનો વધારો મળ્યો છે અને જીએસટીના 18 ટકાનો લાભ પણ મળી રહ્યો છે. એટલે તેઓ ટેન્ડરમાં ઓછો ભાવ મુકતા હોઈ શકે. પરંતુ, ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં નથી આવતી.
મનપાનો દાવો ગમે તે હોય પરંતુ, હાલ તો ભાવનગર શહેરની હાલત અને લોકોને પડી રહેલી હાલાકી જ અનેક સવાલો ઉઠાવી રહી છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar