ભાવનગર અને જૂનાગઢમાં પણ જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ, લારીઓ હટાવવામાં આવશે
ભાવનગર મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે, જાહેર માર્ગો,તળાવો રસ્તાઓ પરથી નોનવેજ, ઈંડાની લારીઓ દૂર કરવામાં આવશે.
રાજકોટ, વડોદરા બાદ હવે ભાવનગર અને જૂનાગઢમાં પણ જાહેરમાં નોનવેજનું વેચાણ નહીં કરી શકાય છે.નોનવેજ વિક્રેતાઓ હવે જાહેરમાં ન દેખાય એવી રીતે જ વેચાણ કરી શકશે.ભાવનગર મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે, જાહેર માર્ગો,તળાવો રસ્તાઓ પરથી નોનવેજ, ઈંડાની લારીઓ દૂર કરવામાં આવશે.સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે…બીજી તરફ જૂનાગઢમાં પણ ઈંડા અને નોનવેજ તેમજ ખાણી-પીણીની નડતરરૂપ લારીઓ દૂર કરવા સૂચના આપવામાં આવી છે…સ્થાયી સમિતિના ચેરમેન રાકેશ ધુલેશિયાએ અધિકારીઓને આદેશ કર્યો છે કે, નોનવેજ ઈંડા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની લારીઓ હટાવે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યમાં રસ્તા પર ઉભી રેહતી ઈંડા અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing)સમાન છે. કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ એક લાંબા ગાળાનો પ્રશ્ન છે. રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને ધંધો કરે એ ન ચાલે. દુકાન લઈને ધંધો કરે. કચ્છમાં કાર્યક્રમ દરમિયાન મહેસૂલ મંત્રીએ વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહિ કરવા માટે મ્યુનિસિપાલિટીના પગલાંની પ્રસંશા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી.
રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે ફૂટપાથ રાહદારીઓ માટે છે અને તેના પર કોઈ અતિક્રમણ કરી શકાય નહીં. ફૂટપાથ પર લારીઓ મૂકવી એ પોતે જ એક પ્રકારની જમીન હડપ કરવાની વાત છે. જેઓ કોઈપણ પ્રકારનું સ્ટ્રીટ ફૂડ, વેજ, નોન વેજ બનાવે છે, તેમાંથી નીકળતા ધુમાડા અને મસાલાના કારણે પસાર થતા લોકોને મુશ્કેલી પડે છે, આંખોમાં બળતરા થાય છે. આવા આદેશો બદલ રાજકોટ અને વડોદરાના મેયરોનો આભાર, તેઓ અભિનંદનને પાત્ર છે.
આ પણ વાંચો : મહેસાણા : પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડૉ. વિરાજ અમર ભટ્ટને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત