ભાવનગર:જુગારની રેડ દરમિયાન ત્રણ યુવકોના મોત, પોલીસથી બચવા ભાગવાનો પ્રયાસ કરતા કૂવામાં પડવાથી થયુ મૃત્યુ
ભાવનગરમાં વાડીમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડા કર્યા. આ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરનારા ત્રણ યુવકોના કૂવામાં પડવાથી રહસ્યમય મોત નિપજ્યા છે. જો કે પોલીસ દ્વારા દરોડા કર્યાની વાત નકારી દેતા વરતેજ પોલીસની તપાસ સામે સવાલ ઉઠી રહ્યા છે.

ભાવનગરમાં કૂવામાં પડી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણ યુવકો વાડીમાં જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પોલીસે દરોડા કરતા યુવકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન કૂવામાં પડવાની દુર્ઘટના ઘટી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જો કે વરતેજ પોલીસ દરોડા ન કર્યા હોવાની કબુલાત કરી રહી છે ત્યારે પોલીસની તપાસ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. હાલ વરતેજ પોલીસના ડીસ્ટાફ રૂમમાં વાડીમાં હાજર અન્ય કેટલાક લોકોને પણ પૂરી દેવાયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કૂલ 11 લોકો જુગાર રમી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. ત્રણ યુવકોના કૂવામાં પડવાથી મોત બાદ અન્ય લોકોને ડીસ્ટાફ રૂમમાં પુરી દેવાયાનો દાવો કરાઈ રહ્યો છે.
હાલ પરિવારજનો કે મીડિયાના લોકોને રૂમમાં બંધ લોકોને મળવા ન દેવાતા પોલીસની તપાસ શંકાના ઘેરામાં આવી છે.
સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો ઉખરલા ગામની વાડીમાં રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના વ્યક્તિનું કૂવામાં પડતા મોત નિપજ્યુ છે. વાડી વિસ્તારમાં 11 લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાદ પોલીસે દરોડા કરતા તમામ લોકોએ નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કૂવામાં પડતા ત્રણ યુવકોના મોત થયા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ અને વરતેજ પોલીસ દરોડા કર્યા હોવાની વાત જ નકારી દીધી છે. હાલ આ ઘટનામાં સમગ્ર હકીકત સામે ન આવે ત્યા સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની જ ના પાડી દીધી છે.
હાલ એવા આક્ષેપો પણ સામે આવી રહ્યા છે કે 11 વ્યક્તિમાંથી બાકીના લોકોને વરતેજ પોલીસના ડિસ્ટાફ રૂમમાં પૂરી દેવાયા છે અને ત્યાં હાલ કોઈને પણ મળવાની પરવાનગી નથી અપાઈ રહી. અલબત પોલીસે રેડની વાતને સંપૂર્ણ નકારી દીધી છે. પોલીસનું કહેવું છે કે મોટો અવાજ થવાને લીધે નાસભાગ મચી હતી અને કુલ ચાર લોકો કૂવામાં પડ્યા હતા. જેમાંથી કેવલ સોલંકી નામના વ્યક્તિનો બચાવ થયો છે. જેણે પણ આ જ પ્રકારે જણાવ્યું છે. છતાં જો કોઈ અન્ય શખ્સો ત્યાં ગયા હશે. તો તે અંગે પણ તપાસ હાથ ધરાશે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar